પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? ક્રુડ ઓઈલ 84 ડોલર નીચે સુધી ગગડ્યું
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? ક્રુડ ઓઈલ 84 ડોલર નીચે સુધી ગગડ્યું
June 15, 2026 12:30 PM
આંતરરાષ્ટ્રીય સ્તરે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી મહત્વપૂર્ણ સમજૂતી બાદ વૈશ્વિક ક્રૂડ ઓઈલ બજારમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સમજૂતી અને હોર્મુઝ જળમાર્ગ ફરી ખુલવાની જાહેરાત બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ચાર ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ક્રુડના ભાવ ૮૩ ડોલર પ્રતિ બેરલની નીચે પહોંચી ગયા છે. સોમવારે શરૂઆતી ટ્રેડિંગમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 4% જેટલો ગગડીને 83 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે. અમેરિકા વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ ક્રૂડના ભાવમાં 4.6% થી વધુનો મોટો કડાકો બોલાયો છે અને તે 80 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયો છે.આ સિવાય મુરબાન ક્રૂડ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં 83 ડોલર પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. જેના કારણે ઊર્જા બજાર અને આયાત આધારિત દેશોને રાહત મળવાની શક્યતા વધી છે. આ તરફ હવે ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે તેવી સંભાવના છે.
જો આવનારા સમયમાં તેલ અને ગેસનો પ્રવાહ સ્થિર રહે છે તો તેની અસર ઘણા દેશોમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઇંધણ ઉત્પાદનોના ભાવ પર પણ જોવા મળી શકે છે. જોકે અંતિમ અસર સ્થાનિક કર, નીતિ અને બજારની સ્થિતિ પર પણ આધારિત રહેશે. આ સમગ્ર ઘટનાક્રમ માત્ર ઊર્જા બજાર માટે નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર માટે પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. હવે વિશ્વની નજર એ બાબત પર રહેશે કે આ સમજૂતી કેટલા સમય સુધી સ્થિર રહે છે અને ઊર્જા પુરવઠો કેટલી ઝડપથી સામાન્ય સ્થિતિમાં પરત ફરે છે.