ખંભાળિયા નજીક કાર સાથે અકસ્માત સર્જીને ધમકી આપતા શખ્સ સામે ગુનો

  • December 04, 2023 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા - દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે ૨૮ કિલોમીટર દૂર હંજડાપર ગામના પાટીયા પાસેથી જી.જે. ૦૯ બી.એ. ૫૫૫૫ નંબરની મોટરકાર લઈને જઈ રહેલા ભાણવડ તાલુકામાં ફતેપુર રોડ પર આવેલી સિદ્ધિવિનાયક સોસાયટી- ૨ ખાતે રહેતા આહેર રમેશભાઈ સામતભાઈ રાવલિયા (ઉ.વ. ૪૦) ની મોટરકાર સાથે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. ૩૭ જે. ૯૮૪૫ નંબરની કાળા કલરની કિયા મોટરકારના ચાલક અશોક ભીમશીભાઈ ચાવડા (ઉ.વ. ૨૮)એ ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માત થયા પછી આરોપી અશોક ચાવડાએ ફરિયાદી રમેશભાઈ રાવલિયાને લાકડાના ધોકા વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ ૨૭૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આરોપી અશોક ચાવડાની અટકાયત કરી લીધી હતી.
***
સુરજકરાડીની યુવતીને ગાળો કાઢી, અપમાનિત કરતા શખ્સ સામે ફરિયાદ
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતી દિવ્યાબેન રાહુલભાઈ રોશિયા નામની ૨૪ વર્ષની પરિણીત મહિલાને આરંભડામાં રહેતા જીલ રાયઠઠ્ઠા દ્વારા ગત તારીખ ૧૩ નવેમ્બરના રોજ ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી કરી, દિવ્યાબેન ઉપરાંત તેણીના પતિ રાહુલ લખમણભાઈ રોશિયા, સસરા લખમણભાઈ અને સાસુ ગૌરીબેનને અપમાનિત કરી, ધમકી આપતા આ પ્રકરણ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૫૪ (એ), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) તથા એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
***
જામનગરમાં અંધઆશ્રમ પાસે નજીવી બાબતે યુવાન પર હુમલો
જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતા એક યુવાનને અંધશ્રમ આવાસ નજીક રીક્ષા સ્પીડમાં ચલાવવા બાબતે એક રીક્ષા ચાલક સાથે બોલાચાલી થઈ હતી, દરમિયાન એક મહિલા સહિત ચાર શખ્સોએ  ધોકા પાઈપ વડે હુમલો કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જામનગરમાં રાંદલનગર વિસ્તારમાં રહેતો કુલદીપસિંહ ગિરુભા જાડેજા નામનો ૨૮ વર્ષનો યુવાન પોતાના મિત્ર સાથે અંધાશ્રમ આવાસના પુલિયાની નીચે બેઠો હતો, જે દરમિયાન એક રીક્ષા ચાલક ફૂલ સ્પીડમાં રીક્ષા લઈને પસાર થતાં તેને રોક્યો હતો
તેથી આરોપી રિક્ષાચાલક ઉશ્કેરાયો હતો. તેણે પોતાની સાથેની એક સ્ત્રી અને પુરુષ સહિતના ચાર શખ્સોએ હુમલો કરી દીધો હતો. પોલીસે હુમલા અંગેની ફરિયાદ નોંધી એક મહિલા સહિતના ચારેય ફરારી આરોપીઓ ની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application