ભાજપના ૬૬ કોર્પોરેટરની માંગણી છતાં વકાણીનો વાળ વાંકો ન થતા ધબધબાટી

  • May 30, 2025 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના આરોગ્ય શાખાના વડા એવા ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ એલ.વકાણી સામે છેલ્લા ઘણા સમયથી ભાજપના કુલ ૬૬ કોર્પોરેટરો મેદાને પડ્યા છે તેમ છતાં આજ દિવસ સુધી વકાણી સામે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતા આજે સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ પૂર્વે મળેલી ભાજપ પાર્ટી સંકલન મીટીંગમાં કોર્પોરેટરોએ ફરી ધબધબાટી બોલાવી હતી અને મેયર નયનાબેન પેઢડીયા તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર સમક્ષ એવી માંગ રજૂ કરી હતી કે તાત્કાલિક અસરથી ચીફ હેલ્થ ઓફિસર ડોક્ટર જયેશ વકાણીને ફરજમાંથી બરતરફ કરવામાં આવે.

પાર્ટી સંકલન મિટિંગમાં ભાજપના કોર્પોરેટરો દ્વારા ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ એલ વકાણી આરોગ્ય શાખાના મુખ્ય અધિકારી હોવા છતાં (૧) મહાપાલિકાના પદાધિકારીઓ તેમજ કોર્પોરેટરોના ફોન રિસીવ કરતા નથી (૨) કોર્પોરેટરો અને પદાધિકારીઓ સૂચવે તેવા કરવાપાત્ર નિયમ મુજબના કામ પણ કરતા નથી (૩) ખરીદી સહિતની બાબતોમાં ગોલમાલ અને નાણાકીય ગેરરીતિ આચરે છે (૪) આરોગ્ય શાખાના સ્ટાફ સાથે વહાલા દવલાની નીતિ રાખે છે તેમજ (૫) વહીવટમાં પાવરધા છે અને પ્રસાદીપ્રેમી છે (૬) પ્રજાના ચૂંટાયેલા પદાધિકારીઓનું પણ માન જાળવતા નથી (૭) મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે કરવાની મૂળભૂત કામગીરીમાં નિષ્ફળ ગયા છે (૮) અરજદારો સાથે તેમના વાણી, વર્તન, અને વ્યવહાર યોગ્ય હોતા નથી (૯) ઇચ્છાધારી વર્તન દાખવીને પોતાને મન થાય તેવી ભલામણો રાખે છે. (૧૦) લાંબા સમયથી તેમની સામે ફરિયાદો હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી આ સહિતની એકાદ ડઝન ફરિયાદો અને આક્ષેપો કરવામાં આવ્યા હતા.

ગત મિટિંગમાં પણ આ પ્રકારની ફરિયાદો ઉઠી હતી પરંતુ એક મહિના સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં આજે કોર્પોરેટરો રોષે ભરાયા હતા. અગાઉ ડો.જયેશ વકાણીને સરકારમાં પરત મોકલવા માટે ઠરાવ કરવા નિર્ણય કર્યો હતો પરંતુ વકાણીની ભરતી ઓફિસર સિલેક્શન કમિટી દ્વારા કરવામાં આવી હોય તેમને ઠરાવથી પરત મોકલી શકાય નહીં તેવો ટેકનિકલ પ્રશ્ન સર્જાયો હતો. આથી હવે મેયરને એવી રજૂઆત કરવામાં આવી છે કે નવેસરથી ઓફિસર સિલેક્શન કમિટીની મીટીંગ યોજવામાં આવે અને ડો.જયેશ વકાણીને તાત્કાલિક અસરથી ફરજમાંથી બરતરફ કરવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application