ગુજરાત રાજ્યમાં આગામી તારીખ ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ ૧૦ તથા ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પરીક્ષા સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેકટર આર.એમ. તન્નાની આગેવાનીમાં સમિતિના સદસ્ય જિલ્લા શિક્ષણ અધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં વિવિધ એક્શન પ્લાન તથા પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટેનું આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે બોર્ડની પરીક્ષાઓમાં ધોરણ ૧૦ માં ૭૯૫૬ નિયમિત વિદ્યાર્થીઓ સાથે કુલ ૯૨૪૬ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જ્યારે ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહમાં ૩૩૧ વિદ્યાર્થીઓ તથા ધોરણ ૧૨ ના સામાન્ય પ્રવાહમાં ૩૭૧૧ મળી કુલ ૩,૨૩૭ નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે.
ધો. ૧૨ સાયન્સ પ્રવાહની પરીક્ષા કેન્દ્ર ખંભાળિયા તથા મીઠાપુર બે સ્થળે છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં ખંભાળિયા સાથે ભાણવડ, ભાટિયા, કલ્યાણપુર, દ્વારકા અને મીઠાપુર વિગેરે કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. આ સાથે ધોરણ ૧૦ માં આ તમામ સ્થળો ઉપરાંત નંદાણા, જામ રાવલ સહિતના કેન્દ્રોમાં પણ પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દ્વારકા જિલ્લા પરીક્ષાના સમિતિના અધ્યક્ષ કલેક્ટર આર.એમ. તન્નાની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિ પણ બનાવવામાં આવી છે. જેમાં સભ્ય તરીકે જિલ્લા પોલીસ વડા, જિલ્લા શિક્ષણાધિકારી, માન્ય મંડળોના પ્રમુખ અને મહા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જિલ્લામાં રાજ્ય સરકાર તરફથી મળેલા એક્શન પ્લાન મુજબ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે પરીક્ષા સંદર્ભમાં પરીક્ષા કાર્ય સાથે જોડાયેલાઓ માટે ટ્રેનિંગ અને માર્ગદર્શન સાથે જિલ્લામાં કંટ્રોલ રૂમ તથા દરેક તાલુકામાં શિક્ષણવિદ્દો દ્વારા કાઉન્સિલિંગની વ્યવસ્થા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પરીક્ષાના તમામ સ્થળ પર સી.સી. ટી.વી. તથા તેનું લાઈવ રેકોર્ડિંગ થાય તે માટે તથા તમામ સ્થળે પરીક્ષાના સમયે વીજ પુરવઠો અવિરત રીતે જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા સ્થળોની આસપાસ લોકોના ટોળા એકત્ર ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત તથા જિલ્લા કક્ષાએ પોલીસ કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન ઉપરાંત રાજ્ય કક્ષાએ હેલ્પ લાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ માનસિક તનાવ ન અનુભવે તે માટે ખાસ મદદરૂપ થવા નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે.
બોર્ડની પરીક્ષામાં ચોરી કરનારાઓ તથા તેમને મદદરૂપ થનારાઓ સામે પગલાની જોગવાઈ કરવામાં આવી છે. જે-તે વિષયના પ્રશ્નપત્ર દરમિયાન આ વિષયના શિક્ષકોને પરીક્ષા સુપરવિઝનમાં ન રાખવા માટેનું પણ આયોજન થયું છે. જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સવદાસ માડમ, વર્ગ-૨ ના અધિકારી કમલેશભાઈ પાથર, ગોપાલભાઈ નકુમ વિગેરે જિલ્લાની આ પરીક્ષા વ્યવસ્થામાં જોડાયા છે.
પરીક્ષા માટેની આ બિલ્ડીંગોની ચકાસણી પણ કરવામાં આવી છે. જેમાં ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર વિગેરે વર્ગ ૨ ના અધિકારીઓ દ્વારા પરીક્ષામાં ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.