દ્વારકા-ઓખા નગરપાલિકા વિસ્તારમાં જમીન પ્રીમિયમમાં મુક્તિ આપવા માંગ

  • May 24, 2025 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપ વ્યાપાર સેલના જિલ્લા કન્વીનર અનિલ વિઠ્ઠલાણીએ મુખ્યમંત્રીને પાઠવ્યો પત્ર: આર્થિક પછાત અને ટુરીઝમ આધારીત ઓખામંડળ પંથકમાં વ્યાપક મુશ્કેલી

રાજય સરકાર દ્વારા ગત માસે રાજ્યમાં નવી અને અવિભાજય શરતની પ્રતિબંધીત સત્તા પ્રકાર અથવા નિયંત્રિત સત્તા પ્રકારની જમીનોને જૂની શરતમાં જાહેર કરવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. શહેરી વિસ્તારને લાગુ પડતા આ પરિપત્રને લીધે આશરે એકાદ વર્ષથી વધુ સમયથી દ્વારકા નગરપાલીકા, ઓખા નગરપાલીકા, શિવરાજપુર તથા વરવાળાને સાંકળતા દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચનાની જાહેરાત કરાયા બાદ આ જ પ્રિમિયમની શરતો આ સમગ્ર વિસ્તારને લાગુ પડતા ઓખામંડળવાસીઓને વ્યાપક મુશ્કેલીઓનો સામનો થઈ રહયો હોવા અંગે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે.

ભાજપના વ્યાપાર સેલના જિલ્લા કન્વીનર અનિલભાઈ વિઠલાણીની રજૂઆતમાં જણાવ્યાનુસાર વર્ષોથી પાણીની તંગીવાળા તથા આર્થિક રીતે પછાત અને માત્ર ટુરીઝમ આધારિત ઓખામંડળ વિસ્તાર કે જયાં દ્વારકા તથા બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ જેવા ધાર્મિક સ્થળો અને શિવરાજપુર બીચ જેવું પ્રવાસન સ્થળ આવેલ હોય અને મોટા ઔદ્યોગિક એકમમાં ટાટા કેમીકલ્સ કંપની આવેલ હોય આવક અને રોજગારના મર્યાદિત સંશાધનો વચ્ચે ટુરીઝમ એકમાત્ર કમાણીનો સ્ત્રોત છે જેના લીધે આ વિસ્તારના લોકો રાજ્યના અન્ય જિલ્લાઓની સાપેક્ષમાં ઔદ્યોગિક વિકાસના અને આવકના ખૂબ જ મર્યાદિત સ્ત્રોત છે.

વળી અહીની ખારાશયુક્ત વાતાવરણની વધુ પડતી જમીન જમીન નવી શરતમાં પ્રાપ્ત થયેલ જમીન હોય અન્ય વિકસિત જિલ્લાની સરખામણીમાં આ વિસ્તારને વિશેષ છુટછાટ મળવી જોઈએ. વધુમાં શહેરી વિકાસ સત્તામંડળની રચનાને વર્ષથી વધુ સમય છતાં કાર્યરત ન થતાં આ વિસ્તારમાં બાંધકામ પરમીશન, બીનખેતી લેઆઉટ પ્લાન, સબપ્લોટીંગ પ્લાન વિગેરે જેવા કોઈ કામને મંજૂરી મળતી નથી. આથી આ સત્તામંડળ સંપૂર્ણ રીતે કાર્યરત થાય અને દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારની જમીનોને પ્રિમિયમમાંથી મુકિત મળે તો આ વિસ્તારનો વિકાસ વેગવંતો બને તેમ હોય આ પછાત ગણાતા વિસ્તારમાં વિકાસ સાથે ઔદ્યોગિકરણ, વેપાર ધંધામાં વૃદ્ધિ સાથે રોજગાર ધંધા વધે તે હેતુ આ વિસ્તારની જમીનોને પ્રિમિયમમાંથી મૂકિત આપવામાં આવે તે માટે યોગ્ય ઠરાવ કરાવી આપવા રજૂઆત કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application