રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગ્રામ પંચાયતમાં સરકારી નાણાંનો દુરુપયોગ અને નિયમોનું ઉલ્લંઘન કરવાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોવિયા ગ્રામ પંચાયતના સરપંચ કંચનબેન રોહિતભાઈ ખૂંટ દ્વારા પંચાયતના સ્વભંડોળમાંથી નિયમો વિરુદ્ધ જઈને ખાનગી સંસ્થાઓને લાખો રૂપિયાનું દાન આપવામાં આવ્યું હોવાનું સાબિત થતાં, રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને સરપંચ પદ પરથી તાત્કાલિક અસરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.મળતી વિગતો અનુસાર, સરપંચ દ્વારા પંચાયત સભાના એજન્ડામાં કોઈ પણ ચર્ચા કર્યા વગર કે યોગ્ય વહીવટી પ્રક્રિયાનું પાલન કર્યા વિના ‘ગુજરાત પાટીદાર ગૌ સેવા જીવ દયા’ નામની ખાનગી પાંજરાપોળને રૂ.૧૨,૫૦,૦૦૦ની માતબર રકમનું દાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાજકોટના ‘નાથાણી ચેરીટેબલ ટ્રસ્ટ’ સંચાલિત ખાનગી બ્લડ બેંકની જાળવણી અને રિપેરિંગ માટે બે અલગ-અલગ વાઉચર (તા. ૧૨/૦૬/૨૦૨૩ ના રોજ રૂ.૧,૦૦,૦૦૦ અને તા. ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ રૂ.૧,૦૦,૦૦૦) દ્વારા કુલ રૂ.૨,૦૦,૦૦૦નું ગેરકાયદેસર દાન પંચાયતના ભંડોળમાંથી ચૂકવવામાં આવ્યું હતું. સરપંચની આ કામગીરી ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમો અને નાણાકીય ઔચિત્યના નિયમોની સરેઆમ વિરુદ્ધ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વિના સરકારી નાણાંનો વ્યય કરવા બદલ સરપંચ સંપૂર્ણપણે જવાબદાર ઠર્યા છે અને નાણાકીય ગેરરીતિના ગંભીર આક્ષેપો પુરવાર થયા છે. અંતે, પોતાની સત્તાનો દુરુપયોગ કરવા અને સરકારી નાણાંનું નુકસાન કરવા બદલ જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ દ્વારા હુકમ કરી કંચનબેન ખૂંટને સરપંચ પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીથી પંચાયતના અન્ય સભ્યોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application