દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી પ્રચાર પડઘમ શાંત: આજે કતલની રાત

  • February 27, 2021 12:56 PM 

મતદારો આજે  એક દિન કા સુલતાન

પાંચ વર્ષ પછી આવતા મહાપર્વ એવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખાસ કરીને રાષ્ટ્રીય પક્ષો માટે પડકારરૂપ તથા મતદારો માટે આગામી ભવિષ્ય નક્કી કરવાનું સિમાચિહ્ન બની રહે છે. સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આવતીકાલે રવિવારે જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત, બે નગરપાલિકાની કુલ સાત સામાન્ય ચૂંટણી અને સલાયા નગરપાલિકામાં પેટા ચૂંટણી યોજાશે. આ માટે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. આજે "કતલની રાત્રે" કંઈક ઊથલપાથલ અને નવાજૂની થાય તો નવાઈ નહીં.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ચૂંટણીઓમાં આ વખતે વિવિધ કારણોસર મતદારો નિરસ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં રાજ્યના છ જિલ્લાઓમાં યોજાઈ ગયેલી મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીના મતદાન થયેલા કંગાળ મતદાન વચ્ચે આ વખતે જોવા મળતી નબળા મતદાનની પરિસ્થિતિએ ખાસ કરીને રાજકીય પક્ષોના હોદ્દેદારો, આગેવાનો, નેતાઓને થોડા ચિંતામાં મૂકી દીધા છે. આ વચ્ચે સરકારી તંત્ર દ્વારા જિલ્લામાં મતદારો તેઓના મતાધિકારનો મહત્તમ અને યોગ્ય ઉપયોગ કરે તે માટે પણ સઘન ઝુંબેશ ચલાવવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીણા, જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી અને ચૂંટણી અધિકારી તથા સ્ટાફ દ્વારા જિલ્લામાં આવતીકાલે રવિવારે યોજાનાર ચૂંટણી તથા મંગળવારે થનારા મતદાનમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુત રીતે જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા મતદારો નિર્ભીક રીતે મતાધિકારનો ઉપયોગ કરી શકે, તે માટે તમામ જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં વહીવટી તંત્ર-પોલીસ તંત્ર દ્વારા ચૂંટણી સંદર્ભે જરૂરી વ્યવસ્થા સાથે મતદાન મથકો મતદારો માટે સુરક્ષિત અને ભય રહિત બની એ માટે કોરોના સહિતની સરકારી ગાઈડ લાઈનની અમલવારી કરવામાં આવી છે.

આવતીકાલે યોજાનારી ચૂંટણી માટે ગઈકાલથી જ જાહેર પ્રચારના પડઘમ શાંત બની ગયા છે. ચૂંટણી માટે હવે ઉમેદવારો સાથે તેમના ટેકેદારો તથા રાજકીય પક્ષોના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક તથા મતદારોને રીઝવવા માટે વિવિધ પ્રકારનાની "ખાસ જહેમત" ઉઠાવવામાં આવી રહી છે.

આવતીકાલે રવિવારે યોજાનાર મતદાન પૂર્વે આજરોજ શનિવારે "કતલની રાત" હોવાથી દરેક ઉમેદવાર દ્વારા પોતાના તરફે મતદાન થાય તે માટે છેલ્લી ઘડી સુધીના મરણિયા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ માટે મતદારોને રીઝવવા તથા મતદાન મથક સુધી લઈ આવવા સાથે મહત્તમ મતદાન થાય તે અર્થે ખાસ કરીને રાષ્ટ્રીય પક્ષો તથા કેટલાક અપક્ષોની જહેમત પણ ઉડીને આંખે વળગે તેવી બની રહી છે.

આમ, આગામી પાંચ વર્ષના નિર્ણય માટે આજે મતદારો પોતે જાણે "એક દિન કા સુલતાન" હોય તેવો અનુભવ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS