કોરોનાના રાક્ષસે વાળ્યો દાટ: પાંચ દિ’માં 49 મોત, 408 પોઝીટીવ

  • April 06, 2021 08:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોવિડ હોસ્પીટલ દર્દીઓથી ઉભરાઇ: ડોકટરોની અછત છતા પણ સુરતમાં ડોકટરો મોકલાયા: 226 ડીસ્ચાર્જ: દર્દીઓનો પ્રવાહ વધતા ત્રણ શીફટમાં કામગીરી વહેંચી દેવાઇ: કોવિડના દર્દીઓને પ્રાધાન્ય અપાશે: આજે પણ ઓ.પી.ડી. હાઉસફુલ

જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્લામાં કોરોનાના રાક્ષસે ખરેખર દાટ વાળ્યો છે, લાશોના ઢગલા થઇ રહયા છે, તંત્ર હજુ પણ તાબોટા પાડે છે, માત્ર પાંચ જ દિવસમાં યમરાજા 49 લોકોને પોતાની સાથે લઇ ગયા છે અને હજુ પણ મૃત્યુ થાય તેની જાણે કે વાટ જોઇ રહયા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે, દર્દીઓમાં 70 લોકોને ઓકસીજન આપવામાં આવી રહયું છે, સાતેક દર્દીઓ અત્યંત ગંભીર હાલતમાં કોવિડ હોસ્પીટલના બેડ પર સારવાર હેઠળ છે, જીલ્લા કલેકટરના જણાવ્યા મુજબ 1232 બેડની કોવિડ હોસ્પીટલમાં અડધો અડધ બેડ ભરાઇ ચુકયા છે અને હજુ પણ દર્દીનો પ્રવાહ પુરજોશમાં ચાલુ છે ત્યારે મોતનો સિલસીલો હવે કયાં જઇને અટકશે તે કોઇને ખબર નથી, જીવન બચાવવું એ જ મુખ્ય લક્ષ બની ગયું છે જો તમે માસ્ક નહી પહેરો કે સોશ્યલ ડીસ્ટન્સ નહી રાખો તો કોરોનાનો ભોગ બનતા જરાય વાર નહી લાગે, લોકોએ કામ સિવાય ઘરની બહાર ન નીકળવુ તેવું અધિકારીઓ વારંવાર કહી રહયા છે, ત્યારે ગયા એપ્રીલ મહિનામાં જામનગરની જે સ્થીતી હતી તેના કરતા ચાર ગણી ગંભીર સ્થીતી આ વર્ષે છે, પરંતુ હજુ પણ જોઇએ તેવા આકરા પગલા લેવામાં જામનગરનું વહિવટી તંત્ર નિષ્ફળ ગયું છે તેવો આક્ષેપ લોકો કરી રહયા છે.

જો જીવશો તો તમે કામ કરી શકશો અને પીયા કમાઇ શકશો તો શા માટે કોવિડની ગાઇડલાઇનનું પાલન કરતા નથી, તંત્રની વારંવાર વિનંતી છે પરંતુ લોકો જામનગર શહેરમાં સરેઆમ માસ્ક વીના ફરતા જોવા મળે છે, શહેરની મુખ્ય બજારોમાં સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ જોવા મળે છે, રણજીત રોડ, ચાંદીબજાર, સુભાષ શાક માર્કેટ, ચાંદીબજાર, કાલાવડ નાકા બહાર, બર્ધન ચોક, લીંડી બજાર, હવાઇચોક, એસટી રોડ, રણજીનગર સહિતના વિસ્તારમાં હજુ પણ લોકો સમજતા નથી, બે-ત્રણ દિવસમાં જે કેસો વઘ્યા છે તે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

તા. 1 થી તા. 5 સુધીના આંકડા જોઇએ તો જામનગર શહેરમાં 229 અને ગ્રામ્ય વિસ્તારમાં 179 સહિત કુલ 408 દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે, આ આંકડો સરકારી છે અનેક લોકોને હોમ કવોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે એટલે કે કુલ પોઝીટીવ આંક જોઇએ તો હોમ કવોરોન્ટાઇન સહિત એક હજારથી વધુ પાંચ દિવસમાં કેસો થઇ ગયા છે પરંતુ તંત્ર હજુ આંકડાની કરામતમાં જ રચ્યુ પચ્યુ રહે છે.

ગુરુવાર તા. 1ના રોજ જામનગર શહેરમાં 34 અને ગ્રામ્યમા 26 સહિત 60, શુક્રવારના તા. 2ના શહેરમાં 33, ગ્રામ્યમાં 27 સહિત 60, શનિવાર તા. 3 શહેરમાં 38, ગ્રામ્યમાં 29 સહિત 67, રવિવારના તા. 4ના રોજ શહેરમાં 54 ગ્રામ્યમાં 43 સહિત કુલ 97, સોમવાર તા. 5ના રોજ શહેરમાં 70 અને ગ્રામ્યમાં 54 સહિત 124 પોઝીટીવ કેસો થયા છે આ તમામ આંકડા સરકારી છે જેની સામે શહેરમાં 129 ગ્રામ્યમાં 97 સહિત 226 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.

આવનારા દિવસોમાં જામનગર સહિત સમગ્ર હાલારમાં કેસોનું પ્રમાણ વધી જશે તંત્ર હજુ પણ જોરશોરથી કામગીરી કરી રહયું છે તેવા તાબોટા પાડે છે, જે રીતે કોરોના વિસ્તરતો જાય છે તે ખુબ જ ખતરનાક છે, આગામી દિવસોમાં હજુ પણ અનેકનો કોરોના ભોગ લેશે તે પણ હકીકત છે, જો તમે તમારી રીતે જાગૃત નહી રહો તો તમો પણ કોરોનાના શિકાર થઇ જશો.

ગઇ એપ્રીલમાં જે રીતે કેસો હતા તેના કરતા અનેક કેસો વધી ગયા છે તંત્ર પણ સ્વીકારી રહયુ છે કે આ વખતની કોરોનાની લહેર ખુબ જ ઘાતક સાબીત થઇ શકે તેમ છે, હજુ અઠવાડીયા પહેલા જ પોઝીટીવ કેસની એવરેજનો સિલસીલો 30-35 હતો તે હવે 124 આસપાસ પહોંચી ગયો છે, ગઇકાલે એક જ દિવસમાં 18નો ભોગ લેવાયો છે અને આજે વધુ ભોગ લેવાયા છે ત્યારે હજુ પણ અનેક દર્દીઓની હાલત ખુબ જ ગંભીર છે, કોવિડ હોસ્પીટલના તમામ માળ ઉપર વ્યવસ્થા ચાલુ કરી દેવામા આવી છે જો કે જામનગરમાં દર્દીઓ માટેના બેડની વ્યવસ્થા પુરતા પ્રમાણમાં છે એ થોડી રાહતના સમાચાર છે પરંતુ પાંચ દિવસમાં યમરાજા 49નો ભોગ લઇ ચુકયા છે અને હજુ પણ અનેક લોકો ગંભીર છે પરિસ્થીતી કાબુ બહાર જતી જાય છે આવનારા દિવસોમાં મીની લોકડાઉન જેવા પગલા લેવાની જર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)