ઇટલીના ઉપ વડાપ્રધાન અને વિદેશ મંત્રી એન્ટોનિયો તાજાની દ્વારા મહિલાઓના પહેરવેશ અંગે કરવામાં આવેલા એક નિવેદનને લઈને દેશભરમાં મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. વિદેશ મંત્રીએ એક કાર્યક્રમમાં એવી આશ્ચર્યજનક ટિપ્પણી કરી હતી કે 'લાંબી સ્કર્ટ પહેરનારી મહિલાઓ વધુ ભરોસાપાત્ર અને ઉત્તમ માતા બને છે'. આ નિવેદન સામે આવતાં જ ઇટલીના વિપક્ષી મહિલા નેતાઓ અને સાંસદોએ સંસદથી લઈને સોશિયલ મીડિયા સુધી ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. મહિલા વિરોધી માનસિકતાનો વિરોધ કરવા માટે મહિલા નેતાઓએ મિનીસ્કર્ટ પહેરીને સંસદમાં પહોંચી પોતાનો અનોખો વિરોધ નોંધાવ્યો છે.
દવાબ અને ચોતરફી ઘેરાબંધી બાદ આખરે વિદેશ મંત્રી એન્ટોનિયો તાજાનીએ પોતાના આ વિવાદિત નિવેદન માટે જાહેરમાં માફી માંગવી પડી છે. 'ધ ઇન્ડિપેન્ડન્ટ' ના અહેવાલ મુજબ, આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ફોર્મેલોમાં આયોજિત એક રાજકીય કાર્યક્રમ દરમિયાન તાજાની પોતાના પુત્રને લગ્ન અંગે આપેલી સલાહનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગ્લેમરસ મહિલાઓ પહેલી નજરે ભલે આકર્ષક લાગે, પરંતુ તેઓ એવી મહિલાને વધુ પસંદ કરશે જે ઓછી બતાવટી હોય, પરંતુ વધુ ભરોસાપાત્ર, ગંભીર, એક સારી માતા અને વફાદાર સાબિત થાય.
મહિલાઓના આઉટફિટ અને તેમના ચારિત્ર્યને જોડતા આ નિવેદનની ઇટલીના રાજકીય અને સામાજિક વર્તુળોમાં તીવ્ર ટીકા થઈ રહી છે. વિપક્ષી મહિલા સાંસદોએ આ નિવેદનને અત્યંત પછાત, મહિલા વિરોધી અને રૂઢિચુસ્ત ગણાવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મહિલાઓની ક્ષમતા, તેમની વફાદારી કે માતા તરીકેની ભૂમિકાને તેમના કપડાંની લંબાઈ સાથે સરખાવવી એ સંપૂર્ણપણે અયોગ્ય અને અપમાનજનક છે.
વિવાદ વધતાં જ તાજાનીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેમનો ઈરાદો કોઈ પણ મહિલાનું અપમાન કરવાનો કે તેમના પહેરવેશ પર સવાલ ઉઠાવવાનો નહોતો. જોકે, આ ઘટનાએ ઇટલીમાં મહિલાઓના અધિકારો, સમાનતા અને નેતાઓની માનસિકતા અંગે એક નવી વૈશ્વિક ચર્ચા જગાવી દીધી છે. સંસદમાં મિનીસ્કર્ટ પહેરીને કરાયેલા આ વિરોધના ફોટા અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.