ખંભાળિયા પંથકમાં ખાનગી કંપની દ્વારા ચાલી રહેલી વીજપોલ અંગેની કામગીરી સંદર્ભે સ્થાનિક ખેડૂતોમાં કચવાટ

  • May 06, 2021 08:13 PM 

અન્યાયકારી વલણ અપનાવાતા હોવાના આક્ષેપો સાથે રોષઃ ન્યાય મેળવવા ધરતીપુત્રોને થતી હાલાકી

ખંભાળિયા પંથકમાં છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ મુજબ વીજપોલ તથા વીજળી સપ્લાય અંગેનો પ્રોજેક્ટ કાર્યરત છે. જેમાં સ્થાનિક ખેડૂતોને વળતર સહિતના મુદ્દે અન્યાય થઈ રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

ખંભાળિયા તાલુકાના ભટ્ટગામથી ભચાઉ સુધીના વિસ્તારમાં 400 કે.વી. ડી.સી.ની વીજલાઇન અંગેનો પ્રોજેક્ટ હાલ કાર્યરત છે. જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં અદાણી કંપનીની દેખરેખ હેઠળ આવેલી જે.કે.ટી.એલ. કંપની દ્વારા તાલુકામાં વીજપોલ અંગેની કામગીરી છેલ્લા ઘણા સમયથી હાથ ધરવામાં આવી રહી છે. ખંભાળિયા પંથકમાં ચાલતા આ પ્રોજેક્ટમાં સરકારી તથા ખાનગી જમીનો- ખેતરોમાં વિશાળ વીજપોલ ઊભા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવી રહી છે. જે અંતર્ગત સેંકડો ખેતરોમાંથી આ તોતિંગ વીજલાઇન સાથેના વિશાળ વીજપોલ ઊભા કરવા ખાનગી કંપની દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ કામગીરી અંતર્ગત અનેક નાના-મોટા ખેડૂતોના ખેતરોના મહત્વના અને કીમતી ભાગ પરથી વીજપોલ તથા વીજવાયરો પસાર થઈ રહ્યા છે. જેથી આ વિસ્તારના ખેડૂતોને વિવિધ પ્રકારે હાલાકી તથા નુકશાની થવાની પૂરી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટર કંપની દ્વારા યેનકેન પ્રકારે તેમજ ખેડૂતોને સંપૂર્ણ રીતે વિશ્વાસમાં લીધા વગર તથા કથિત રીતે અપૂરતા મનાતા વળતર સાથે યુદ્ધના ધોરણે કામનો ટાર્ગેટ પૂરો કરવા હાથ ધરવામાં આવેલી વીજપોલ અંગેની આ કામગીરીએ સમગ્ર પંથકના ખેડૂતોમાં છૂપો રોષ પ્રસર્યો છે.

આ સંદર્ભે સ્થાનિકો દ્વારા જાણવા મળતી વિગત મુજબ આ સમગ્ર કામગીરી જાણે તંત્રની મિલિભગતથી ચાલી રહી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. આટલું જ નહીં સરકારી તંત્ર દ્વારા ખેડૂતોને વ્યવસ્થિત રીતે સાંભળવાના બદલે એક તરફી જેવા હુકમો થતા આવા ખેડૂતો અને નોંધારા બની રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.

કોન્ટ્રાક્ટર એવી ખાનગી કંપની દ્વારા પોતાના નામ સાથે તેઓ જાણે સરકારી સંસ્થા હેઠળ હોય તે રીતે ગેરસમજ ફેલાવવાના પ્રયાસો અંગે ટીકા સાથે પણ સમજ લોકોને ઊંધા ચશ્મા પહેરાવવાનો પ્રયાસ પણ માનવામાં આવે છે.

દુષ્કાળમાં જાણે અધિકમાસ હોય તેમ અરજદાર ખેડૂતોને અદાલતનો સહારો લેવામાં પણ હાલ લોક ડાઉન વિઘ્નરૂપ બની રહ્યું છે. જેથી કોઈ કોર્ટ કાર્યવાહી કે સ્ટે અંગેની કાર્યવાહી કરી શકાતી નથી. જેના ફળ સ્વરૂપે કોન્ટ્રાક્ટ કંપની દ્વારા અરજદારોને કાર્યવાહી કરવા માટેનો કોઈ સમય ન આપી આ તકનો જાણે ગેરલાભ લઈ, યુદ્ધના ધોરણે વીજપોલ ઊભા કરી દેવાની કામગીરી આટોપી દેવામાં આવે છે.

આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસ તંત્રનો પણ સહયોગ લેવામાં આવે છે. જેથી કેટલાક ખેડૂતો ભયભીત પણ બની જાય છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને નાણાથી ન ભરપાઈ થઈ શકતા છતાં અપૂરતા મનાતા વળતર તથા ન્યાયી કામગીરીના અભાવ વચ્ચે ચાલતી આ સમગ્ર ઝુંબેશે તેઓને મળવા પાત્ર ન્યાય તથા સહાય પ્રત્યે અપેક્ષા જોવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS