BREAKING NEWS

'કોર્ટ' ડાયરેક્ટર ચૈતન્ય તામ્હાણે 'માઈન્ડરીડિંગ' શો શરુ કરશે

  • July 01, 2026 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલ્મો દ્વારા સમાજ અને માનવ મનની પરતો ખોલનારા એક ચર્ચિત નિર્દેશક ચૈતન્ય તામ્હાણે હવે કંઈક નવું લાવી રહ્યા છે. હવે તેઓ પડદાની બહાર દર્શકોની સામે એક બિલકુલ અલગ અંદાજમાં ઉતરવા જઈ રહ્યા છે. આ વખતે ન તો કોઈ કેમેરો હશે, ન મોટો સેટ અને ન તો કોઈ ફિલ્મી વાર્તા, પરંતુ આમને-સામને બેઠેલા લોકો વચ્ચે એક એવો અનુભવ થશે, જે વિચાર, વિશ્વાસ અને ભ્રમની સીમાઓની કસોટી કરશે. તેમની આ નવી શરૂઆત અત્યારથી જ ચર્ચાનો વિષય બની ગઈ છે.39 વર્ષના પ્રખ્યાત ફિલ્મમેકર ચૈતન્ય તામ્હાણે હવે એક નવો કમાલ કરવા જઈ રહ્યા છે. પોતાની ફિલ્મોથી દુનિયાભરમાં પ્રશંસા મેળવનારા ચૈતન્ય હવે લોકોનું મગજ વાંચશે. તેઓ મુંબઈમાં પોતાનો પહેલો પબ્લિક ‘મેન્ટલિઝમ’ એટલે કે માઈન્ડરીડિંગ શો લઈને આવી રહ્યા છે. આ લાઈવ શોનું નામ ‘વ્હાઈલ આઈ સ્ટીલ કેન’ છે. આ શો 3 જુલાઈથી મુંબઈના ‘3 આર્ટ હાઉસ’ ખાતે શરૂ થશે. દર્શકો વચ્ચે આ શોનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે, અને આ જ કારણે શોની તમામ ટિકિટો પહેલાથી જ વેચાઈ ગઈ છે.ચૈતન્ય તામ્હાણેએ વર્ષ 2014માં પોતાની પહેલી ફિલ્મ ‘કોર્ટ’થી દુનિયાભરમાં ઓળખ બનાવી હતી. આ મરાઠી ફિલ્મ ભારત તરફથી 88મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર) માટે મોકલવામાં આવી હતી. આ પછી વર્ષ 2020માં આવેલી તેમની બીજી ફિલ્મ ‘ધ ડિસાઈપલ’ને પણ ઘણી પ્રશંસા મળી હતી. હવે તેઓ પોતાની આગામી ફિલ્મની શરૂઆત કરતા પહેલા લોકોનું મગજ વાંચવાની તૈયારીમાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખાનગી રીતે પોતાની આ કળાનું પ્રદર્શન કર્યા પછી, તેઓ હવે મેન્ટલિઝમના પોતાના આ જુસ્સાને સાર્વજનિક મંચ પર લાવી રહ્યા છે.અહેવાલ મુજબ, 3 જુલાઈથી તેઓ મુંબઈના '3 આર્ટ હાઉસ'માં પોતાનો પહેલો જાહેર ‘મેન્ટલિઝમ’ શો રજૂ કરશે, જેનું ટાઈટલ છે- ‘વ્હાઈલ આઈ સ્ટીલ કેન: માઈન્ડ રીડિંગ, વન્ડર એન્ડ અધર લોસ્ટ કોઝીસ' આ શોની દીવાનગી એવી છે કે 70 મિનિટના આ શોની તમામ ટિકિટો અગાઉથી જ વેચાઈ ગઈ છે. શોની ટિકિટની કિંમત 499 રૂપિયા રાખવામાં આવી હતી.
ચૈતન્ય તામ્હાણેએ જણાવ્યું કે તેઓ લગભગ 20 વર્ષથી જાદુની દુનિયા સાથે જોડાયેલા છે. ફિલ્મોમાં આવ્યા પહેલા પણ તેઓ આ કળાનો અભ્યાસ કરતા હતા. છેલ્લા ચાર વર્ષથી તેઓ ખાનગી રીતે લોકો માટે મેન્ટલિઝમ સેશન કરતા આવ્યા છે. પરંતુ હવે પહેલીવાર ભારતમાં તેને જાહેર રૂપે રજૂ કરશે. આ પહેલા તેઓ ફ્રાન્સ અને ઈટાલી જેવા દેશોમાં કલાકારોના કાર્યક્રમો દરમિયાન પોતાના શો કરી ચૂક્યા છે.તેમણે જણાવ્યું કે મેન્ટલિઝમ એ પરંપરાગત જાદુ કરતા અલગ કળા છે. આમાં પત્તા, દોરડા કે વસ્તુઓના કરતબો હોતા નથી, પરંતુ ધ્યાન, મનોવિજ્ઞાન, વાર્તા કહેવાની શૈલી અને માનવ વર્તનની સમજ દ્વારા દર્શકો સાથે વાસ્તવિક સમયમાં (રિયલ ટાઈમ) જોડાણ બનાવવામાં આવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આમાં કોઈ અલૌકિક કે રહસ્યમય શક્તિ હોતી નથી, પરંતુ આ સંપૂર્ણપણે એક પર્ફોર્મિંગ આર્ટ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application