દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની સામાન્ય સભા સંપન્ન: બજેટ સહિતના ઠરાવ સર્વાનુમતે મંજૂર

  • March 26, 2021 07:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિવિઘ કમિટીની રચના કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના નવા વરાયેલા સભ્યોની પ્રથમ બેઠક ગઈકાલે ગુરુવારે અહીંની જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં બજેટ સહિતના તેર જેટલા ઠરાવો સર્વાનુમતે મંજૂર કરાયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની વર્તમાન બોડીની પ્રથમ સામાન્ય સભા ગઈકાલે ગુરુવારે સવારે અહીંની જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ રાજીબેન વીરાભાઈ મોરીના અધ્યક્ષસ્થાને અને સચિવ જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ બેઠકમાં કુલ 22 પૈકી ભાજપના તમામ 12 તથા કોંગ્રેસના 10 પૈકી 9 સભ્યો હાજર રહ્યા હતા. કે.ડી. કરમુર નામના એક સભ્ય ગેરહાજર રહ્યા હતા.

આ સામાન્ય સભાના જારી કરવામાં આવેલા એજન્ડામાં દર્શાવવામાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતનું વર્ષ 2020-21 નું સુધારેલું સુધારેલું અને વર્ષ 2021- 22 નું રૂ. 491.22 લાખની પુરાંતલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત જિલ્લા પંચાયતમાં મહત્વની એવી કારોબારી કમીટી, સામાજિક ન્યાય સમિતિ, આરોગ્ય સમિતિ, સિંચાઈ સમિતિ, બાંધકામ સમિતી, મળી કુલ આઠ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેના ચેરમેનની વરણી હવે આગામી દિવસોમાં થશે.

આ ઉપરાંત એજન્ડામાં દર્શાવવામાં આવેલી ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામે સરકારી અથવા ગૌચરની જમીનમાંથી ગૌશાળા બનાવવા જમીન ફાળવણી અંગેના એજન્ડામાં દરખાસ્ત રજૂ કરી આ માટે જરૂરી કાર્યવાહી કરવાનું મંજૂર રાખવામાં આવ્યું હતું. આ સાથે આગામી વર્ષમાં સુજલામ- સુફલામ યોજનાના કામો મંજુર કરી, તાત્કાલિક ધોરણે ચાલુ કરવા, સુજલામ- સુફલામ યોજનાના અગાઉના કરવામાં આવેલા કામોના ચુકવણા બાબત, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સિંચાઈ વિભાગના મંજુર થયેલા કામોને વહિવટી મંજૂરી આપવા, જિલ્લા બાંધકામ કમીટી (પંચાયત)ના મંજૂર થયેલા કામોને વહિવટી મંજૂરી આપવા વિગેરે એજન્ડામાં દર્શાવવામાં આવેલા 8 મુદ્દાઓ સર્વાનુમતે મંજૂર રાખવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના ભાડથર તથા જુવાનપુર ગામ કે જે સાંસદ આદર્શ ગ્રામ તરીકે લેવામાં આવ્યા છે, તેમાં પંચવટી યોજના લાગુ કરવા, રાજ્ય સમકારી નિધિ- ગ્રાન્ટ માટેની જરૂરી દરખાસ્ત કરવા, સહિત પાંચ ઠરાવો પ્રમુખ સ્થાનેથી રજૂ કરવામાં આવ્યા હતા. જેને પણ મંજૂર રાખવામાં આવ્યા હતા.

આમ, એકંદર તેર જેટલા ઠરાવો સાથેની આ મહત્વની અને પ્રથમ સામાન્ય સભા એકંદરે શાંતિપૂર્ણ તથા વિરોધ વગર સંપન્ન થઈ હતી. આ સમગ્ર કાર્યવાહીની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS