માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી કેદની સજા ફટકારી, કોર્ટે 130 દિવસમાં જ ચુકાદો આપ્યો

  • February 17, 2025 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. સાડાચાર મહિના પહેલાં, નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો છે. ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત નીપજ્યું હતું, જેથી બે આરોપી સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને કોર્ટે શનિવારે કસૂરવાર ઠેરવ્યા હતા.

નોંધનીય છે કે આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્ત્વની સાબિત થઈ છે. આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા, જે પણ કોર્ટે માન્ય રાખ્યા. બનાવ સમયે ચંદ્રનો પ્રકાશ હોવાના કારણે અને આરોપીએ ફ્લેશ લાઈટ કરતાં સગીરાએ આરોપીનો ચહેરો જોયો હતો. કોર્ટમાં પણ પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો.


ત્રણ આરોપીમાં એકનું મોત, બે કસૂરવાર જાહેર
આ ગેંગરેપ કેસમાં કુલ ત્રણ આરોપી હતા, જેમાં મુન્ના કરબલી પાસવાન, રામ સજીવન (રાજુ) અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી લીધા હતા, જોકે ટ્રાયલ દરમિયાન બીમારી સબબ શિવશંકરનું મોત થતાં કોર્ટેમાં અન્ય બે આરોપી સામે ટ્રાયલ ચાલી હતી. એમાં સાક્ષીઓની જુબાની અને સાંયોગિક પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે બંનેને કસૂરવાર ઠેરવ્યા છે અને આજે સોમવારે 17 તારીખે આજીવન કેદની સજા સંભળાવાઈ છે.


શું હતો સમગ્ર મામલો?
આ ગેંગરેપ કેસ અંગે વાત કરીએ તો 8 ઓક્ટોબરની રાત્રે 10:45થી 11:15 વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમમાં ખેતરમાં અવવારું જગ્યાએ એક 17 વર્ષ અને 4 મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી, જ્યાં મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયા અને રાજુ બાઈક પર આવ્યા હતા. પહેલા તો તેમણે આવીને અહીં કેમ ઊભાં છો? એમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બંનેના મોબાઇલ પણ લઈ લીધા હતા.


આરોપીઓને રોકવા અધિકારીઓએ ફાયરિંગ કર્યું હતું
સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેણે બૂમાબૂમ કરતાં આસપાસના ગ્રામજનો એકત્ર થયા હતા, જેથી આરોપીઓ ડરીને ત્યાં પોતાની બાઈક છોડીને ફરાર થઈ ગયા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી શિવશંકર ચોરસિયાને શોધી રહી હતી, જ્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી મુન્ના પાસવાનની શોધખોળમાં હતી. તડકેશ્વર નજીક આરોપી રોડ પર નજરે આવ્યો હતો. મુન્ના પોલીસને થાપ આપીને નાસી રહ્યો હતો, જેથી તેને રોકવા માટે જે-તે સંજોગોમાં અધિકારીઓએ ફાયરિંગ કર્યું હતું, જોકે એ સમયે તેને ઈજા થઇ નહોતી.​​​​​​​


મોબાઈલ ફ્લેશ લાઇટથી આરોપીની ઓળખ છતી થઈ
પીડિતાએ જુબાની દરમિયાન જણાવ્યું હતું કે બનાવના દિવસે પાંચમું નોરતું હતું. ચંદ્રનો પ્રકાશ હતો. આરોપીએ મોબાઈલ કાઢી ફોટો પાડતા સમયે ફ્લેશ લાઈટ ચાલુ કરતાં તેમનો ચહેરા સ્પષ્ટ દેખાતો હતો.


એક આરોપીનું મોત, બે સામે ટ્રાયલ ચાલી
સુરત જિલ્લા પોલીસે આ કેસમાં ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓમાંના એકનું હાર્ટ-બ્લોકેજને કારણે મૃત્યુ થયું હતું, જ્યારે બે આરોપી વિરુદ્ધ સુરત કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી. હાઈકોર્ટના આદેશના અનુસંધાને 11 નવેમ્બરથી કોર્ટમાં સતત ડે-ટુ-ડે ટ્રાયલ શરૂ થઈ હતી. પીડિતા અને તેના મિત્રએ કોર્ટમાં ભયમુક્ત થઇ જુબાની આપી હતી.


15 દિવસમાં 3000 પાનાંની ચાર્જશીટ ફાઈલ કરાઈ હતી
સગીરા પર ગેંગરેપના ચકચારભર્યા કેસમાં પોલીસ દ્વારા માત્ર 15 દિવસમાં 3000 પાનાંની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ કેસ માટે પોલીસે 50 ખાસ અધિકારીઓ અને કર્મચારીઓને ફાળવ્યા હતા, જેમણે દિવસ-રાતની મહેનત બાદ 467 પાનાંની મૂળ ચાર્જશીટ તૈયાર કરી હતી, સાથે જ 2500 પાનાંની સોફ્ટ કોપીનો પણ સમાવેશ કર્યો હતો. ચાર્જશીટમાં 60 સાક્ષીનાં નોંધાયેલાં નિવેદનો અને મજબૂત પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં મેડિકલ રિપોર્ટ્સ, સાયન્ટિફિક રિપોર્ટ્સ, મોબાઈલ ડેટા અને સ્પેક્ટ્રોગ્રાફિક પુરાવાઓ સામેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application