વાવાઝોડાનો ખતરો ટળ્યો: નૈઋત્યના ચોમાસાએ કેરળના બારણે દીધા ટકોરા

  • May 24, 2025 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે અને ગુજરાત પર ત્રાટકે તેવી સંભાવના નહીવત બની ગઈ છે. આજે સવારે 5:30 વાગ્યે અરબી સમુદ્રના ઇસ્ટ સેન્ટ્રલ ભાગમાં વેલમાર્ક લો પ્રેસર સર્જાયા પછી આજે સાંજ સુધીમાં આ સિસ્ટમ ડિપ્રેશનના સ્વરૂપમાં કોંકણના દરિયા નજીક રત્નાગીરી અને ડપોલી વચ્ચે ત્રાટકશે. આ સિસ્ટમ જ્યારે દરિયાકાંઠે ટકરાશે ત્યારે તેની પવનની ગતિ પ્રતિ કલાકના 25 થી 35 નોટ્સની રહેશે.

આજે સવારે 8:30 વાગ્યે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં જણાવ્યા મુજબ અત્યારે આ વેલમાર્ક લો પ્રેસર અરબી સમુદ્રમાં કોકણના દરિયા નજીક રત્નાગીરીથી 40 કીલોમીટર દૂર છે અને તે સાંજ સુધીમાં પસાર થઈ જવાની શક્યતા છે.

અરબી સમુદ્રની આ સિસ્ટમના કારણે ગુજરાતમાં હજુ આગામી તારીખ 27 સુધી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રતિ કલાકના 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન ખાતાના આવા જ અન્ય એક બુલેટિનમાં જણાવ્યા મુજબ નૈઋત્યનું ચોમાસું કેરળના દરિયા કિનારા નજીક પહોંચી ગયું છે અને આગામી 24 કલાકમાં તે કેરળ પહોંચી જાય તેવી પૂર્ણ સંભાવના છે. ચોમાસાની સિસ્ટમના કારણે કેરળ કર્ણાટક તામિલનાડુ પુડીચેરી આંધ્ર પ્રદેશ તેલંગાણા સહિતના રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. આગામી પાંચ દિવસ સુધી દક્ષિણના આ રાજ્યોમાં અને તેમાં પણ ખાસ કરીને કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

નૈઋત્યનું આ ચોમાસું અરબી સમુદ્ર બંગાળની ખાડી માલદીવ કોમરીન એરીયા લક્ષદ્વીપ સહિતના મોટાભાગના વિસ્તારોને આવરી લીધા છે અને આગામી 24 કલાકમાં કેરળમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા ઊભી થઈ છે. સાથોસાથ કર્ણાટક તમિલનાડુ માં પણ નૈઋત્યના ચોમાસાનો વરસાદ શરૂ થઈ જશે તેવી આગાહી કરવામાં આવી છે.

આગામી 24 કલાકમાં કેરળમાં ચોમાસું બેસી જશે તો બીજી બાજુ આગામી તારીખ 27 ના રોજ બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં એક નવું પ્રભાવશાળી લો પ્રેસર ઊભું થઈ રહ્યું છે અને તેની અસરના કારણે નૈઋત્યના ચોમાસાને આગળ વધવામાં ઘણી ઝડપ મળશે તેવું પણ હવામાન ખાતાના નિષણાતો જણાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application