જસદણમાં રોડ ક્રોસ કરતા દંપતીને કારે કચડી નાખ્યું, પતિનું ઘટનાસ્થળે અને પત્નીનું સારવારમાં મોત, કારચાલક ફરાર

  • February 19, 2025 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણના ગઢડિયા બાયપાસ પાસે કારે રોડ ક્રોસ કરતા દંપતીને ઉડાડતા પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને પત્નીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા એરેરાટી મચી ગઈ છે. કાર ચાલક અકસ્માત કરી ફરાર થયો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.


મૃતકોની ઓળખ કરી પોલીસે પરિવારને જાણ કરી
અકસ્માત કરનાર કારચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસે પણ આસપાસના સીસીટીવી અને રોડ પરના સીસીટીવી હાથ ધર્યા છે અને મૃતકોની ઓળખ કરી તેમના પરિવારને જાણ કરી છે. પોલીસનું અનુમાન છે કે, કારની અડફટે મોત થયું હોય શકે છે.


મૃતક ચોકીદાર ફરજ બજાવતા હતા
જસદણના ગઢડિયા બાયપાસ રોડ પર હિટ એન્ડ રનની ઘટના માનસી ફાર્મ હાઉસ નજીક બની છે. જેમાં કારચાલક પૂર ઝડપે અકસ્માત કરી ફરાર થયો છે. પતિ-પત્નીને માથાના ભાગે ઈજા પહોંચી છે. જેમાં 70 વર્ષીય જુગાભાઈ સાપરા અને 65 વર્ષીય સામુબેનનું ઘટનાસ્થળે મોત થયું છે. જુગાભાઈ સાપરા માનસી ફાર્મ હાઉસમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા અને તેમના પત્ની તેમની સાથે રહેતા હતા. મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે.


​​​​​​​હિટ એન્ડ રન કાયદો શું છે
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application