ખાનગી હોસ્પિટલો અને નર્સિંગહોમમાં કોરોના દર્દીની સારવાર થઈ શકશે : સીએમ રૂપાણી

  • April 20, 2021 10:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ  અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ  કે. કૈલાશનાથન, અગ્રસચિવ ડૉ. જયંતી રવિ તથા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી કોર કમિટીની મિટિંગમાં અત્યંત મહત્વના નિર્ણયો કર્યા છે.

 

 

 મુખ્યમંત્રી  રૂપાણીએ મહત્વના નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમના ડોક્ટરો પોતાની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર આપી શકશે. આગામી તા. ૧૫મી જુન સુધી તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમને કૉવિડના દર્દીઓની સારવાર કરવાની રાજ્ય સરકારે મંજુરી આપી છે. કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે તેમણે કોઇ પણ જાતની મંજુરી મેળવવાની રહેશે નહીં અને જે-તે કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનરને આ બાબતની જાણ કરવાની રહેશે.

 

 

સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે ૧૫ મી માર્ચ ૨૦૨૧ની આસપાસ ગુજરાતની તમામ હોસ્પિટલોમાં  કોરોનાના દર્દીઓ માટે ૪૧ હજાર જેટલા બેડ હતા. જેની સંખ્યા વધારીને આજે લગભગ ૭૮ હજાર જેટલી કરવામાં આવી છે. પરંતુ વધતા જતા સંક્રમણ અને વધતા જતા કેસોને કારણે આ વ્યવસ્થા પણ અપૂરતી બની રહી છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઇને કોર કમિટીની મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમના ડોક્ટરો પોતાની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર આપી શકશે.

 

 

ગુજરાતમાં આવેલી આર્મી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કચ્છ, જામનગર, અમદાવાદ અને વડોદરામાં આર્મી હોસ્પિટલો છે. ગુજરાતની આર્મી હોસ્પિટલો કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ શકે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ માટે ભારત સરકારે પણ આહવાન કર્યું હતું.

 

આવતીકાલે  આ સંદર્ભે આર્મીના અધિકારીઓ સાથે ગુજરાતના અધિકારીઓ બેઠક કરી રહ્યા છે. ગુજરાતમાં વધુ ને વધુ બેડ પ્રાપ્ત થાય તે માટેના  પ્રયત્નોમાં આ એક મહત્વનું પગલું સાબિત થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS