BREAKING NEWS

પાર્ટીમાં હોવા છતાં લીડરશિપથી દૂર અને મુશ્કેલ સમયમાં ગાયબ... AAPમાં રાઘવના ડિમોશન પાછળની Inside Story

  • April 02, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમ આદમી પાર્ટીના નેતૃત્વએ રાઘવ ચઢ્ઢાના સ્થાને હવે અશોક મિત્તલને રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા તરીકે નિયુક્ત કર્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રાઘવ ચઢ્ઢા અને પાર્ટીના ટોચના નેતૃત્વ વચ્ચે સંવાદ તૂટી ગયો હોવાના અહેવાલો હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાઘવ ચઢ્ઢા પાર્ટીમાં હોવા છતાં નેતાઓ સાથે સંપર્કમાં નહોતા અને પક્ષના સંકટ સમયે તેમની સૂચક ચુપકીદી હાઈકમાન્ડને ખૂંચી રહી હતી.


કેમ કપાયું રાઘવ ચઢ્ઢાનું પત્તું?
પાર્ટીના આંતરિક વર્તુળોમાં રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ નારાજગીના મુખ્ય ચાર કારણો ચર્ચાઈ રહ્યા છે:


સંકટ સમયે વિદેશ: જ્યારે દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ સહિતના ટોચના નેતાઓ જેલમાં હતા અને પાર્ટી અસ્તિત્વની લડાઈ લડી રહી હતી, ત્યારે રાઘવ ચઢ્ઢા લાંબા સમય સુધી વિદેશમાં હતા. ભારત પરત આવ્યા પછી પણ તેઓ પક્ષની પ્રવૃત્તિઓથી દૂર રહ્યા હતા.


નેતૃત્વ સાથે સંવાદહીનતા:
સંસદમાં કયા મુદ્દા ઉઠાવવા અથવા પક્ષની રણનીતિ શું હોવી જોઈએ, તે બાબતે તેઓ અન્ય સાંસદો કે નેતાઓ સાથે પરામર્શ કરતા નહોતા. તેમની આ 'સોલો' સ્ટાઈલથી બીજા સ્તરના નેતાઓ નારાજ હતા.


પર્સનલ PR પર વધુ ધ્યાન:
એવો આક્ષેપ છે કે રાઘવ ચઢ્ઢા માત્ર પોતાના વ્યક્તિગત પીઆર (Personal PR) વધે તેવા જ મુદ્દાઓ સોશિયલ મીડિયા પર ઉઠાવતા હતા. દેશના મહત્વના પ્રશ્નો કે પક્ષની મુશ્કેલીઓ પર બોલવાનું તેમણે ટાળ્યું હતું.


લિકર કેસમાં ચુપકીદી: રાઉઝ એવન્યુ કોર્ટે જ્યારે પક્ષના નેતાઓને રાહત આપી, ત્યારે પણ રાઘવ ચઢ્ઢાએ કોઈ ટ્વીટ કર્યું નહોતું કે નેતાઓને મળવા પણ ગયા નહોતા.


અશોક મિત્તલની નિમણૂક પાછળનો સંકેત
રાઘવ ચઢ્ઢાને હટાવવાની માંગ ખુદ આપના સાંસદોએ જ અરવિંદ કેજરીવાલ સમક્ષ કરી હતી. તેમનું કહેવું હતું કે જે નેતા પક્ષના અન્ય સભ્યો સાથે વાત પણ નથી કરતા, તેમને મોટી જવાબદારી આપવાનો કોઈ અર્થ નથી. અશોક મિત્તલની નિમણૂક દ્વારા પાર્ટીએ એવો સંકેત આપ્યો છે કે હવે પક્ષ પ્રત્યે વફાદાર અને સૌને સાથે લઈને ચાલનારા નેતાઓને જ પ્રાધાન્ય આપવામાં આવશે.


​​​​​​​અગાઉ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી પણ રાઘવનું નામ ગાયબ હતું, જે સ્પષ્ટ કરે છે કે આમ આદમી પાર્ટીમાં હવે તેમનું કદ ઘટાડી દેવામાં આવ્યું છે. આગામી સમયમાં જો રાઘવ ચઢ્ઢા પોતાનું વલણ નહીં બદલે તો તેઓ પક્ષમાં વધુ હાંસિયામાં ધકેલાઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application