BREAKING NEWS

રાજકોટમાં મધરાત્રે મનપાના બુલડોઝર ધણધણ્યા, ટ્રાફિકને અડચણરૂપ 12 મંદિરોનું ડિમોલિશન

  • May 15, 2026 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જાહેરમાર્ગો ઉપર ટ્રાફિકને અડચણરૂપ ધાર્મિક દબાણો દૂર કરવા હાઇકોર્ટે કરેલા આદેશની અમલવારીના ભાગરૂપે રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા ગત મોડી રાત્રે મેગા ઓપરેશન હાથ ધરીને શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ કરીને બનાવાયેલા ધાર્મિક સ્થાનો જેમાં મુખ્યત્વે ૧૨ મંદિરોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું, આ વેળાએ મવડીમાં હનુમાનજી મંદિર તોડવા જતા ભાવિકોના ટોળા એકત્રિત થઇ જતા ઉગ્ર માથાકૂટ થઇ હોવાનું જાણવા મળે છે.


વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મોડી રાત્રે મવડી અને નાનામવા સહિતના વિસ્તારોમાં એક સાથે ૧૨ જેટલા મંદિરો તોડી પાડવા તોડી પાડવામાં આવ્યા હતા.રાજકોટ મહાપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ અને રોડ-રસ્તા ઉપર આવતા નાના મંદિરો અને તેમાં પણ ખાસ કરીને હનુમાનજીની ડેરીઓ તોડી પાડવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. દરમિયાન ઘર્ષણ ન થાય માટે તંત્ર દ્વારા રાત્રિના સમયે ડિમોલિશન કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો અને સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા રાત્રે દોઢ વાગ્યાથી શરૂ કરી સવારે પાંચ વાગ્યા સુધી ચાલી હતી. જેમાં (૧) હનુમાનજીની દેરી ૧૨ મીટર ટી.પી. રોડ, (૨) હનુમાનજીની દેરી-અપાર્ટમેન્ટ વાળી શેરી નં.૨, યોગીનગર મેઈન રોડ, દેશા ચૌકી પાસે, રાજકોટ, (૩) મામા સાહેબ-મેલડીમાં મંદિર-માયાણી આવાસ યોજનાના બાજુમાં (૪) અંબાજી મંદિર, પવળપુર હનુમાન મંદિર માયાણી આવાસ યોજના, ગોકુલ ગ્રીનલેન્ડ રેસીડન્સી પાસે, (૫) ઉદ્યાનપાલની મેલડીમાં મંદિર — વિકાસનગર-૩, માયાણી આવાસ યોજનાના બાજુમાં, (૬) હનુમાનજી મંદિર – શ્રીનાથજી કૃપા, વિકાસ વૃંદાવન સાથે, ઉદય નગર-૨, શેરી નં.૧૩, મવડી, (૭) કષ્ટભંજન હનુમાન મહારાજ મંદિર-ઉદયનગર-૨, શેરી નં.૧૭, મવડી, (૮) કાળીયા હનુમાનજી મંદિર – ભક્તિનંદ એપાર્ટમેન્ટની બાજુમાં, જ્યોતિ કોમ્પલેક્ષની સાથે, ઉદયનગર-૧૯, મવડી મેઈન રોડ, (૯) જય બાલાજી મંદિર-માનસ સ્ક્વેર (જય ભવાની જવેલર્સ), મવડી મેઈન રોડ, (૧૦) હનુમાનજી મંદિર-માયાણી ચોક, બેકબોન શાપિંગ સેન્ટર, (૧૧) હનુમાનજી મંદિર-માયાણી ચોકની બાજુમાં અને (૧૨) માતાજી મંદિર-આર.એમ.સી. વેસ્ટ ઝોન રોડની બાજુમાં, ચંદ્ર પાર્ક, નાનામવા સહિતના વિસ્તારમાં ડિમોલિશન કરાયું હતુ. આ ઓપરેશન મહાપાલિકાની વિજિલન્સ પોલીસ તેમજ શહેર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પીજીવીસીએલની ટીમને સાથે રાખીને હાથ ધરવામાં આવ્યું હતું.


વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, મવડી મેઇન રોડ ઉપર હનુમાનજીનું મંદિર તોડવા જતા સ્થાનિક યુવકોએ રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો તેમજ સ્થાનિકોએ હનુમાનજીની મૂર્તિ ત્યાં જ રહેવા દઇને મંદિરની સાઇઝ નાની કરવા બાહેંધરી આપતા મંદિરનો માત્ર ઓટો તોડાયો હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application