ભારત સરકાર દેશના સરકારી બોન્ડ્સ (જી-સેક)ને વિશ્વના અગ્રણી બોન્ડ ઇન્ડેક્સમાં સામેલ કરાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં સરકાર દ્વારા કરવામાં આવેલા નીતિગત સુધારાઓ અને ટેક્સ સંબંધિત આપવામાં આવેલી છૂટછાટોને કારણે વૈશ્વિક સ્તરે ભારતની દાવેદારી વધુ મજબૂત બની છે. જો ભારતીય સરકારી બોન્ડ્સને 'બ્લૂમબર્ગ ગ્લોબલ એગ્રીગેટ ઇન્ડેક્સ' જેવા મોટા વૈશ્વિક બોન્ડ ઇન્ડેક્સમાં સ્થાન મળશે તો દેશમાં અબજો ડોલરનું વિદેશી રોકાણ આવવાનો માર્ગ મોકળો બનશે. સરકારી બોન્ડ્સમાંથી મળતા વ્યાજ અને કેપિટલ ગેઈન પર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને ટેક્સમાંથી મુક્તિ આપવાના સરકારના નિર્ણયને કારણે આ ઇન્ડેક્સમાં ભારતના સામેલ થવાની સંભાવનાઓ ખૂબ વધી ગઈ છે. આ મહત્વકાંક્ષી સૂચકાંકની સમીક્ષા ચાલુ મહિનાના મધ્યમાં પ્રસ્તાવિત છે.
અગાઉ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં બ્લૂમબર્ગ સર્વિસેજ ઇન્ડેક્સે પરિચાલન સંબંધિત મુદ્દાઓ અને વિસ્તૃત તપાસની જરૂરિયાત ગણાવીને ભારતીય સરકારી બોન્ડ્સને સામેલ કરવાનો નિર્ણય ટાળી દીધો હતો. જો કે, બોન્ડ માર્કેટને મજબૂત બનાવવું એ સરકારની મુખ્ય નીતિગત પ્રાથમિકતા રહી છે. સરકારે તેના માટે મહત્વના કદમ ઉઠાવ્યા છે. ભારત ઓલરેડી જેપી મોર્ગન અને એફટીએસઈ રસેલના ઉભરતા બજારના બોન્ડ ઇન્ડેક્સનો એક હિસ્સો છે, પરંતુ હવે 'બ્લૂમબર્ગ ગ્લોબલ એગ્રીગેટ ઇન્ડેક્સ' માં તેનો પ્રવેશ થવાની આશા છે. આ ઇન્ડેક્સમાં જોડાવાથી પોતાના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાની ઈચ્છા રાખતા વૈશ્વિક રોકાણકારો ભારતીય બજાર તરફ આકર્ષાશે. વિદેશી રોકાણકારો લાંબા ગાળા માટે બોન્ડ્સમાં નાણાં રોકે છે અને તેમનામાં વધુ જોખમ ઉઠાવવાની ક્ષમતા હોય છે, જેનાથી ભારતીય બોન્ડ માર્કેટ વધુ વ્યાપક અને લિક્વિડ (રોકડ સભર) બનશે.
અહેવાલના આંકડા અનુસાર, ભારતીય સરકારી બોન્ડ્સમાં અલગ-અલગ સંસ્થાઓના રોકાણની વાત કરીએ તો કમર્શિયલ બેંક ૩૬.૬ ટકા સાથે સૌથી મોટો હિસ્સો ધરાવે છે. વીમા કંપનીઓ ૨૬.૨ ટકા હિસ્સો ધરાવે છે. નાણાકીય સંસ્થાઓ૧૩.૭૮ ટકા હિસ્સો ધરાવે છે. ઈપીએફઓ ૪.૫૯ ટકા હિસ્સો ધરાવે છે. પેન્શન ફંડ્સ ૪.૧૮ ટકા હિસ્સો ધરાવે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ: ૨.૬૯ ટકા હિસ્સો ધરાવે છે. વિદેશી રોકાણકારો હાલમાં માત્ર ૧.૫૯ ટકા જેટલો જ મર્યાદિત હિસ્સો ધરાવે છે. અન્ય સંસ્થાઓ/રોકાણકારો: ૧૦.૩૭ ટકા હિસ્સો ધરાવે છે.
વૈશ્વિક બોન્ડ ઇન્ડેક્સમાં ભારતનો સમાવેશ થવાથી અર્થતંત્રને પાંચ મોટા ફાયદા થશે. જેમાં વિદેશી મૂડીના પ્રવાહમાં ટેક્સમાં કાપ મુકાવાને કારણે અંદાજે ૭૦ અબજ ડોલર જેટલું માતબર વિદેશી ભંડોળ ભારતીય બોન્ડ્સમાં રોકાય તેવી સંભાવના છે. સરકારી ઉધારીના ખર્ચમાં ઘટાડો થશે જેમાં ગ્લોબલ બોન્ડ ઇન્ડેક્સમાં જોડાવાથી સરકાર માટે બજારમાંથી નાણાં ઉધાર લેવાની પડતર કિંમતમાં ઘટાડો થશે. ભારતીય બોન્ડ બજારની ઉંડાઈ વધશે, વધુ રોકાણ આવવાના કારણે ભારતીય રૂપિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે ટેકો મળશે અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં થતો ઘટાડો અટકશે. આનાથી માત્ર વિદેશી રોકાણ જ નહીં વધે, પરંતુ લાંબા ગાળે સમગ્ર ભારતીય અર્થતંત્રને સ્થિરતા અને મજબૂતાઈનો ફાયદો મળશે. ભારતીય બોન્ડ્સમાં વૈશ્વિક રોકાણ વધવાથી બોન્ડ્સની કિંમતો વધશે અને તેના પ્રતિફલ (યીલ્ડ્સ)માં ઘટાડો નોંધાશે, જેના પરિણામે લાંબી અવધિ ધરાવતા ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સનું રિટર્ન નોંધપાત્ર રીતે વધી જશે.
વાસ્તવમાં, વિશ્વના ઘણા મોટા અને પ્રતિષ્ઠિત ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ પોતાના રોકાણનો અંતિમ નિર્ણય ગ્લોબલ બોન્ડ ઇન્ડેક્સના આધારે જ લેતા હોય છે. જે દેશના બોન્ડ્સ આ આંતરરાષ્ટ્રીય સૂચકાંકોમાં સામેલ હોય છે, ત્યાં વિદેશી મૂડી આપોઆપ ખેંચાઈ આવે છે. આ જ કારણ છે કે ભારત લાંબા સમયથી વૈશ્વિક બોન્ડ ઇન્ડેક્સમાં વધુ સારો હિસ્સો અને પ્રતિનિધિત્વ મેળવવા પ્રયત્નશીલ છે. 'બ્લૂમબર્ગ ગ્લોબલ એગ્રીગેટ ઇન્ડેક્સ' એ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ બોન્ડ ઇન્ડેક્સમાં ગણાય છે, અને આ અંતિમ લક્ષ્ય પ્રાપ્ત થતાં જ દેશના નાણાકીય બજારને વૈશ્વિક સ્તરે એક નવી ઊંચાઈ મળશે.