ક્રાઈમ કથા : ૬ વર્ષના કાર્તિકનો પીએમ રિપોર્ટ જોઇ પોલીસના પગ થીજ્યાં

  • March 03, 2021 09:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ પાસેના એક ગામના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી કમાવવા માટે રાજકોટ આવેલા પટેલ પરિવારના મોભી જેરામભાઈ અને તેમના પત્ની દુધીબેનને સંતાનમાં બે પુત્રો હતા મોટો પુત્ર પ્રવિણ કે જેના લગ્ન મધુબેન સાથે થયા હતા અને નાનો પુત્ર રાજેશ કે જેના લગ્ન માલતી સાથે થયા હતા. પિતા વૃદ્ધ થયા બાદ બંને ભાઈઓ ઘરની જવાબદારી સંભાળી. પ્રવીણભાઈએ બેરિંગનું કારખાનું શરૂ કર્યું જ્યારે નાના ભાઈ રાજેશ એ પણ પોતાનું એક લેથનું નાનું કારખાનું શરૂ કર્યું,બન્ને ભાઈઓ કમાવવા માટે ખુબ મહેનત કરતા હતા અને મવડી પ્લોટ માં એક મકાન ખરીદ્યું અને માતા પિતા સાથે જ સાથે રહેતા હતા.મધ્યમ વર્ગના આ પટેલ પરિવારના બન્ને ભાઈઓમાં સંપ ખૂબ સારો હતો અને બંને ભાઈઓ આનંદ અને કિલ્લોથી પરિવાર સાથે પોતાનું જીવન ગુજારતો હતો. મોટાભાઈ પ્રવિણ પટેલને સંતાનમાં એક પુત્ર હતો જેની ઉંમર ૬ વર્ષ હતી જેનું નામ કાર્તિક હતું.

 

૨૦ માર્ચ ૨૦૧૭ ના રોજ એવી ઘટના બની કે પટેલ પરિવાર સ્તબ્ધ થઇ ગયો પરિવાર ઉપર જાણે આભ તૂટી પડયું હતું.૨૦/૦૩/૨૦૧૭ના બપોરે પટેલ પરિવાર ભોજન કર્યા બાદ મધુબેન અને માલતીબેન તથા તેમના સસરાજી જેરામભાઈ અને સાસુ દુધીબેન જમીને આરામ કરતા હતા.જ્યારે પ્રવીણભાઈ અને રાજેશ ભાઈ બન્ને પોતાના ના કામે ગયા હતા. સાંજે પાંચ વાગ્યા દેરાણી- જેઠાણી બંને આરામ કરી જગ્યા ત્યારે મધુબેનનો પુત્ર કાર્તિક ક્યાંય દેખાતો ન હતો. 

 

પુત્ર કાર્તિક બહાર રમવા ગયો હશે તેવું માની ને માતા મધુબેન પુત્રને બોલાવવા ઘરની બહાર તપાસ કરવા ગયા અને મધુબેને કાર્તિક ચાલ ઘરમાં આવી જા એવી બૂમો પાડી પરંતુ કાર્તિક નો ઘરની બહાર થી કોઈ ઉત્તર ન આવ્યો,માતા મધુબેનના એક જ અવાજે ઘરમાં આવી જતા પુત્ર કાર્તિકનો કોઇ પ્રત્યુત્તર નહીં મળતા મધુબેનને ઘરની બહાર તપાસ કરવા ગયા,પરંતુ ત્યાં પણ કાર્તિક ની કોઈ ભાળ ન મળતા મધુબેનને થોડી ચિંતા થઇ. મિત્રો સાથે સોસાયટી બહાર ક્યાંક રમવા ગયો હશે એમ વિચારીને કાર્તિકના મિત્રો અને તેના પરિવારના સભ્યોને કાર્તિક વિશે પૂછ્યું,પરંતુ ત્યાં પણ કાર્તિક નહીં મળતા માતા મધુબેનની ચિંતા વધી ગઈ.માસૂમ પુત્ર ક્યાં ચાલ્યો ગયો હશે? એ ચિંતામાં ગળે ડૂમો ભરાઇ ગયો. તેણે ઘરે આવીને દેરાણી માલતીને કાર્તિક ક્યાંય દેખાતો નહિ હોવાની અને પડોશમાં પણ કોઇએ તેને જોયો ન હોવાની રડતા રડતા જાણ કરી. માલતીબેને કહ્યુ ભાભી ચિંતા ન કરો ચાલો આપણે બંને સાથે જઈએ અને કાર્તિક ને શોધી લાવીએ, દેરાણી-જેઠાણીએ ફરી વખત શેરી,મહોલ્લામાં સંભવત દરેક ઘરમાં તપાસ કરી પરંતુ કાર્તિક અંગે કોઈપણ માહિતી મળી નહીં જેથી દેરાણી-જેઠાણી ની ચીંતા વધી અને મધુબેને પતિ પ્રવીણભાઇ અને માલતી બેને પતિ રાજેશભાઇને ફોન કરીને કાર્તિક ગુમ હોવાની જાણ કરતા એ બન્ને ભાઈઓ પણ ઘરે આવી પહોંચ્યા.

 

પટેલ પરિવારનો પુત્ર ગુમ થયાની ખબર પાડોશીઓને પણ પડી ગઈ હવે આસપાસના લોકો પ્રવીણભાઈ અને રાજેશભાઈને આ અંગે પોલીસને જાણ કરો તેવું સલાહ આપી રહ્યા હતા. પ્રવીણ અને રાજેશે પોલીસને જાણ કરવા જતા હતા ત્યાં કોઇએ કહ્યું ઘરમાં તપાસ કરી કે નહીં? તેમ પૂછતા પ્રવીણભાઈ પુત્ર કાર્તિકની તપાસ માટે ઘરની અગાસીમાં ગયા ત્યારે તેમના પગ થંભી ગયા. ઘરની અગાસીના પાણીના ટાંકા પાસે કાર્તિક બેભાન હાલતમાં પડેલો જોવા મળ્યો, પુત્રને જોઇને તેના પિતા પ્રવીણભાઈ એ જોરથી ચીસ પાડી કાર્તિક..બેટા કાર્તિક.... પ્રવીણ ભાઈ ની ચીસ સાંભળી નાનો ભાઈ રાજેશ કાર્તિકની માતા મધુબેન કાકી માલતી અને પાડોશીઓ તુરંતજ અગાસી ઉપર દોડી ગયા, બધા પૂછવા લાગ્યા કાર્તિકને શું થયું?, બીજી તરફ પિતા માસુમ કાર્તિકને જગાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઇ જવાબ ન મળ્યો, આથી પટેલ પરિવાર પોતાના લાડકવાયા કાર્તિકને બેભાન હાલતમાં હોવાનું માની તાત્કાલીક સિવિલ હોસ્પિટલે લઇ ગયા. સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના રોજ પરના ડોક્ટરે પ્રાથમિક તપાસ કરી કાર્તિક નુ મૃત્યુ થયું હોવાની જાહેરાત કરતા પટેલ પરિવાર આભ તૂટી પડયું હતું અને પટેલ પરિવાર હતપ્રભ બની ગયો. પરિવારજનો કાર્તિક ના નિષ્પ્રાણ દેહ પાસે જ પોક મૂકીને રડવા લાગ્યા. કાર્તિકે કોઇ છોડના ઝેરી બી ખાઇ લેતાં તેનું મોત થયા નું પ્રાથમિક દ્રષ્ટિએ તબીબી અભિપ્રાય મા જાણવા મળ્યું હતું. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના ફરજ પરના પોલીસ સ્ટાફે આ બનાવ અંગે માલવીયાનગર પોલીસને જાણ કરી, બનાવની જાણ થતા માલવીયા નગર પોલીસ મથકના ફરજ પરના ઇન્વે પીઅએસઆઇ એમ.એ.તળપદા તથા તેમના રાઇટર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ રૂમ ખાતે પહોંચ્યા.માલવીયાનગર પોલિસે કાર્તિક ના મોત અંગે પ્રાથમિક આકસ્મિક મોતની નોંધ કરીને કાગળો કર્યા અને કાર્તિકના મોત નું કારણ જાણવા મૃતદેહનું પોસ્ટમાર્ટમ કરાવ્યું. પીએમ રિપોર્ટ આવ્યો ત્યારે પોલસ ચોંકી ઉઠી અને પીએસઆઇના પગ થીજી ગયા. કાર્તિકે ઝાડના ઝેરી બી ખાતા મોત થયાની ચર્ચા ઉપર પીએમ રિપોર્ટે પૂર્ણવિરામ મૂકી નવું રહસ્ય સર્જી દીધું. 

 

પોલીસની આશાનું કિરણ અંધકારમાં ફેરવાઈ ગયું

કાર્તિકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું જે કારણ જણાવવામાં આવ્યું હતું તે જાણીને માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ ચોંકી ઉઠ્યા. માસૂમ કાર્તિકની હત્યા થયાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો કાર્તિક ને ગુંગળાવીને મારી નખાયો હોવાના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ પ્રાથમિક કાર્યવાહી કરનાર પીએસઆઇ આ અંગે તેમના ઉપરી અધિકારીને જાણ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા પીએસઆઇ તળપદા તેમના ઉપરી અધિકારી પીઆઇ જાડેજાની ચેમ્બરમાં પહોંચ્યા અને પી આઈ જાડેજાને તેમણે કાર્તિક અંગેની સમગ્ર હકીકત જણાવી પોતાના ફરજકાળ દરમિયાન અનેક જટિલ કેસનો ભેદ ઉકેલનાર પીઆઇ જાડેજાએ પીએસઆઇ તળપદા સાથે વાત કરીને વિસ્તૃત જાણકારી મેળવી પીએસઆઇ તળપદાએ જણાવ્યું કે જ્યારે તેમણે કાર્તિકના મૃતદેહનું બારીકાઇથી નિરિક્ષણ કર્યું ત્યારે કાર્તિક ના શરીર ઉપર એક પણ ઇજાના નિશાન જોવા મળ્યા ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવ હત્યાનો હશે તેવી તેમને શંકા ન ગઈ ન હોવાની વાત કરી. પીઆઇ જાડેજાએ સમગ્ર વિગતો મેળવ્યા બાદ તારણ કાઢ્યું કે માસૂમ કાર્તિકની લાશ તેની જ અગાસીમાંથી મળી હોવાથી કોઇ અંદરની જ વ્યક્તિની સંડોવણી હોવી જોઈએ. પોલીસ જ્યારે પ્રવીણભાઈના ઘરે પહોંચી ત્યારે પટેલ પરિવારના સભ્યો ઉંડા શોકમાં ગરકાવ હતા. આવા સંજોગોમાં કાર્તિક ના મોત અંગે તેના જ પરિવારની પૂછપરછ કરવી એ પોલીસને યોગ્ય લાગતુ ન હતું. પરંતુ મામલો હત્યાનો હોવાથી પૂછપરછ કરવી પણ જરૂરી હોય પી આઈ બી એમ જાડેજાએ પોતાના સ્ટાફને પ્રવીણભાઈને બોલાવવા જણાવ્યું.

 

પોલીસ સ્ટાફે તુરંત જ કાર્તિકના પિતા પ્રવીણભાઇને ઘરની બહાર ઉભેલા પીઆઇ જાડેજા પાસે બોલાવ્યા. પી.આઈ બી.એમ.જાડેજાએ પ્રવીણભાઈની ઊંડાણપૂર્વક અને વિસ્તૃત પૂછપરછ કરી જેમાં તેમણે પરિવારના તમામ સભ્યો અને પડોશીઓ તેમજ કારખાનામાં કામ કરતા તેમના કર્મચારીઓ બાબતે પૂછપરછ કરી. કાર્તિકના પરિવારના કોઈ સભ્ય ને કોઇ સાથે જૂની દુશ્મનાવટ કે જૂનો ઝઘડો ન હતો. કોઇ પણ કારણ વિના માસૂમ કાર્તિકની હત્યા કોણે અને શા માટે કરી ? તે કોઇને સમજાતું ન હતું. બીજી તરફ પી.આઈ જાડેજા પોતાના અનુભવ ઉપરથી સ્પષ્ટપણે તારણ કાઢ્યું કે હત્યામાં કોઇ જાણભેદુ કે નજીકના કોઈ ની સંડોવણી છે.આ શંકા ઉપરથી પોલીસે પ્રવીણભાઈ અને તેમના પાડોશી તેમજ પરિવારના સભ્યોને મહત્વના ત્રણ પ્રશ્ન પૂછયા. કાર્તિકને છેલ્લે કોણે, ક્યાં અને કોની સાથે જોયો હતો? પોલીસની પૂછપરછમાં પટેલ પરિવારે જણાવ્યું કે બપોરે પરિવારના સભ્યો સાથે કાર્તિક જમ્યો અને જમીને પરિવારના સભ્યો આરામ કરવા ગયા ત્યારે કાર્તિક ઘરમાં જ હતો. તેને કોઇએ બહાર નિકળતા જોયો ન હતો. પટેલ પરિવારના પાડોશ માં રહેતા લોકોને અને કાર્તિક સાથે રમતા તેના બાળ મિત્રોની પૂછપરછમાં એ સ્પષ્ટ થયું કે કાર્તિક બપોર પછી ઘરની બહાર નિકળ્યો જ ન હતો.

 

હવે કાર્તિકના હત્યા કેસમાં ઘરના જ કોઈ ઘાતકી હોવાની વાત પોલીસની તપાસમાં સ્પષ્ટ થતી હતી.કાર્તિકની હત્યામાં પરિવારના કોઇ સભ્યની સંડોવણીની શંકા વધુ મજબૂત બનતી જોવા મળી રહી હતી. પોલીસને પણ હવે હત્યા કેસમાં એક દિશા મળી રહી હોવાની આશા બંધાઈ, આથી પોલીસે કાર્તિકની હત્યાની કડીઓ મેળવવાનું શરૂ કર્યું અને કાર્તિકના માતા-પિતા, કાકા,કાકી, દાદા-દાદી સહિત તમામની સઘન પૂછપછર કરી, પરંતુ પટેલ પરિવારના દરેક સભ્ય એ પૂરી સ્વસ્થતા સાથે પોલીસના તમામ સવાલોના જવાબ આપ્યા. હવે પરિવારના કોઈ સભ્ય ઉપર શંકા કરી શકાય એવી એક પણ કડી ન મળતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ. ત્યારે પોલીસે તપાસની દિશા બદલી અને કાર્તિક ના પિતા પ્રવિણભાઈ અને નાના ભાઈ રાજેશ વચ્ચે ખરેખર કેટલો સંપ છે તે જાણવા તે દિશા તરફ તપાસ આગળ વધારી. પીઆઈ જાડેજાએ હવે પોતાની પોલીસ ટીમને સૂચના આપી બન્ને ભાઈઓની આર્થિક સ્થિતી ઉપરાંત કોઇ સાથે દુશ્મનાવટ કે પછી જૂનો ઝઘડો હોય તો એ વિશે ઝીણામાં ઝીણી માહિતી એકત્ર કરવા કામે લગાડી. ત્યારે પોલીસને અંધારામાં એક આશાના કિરણ રૂપ કડી મળી. રાજેશભાઇ કે જે લેથનું કારખાનું ચલાવતા હતા.તેમણે કારખાનામાં થોડા વખત પૂર્વે મંદીના કારણે ખોટ આવતા રાજેશભાઈ એ કેટલાક લોકો પાસેથી ઉછીના રૂપિયા લીધા હોવાની માહિતી મળી. જોકે આટલી માહિતી રાજેશ પટેલ ઉપર ભત્રીજાની હત્યા જેવો આરોપ મૂકવા માટે પૂરતી ન હોવાથી પોલીસે રાજેશભાઈ ને કોણે કેટલા રૂપિયા આપ્યા છે. તે તમામ માહિતી વિગતવાર પી આઈ જાડેજાને તેમની ટીમે આપી, પોલીસે તમામ લેણદારોને એક પછી એક પૂછપરછ માટે બોલાવ્યા અને કોણે કેટલી રકમ કેટલા સમય માટે રાજેશ ભાઈ ને આપી છે? અને તેમની આ રકમની ઉઘરાણી માં રાજેશભાઈ સમયસર રૂપિયા ચૂકવે છે કે નહીં ?તે વિશે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ.

 

લેણદારોએ પોલીસને જણાવ્યું કે રાજેશ પાસે ઘણા લાંબા સમયથી ઉઘરાણી ચાલુ છે. પરંતુ તે ઉઘરાણી ની રકમ આપવાને બદલે ખોટા વાયદા આપીને રૂપિયા આપવાનું ટાળી રહ્યો છે. પીઆઇ જાડેજાએ રાજેશને તેણે કોની કોની પાસેથી કેટલી રકમ ઉછીની લીધી છે અને કોણ કોણ ઉઘરાણી કરે છે,તે અંગે પૂછેલા તમામ પ્રશ્નનોના પૂરી સ્વસ્થતા સાથે સાચા જવાબ આપ્યા. પોલીસ સમક્ષ રાજેશે કોઇ વાત છુપાવ્યા વગર તમામ વાત જણાવી દીધી.રાજેશ પટેલના ચહેરા ઉપર સ્હેજ પણ ડર ન હતો. રાજેશે પોલીસને એવો સવાલ પણ કર્યો કે ભત્રીજા કાર્તિકની હત્યા અને તેના ઉપરના દેણા સાથે શું નિસ્બત હોઇ શકે? પોલીસને પણ રાજેશ ની આ વાત સાચી લાગી રહી હતી.જો કારણ આ જ હોત તો અપહરણ કરીને ખંડણી માગવામાં આવે પરંતુ આ કાર્તિક ના કેસમાં આવું કંઇ થયુ ન હતું. પોલીસને મળેલું આશાનું એક કિરણ પણ અંધકારમાં ફેરવાઈ રહ્યાનું દેખાઈ રહ્યું હતું.

 

કાર્તિકની હત્યાના ૧૧માં દિવસે જયારે...

કાર્તિકની હત્યા કેસમાં રાજેશની પૂછપરછ કરી તેને પોલીસ સ્ટેશનેથી જવા દેવામાં આવ્યો,જોકે રાજેશની પૂછપરછ બાદ તપાસનીશ પીઆઇ જાડેજાને તેમના અનુભવ પરથી સ્પષ્ટ પણે એવું લાગતું હતું કે આ કેસમાં કાર્તિકના કાકા રાજેશ પટેલ  બધુ જ જાણે છે,પરંતુ કોઇ કારણસર રાજેશ કશું બોલવા તૈયાર નથી, રાજેશ હજુ પોલીસના શંકાના પરીઘમાં જ હતો અને જયાં સુધી કાર્તિકના હત્યારાની માહિતી ન મળે ત્યાં સુધી રાજકોટ મૂકી કયાંય નહીં જવા પોલીસે તેને કડક શબ્દમાં સુચના આપી. બીજી તરફ પોલીસ પૂછપરછ બાદ  ઘરે પહોંચેલા રાજેશની મનોસ્થિતી ડામાડોળ થઈ  ગઇ હતી. રાજેશને પોલીસે તપાસમાં બોલવ્યા બાદ પટેલ પરિવારના અન્ય પણ તેને શંકાની નજરે જોવા લાગ્યા. રાજેશને જ પોલીસે શા માટે બોલાવ્યો કાર્તિકની  હત્યામાં કોઇ માહિતી મળી? તેવા પ્રશ્નો પરિવારના સભ્યો પૂછી રહ્યા હતા પરંતુ રાજેશ પાસે દરેક પ્રશ્ન નો જવાબ માથું હલાવી ના પાડવા સિવાય કશું ન હતું. પોલીસ પૂછપરછ બાદ રાજેશના વર્તનમાં અચાનક આવેલો બદલાવ પરિવારને પણ ન સમજાયો. કાર્તિક  પરિવારના તમામ સભ્યનો લાડકવાયો હતો. ખાસ કાકા રાજેશભાઇ તેને પુત્રથી વિશેષ પ્રેમ કરતા હોવાથી માસુમ કાર્તિકના  વિયોગનો આઘાત હવે રાજેશના  ચહેરા પર સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો. કાર્તિકની હત્યાના બરાબર ૧૧ મા દિવસે રાજેશભાઇ તેના પિતા જેરામભાઈ અને માતા દુધીબેન પાસે બેઠા સૂનમૂન બેઠો હતો. વૃધ્ધ દાદા-દાદીની હજુ પૌત્રના મોતથી  દુ:ખી અને  આઘાતમાં હતા.સુનમુન બેઠેલા રાજેશને જોઈ પિતા જેરામભાઇએ પુત્ર રાજેશના માથામાં હાથ ફેરવ્યો અને કહ્યું બેટા, મને ખબરે છે કાર્તિકના મોતનું સૌથી વધુ દુ:ખ તને છે,કારણ કે તને કાર્તિક ખુબ વ્હાલો હતો, અમને પણ તેનું દુ:ખ છે. પણ ઇશ્વર આગળ કોઇનું કંઇ ચાલતું નથી. કાર્તિકનું જીવન કદાચ આપના સાથે આટલું જ લખાયું હશે જેથી ભગવાને તેને બોલાવી લીધો. 

 


કાર્તિકની હત્યા કરનારને ઈશ્વર ક્યારેય માફ નહીં કરે. આટલું બોલીસને વૃધ્ધ જેરામભાઈની આંખ ભરાઈ ગઈ અને તે રડવા લાગ્યા.પિતા જેરામભાઈની વાત હ્રદયદ્રાવક વાત સાંભળ્યા પછી પાસે બેઠેલો રાજેશ પણ પોક મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ભત્રીજા કાર્તિકના મૃત્યુ પછી રાજેશને પ્રથમ વાર આટલું રડતો જોઈ પિતા પણ શાંત થઇ ગયા. જેરામભાઈ બોલ્યા બેટા રાજેશ મનમાં ને મનમાં ઘુંટાવા કરતા એક વખત હૈયુ હળવું કરી લેવું જોઇએ તેમ કહી જેરામભાઈએ રડી રહેલા રાજેશના માથામાં પ્રેમાળ હાથ ફેરવ્યો ત્યાં જ રડી  રહેલો રાજેશ અચાનક શાંત થઇ ગયો. તે વૃદ્ઘ માતા-પિતાની નજીક ગયો અને બન્નેના એક એક હાથ પડકી અવાચક બની બેસી ગયો તે માતા-પિતાની સામે જોઇને કશું કહેવા માંગતો હોય પરંતુ કઈ બોલી શકતો ન હોવાનું દેખાઈ રહ્યું હતું.આવું બે વખત થતાં વૃધ્ધ જેરામભાઈ અને દુધીબેનને પણ  પુત્ર રાજેશની આ હરકત કંઇક અજુગતી લાગી. પિતા સેટી માંથી ઉભા થયા અને નીચે બેઠેલા રાજેશને ઉભો કરી  કહ્યું બેટા રાજેશ તું મુજાયેલો લાગે  છે? તારે કશું કહેવું છે, જે કહેવું હોય એ વિના સંકોચે કહી દે, અમને નહીં કહે તો કોને કહીશ.પિતાના આ શબ્દો સાંભળીને રાજેશ ગંભીર થઇ ગયો અને તેણે કહ્યું પપ્પા, મારે તમારી પાસે મારે મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે, તેમ કહી રાજેશે પિતા જેરામભાઈ સમક્ષ સ્વસ્થ થઈ બોલ્યો કે કાર્તિકને ની હત્યા બીજા કોઈએ નહી પણ મેં જ કરી છે 

 


પુત્ર રાજેશની વાતથી વૃધ્ધ માતા-પિતા સમસમી ગયામ,રાજેશની વાત ઉપર તેમને વિશ્વાસ બેસતો ન હતો. તે માનવા તૈયાર ન હતા કે સાચે જ રાજેશે ભત્રીજા કાર્તિકને મારી નાખ્યો છે.પિતા જેરામભાઈએ રાજેશને ફરીથી પૂછ્યું કે, બેટા, તુ આ શું બોલે છે તને ખબર છે? રાજેશે પિતા સામે  માથું નીચું કરી જણાવ્યું કે હા કાર્તિકની હત્યા મેં જ કરી છે આ વાત સાવ સાચી છે. આ સાંભળીને વૃદ્ધ માતા પિતાના હતપ્રભ બની ગયા,જેરામભાઈ સ્વસ્થ થયા અને તેમણે સામે ઉભેલા રાજેશને બે તમાચા ચોડી દીધા, જેરામભાઈ બોલ્યા નાલાયક અત્યારે જ મારા ઘરમાંથી ચાલ્યો જા હું તારું મોઢું જોવા નથી માંગતો, પરંતુ રાજેશ રૂમ માંથી એક પણ ડગલું હલ્યો નહીં અને રાજેશે પોતાના ફોન માંથી પોલીસને ફોન કરીને કાર્તિકનો હત્યારો મળી ગયો તેવી જાણ કરી પોલીસને ઘરે બોલાવી.

 

પોલીસ રાજેશને કાર્તિકનો હત્યારાનું નામ પૂછે એ પહેલાં તેણે ફોન કટ કરી નાખ્યો હતો. આ જાણ તપાસનીશ અધિકારી પીઆઇ જાડેજાને થતા તે સ્ટાફ સાથે પટેલ પરિવારના ઘરે પહોચ્યા ત્યારે પટેલ પરિવારના સભ્યોના ચહેરા પર કોઇ અજ્ઞાત રોષ દેખાતો હતો. ઘરની અંદર રૂમમાં નતમસ્તક ઉભેલા રાજેશ પાસે ગયા અને કાર્તિકનો હત્યારો કયા છે તે સવાલ પૂછ્યો ત્યારે હત્યારાનું રાજેશે મુઠ્ઠી વાળીને પોતાના બન્ને હાથ પોલીસની સામે ધરી દીધા અને પોતે જ કાર્તિકની  હત્યા કર્યાની કબુલાત આપી.રાજેશની કબુલાતથી  પોલીસ પણ સ્તબ્ધ  બની ગઈ,રાજેશની ધરપકડ કરી તેને પોલીસ જીપમાં બેસાડી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો.કાર્તિકની હત્યા સાચે જ રાજેશે કરી કે તે કોઇને બચાવવા માંગી રહ્યો છે આ વાત પોલીસને મુંઝવી રહી હતી. જો રાજેશે જ ભત્રીજા કાર્તિકની હત્યા કરી હતી તો આ હત્યા પાછળનું કારણ શું? તે સહિતની વિગતો મેળવવા પોલીસે રાજેશની પૂછપરછ શરુ કરી....


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS