૧૭ પીઆઇની આંતરિક બદલી: ક્રાઇમ બ્રાંચમાં વિવાદીત ગોંડલિયા મુકાયા

  • February 17, 2024 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર પોલીસ બેડામાં પોલીસ ઈન્સ્પેકટર્સની આંતરિક બદલીઓ કરાઈ છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ પીઆઈ તરીકે એમ.આર.ગોંડલિયા તથા એસઓજીમાં જે.એમ.કૈલાને મુકવામાં આવ્યા છે. અન્ય ૧૫થી વધુ પીઆઇની પોલીસ મથકો તથા બ્રાંચોમાં અરસ પરસ બદલીઓ કરવામાં આવી છે. એક સમયના સસ્પેન્ડેડ પીઆઇ ગોંડલિયાનો ક્રાઇમ બ્રાંચમાં ઓર્ડર થતાં શહેર પોલીસ બેડામાં પણ ચર્ચાનો દૌર ચાલુ થયો છે.



રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચમાં પીઆઈ વાય.બી.જાડેજા તથા બી.ટી.ગોહિલની તાજેતરમાં બદલી થતાં પીઆઈની બન્ને જગ્યા ખાલી પડી હતી. એકાદ દિવસ સિનિયર પીએસઆઇને ચાર્જથી ક્રાઇમ બ્રાંચ ચલાવાઇ હતી. ગઇકાલે મોડી સાંજ કે રાત્રે રાજકોટ શહેરના ૧૭થી વધુ પીઆઇના આંતરિક બદલીના ઓર્ડરો નીકળ્યા હતાં. ક્રાઇમબ્રાંચના બન્ને પીઆઇની બદલી થયા બાદ અહીં નવા પીઆઇ કોણ આવશે? તેની ભારે ચર્ચા ચાલતી હતી. પોલીસ કમિશનર દ્રારા કરાયેલા આંતરીક બદલીઓના સામુહિક ઓર્ડરમાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ તરીકે પ્ર.નગરમાં ફરજ બજાવતા એમ.આર.ગોંડલિયાને મુકવામાં આવ્યા છે તેમના સ્થાને પ્ર.નગરમાં થોરાળાના પીઆઇ બી.એમ.ઝણકાટને મુકાયા છે. જયારે થોરાળામાં એન.જી.વાઘેલાનું પોસ્ટીંગ થયું છે. એસઓજીના પીઆઇ જે.ડી.ઝાલાની બદલી થતાં ત્યાં અમરેલીથી ટ્રાન્સફર થઈને આવેલા જે.એમ.કૈલાને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.


અન્ય પોલીસ મથકોમાં થયેલા ફેરફારોમાં માલવિયાનગર પોલીસ મથકમાં પીઆઈ તરીકે જે.આર.દેસાઇ મુકાયા છે. જયારે આજી ડેમના પીઆઇ એલ.એલ.ચાવડાની થયેલ બદલી બાદ આ ખાલી પડેલી જગ્યા પર એ.બી.જાડેજાને મુકવામાં આવ્યા છે. યુનિવર્સિટીના પીઆઈ બી.પી.રજિયાની ટ્રાફિક શાખામાં બદલી થઇ છે, ત્યાં રીડરના એન.વાય.રાઠોડને મુકવામાં આવ્યા છે અને આવી જ રીતે ગાંધીગ્રામ પીઆઈ વસાવાને ટ્રાફિક શાખામાં બદલીને ત્યાં કુવાડવાના મહિલા પીઆઇ બી.ટી.અકબરીને પોસ્ટીંગ અપાયું છે.



બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઇ એસ.એમ.જાડેજાને મુકવામાં આવ્યા છે અને ત્યાંથી આર.જી.બારોટને બદલીને એ ડિવિઝનમાં જયારે એ ડિવિઝનના પીઆઇ એ.વી.હરિપરાનો ઓર્ડર તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવ્યો છે. તાલુકાના પીઆઇ વી.આર.પટેલને રીડર શાખામાં મુકાયા છે. આ ઉપરાંત અન્ય અધિકારીઓની પણ બદલી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. બદલીઓમાં કેટલાંક અધિકારીઓ દ્રારા પોતાના મનભાવક સ્થળે જવા માટે ગાંધીનગર સુધી કે મજબૂતી ધરાવતા રાજકિય છેડાઓ પણ લગાડયા હતાં અને ભલામણના દૌરથી ધાયુ સ્થાન મેળવ્યું હોવાની જો અને તો જેવી માત્રને માત્ર ચર્ચા છે.


રાજકીય નેતાની બધં બારણે બેઠક બાદ ઓર્ડરો, કાગને બેસવું'ને ડાળને ભાંગવા જેવું કે શું ?
સૌરાષ્ટ્ર્રમાં સારુ એવું રાજકિય પદ ધરાવતા એક નેતા ગઇકાલે ઉચ્ચ પોલીસ અધિકારીને મળ્યા હતાં અને કહેવાય છે કે તેમની સાથે બધં બારણે સારો એવો સમય મીટિંગ ચાલી હતી. ગઇકાલે રાત્રે જ બદલીના ઓર્ડરો નીકળતા શું આ રાજકિય નેતાના ભલામણના દોર હતાં એ મુજબ બદલીના ઓર્ડર થયા છે ? કે પછી આ નેતા માત્ર ઔપચારિક મુલાકાત માટે કે પોતાના કોઇ અંગત કામ માટે આવ્યા હશે ? ત્યારબાદ વહીવટી પ્રક્રિયા મુજબ રાબેતા મુજબ બદલીઓના ઓર્ડર નીકળ્યા હોય અને કાગને બેસવુંને ડાળને ભાંગવા જેવું થયું હશે ? આવી જો અને તો જેવી વાતો વહેતી થઇ છે.


એક પીઆઈથી જ ચલાવાશે કે ચાર જગ્યા મુજબ અન્યના થશે પોસ્ટિંગ?

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચમાં ચાર પીઆઈની સ્ટ્રેન્થ છે. અર્ધાથી ઓછા બે પીઆઈ મુકીને ક્રાઈમ બ્રાંચ ચલાવાતી હતી. એ પૂર્વે તો એક–એક પીઆઈ જ હતા. ચારની સ્ટ્રેન્થમાં હાલતો એક જ પીઆઈ ગોંડલિયાનો ગતરોજ ઓર્ડર થયો છે. તાજેતરમાં હવે લોકસભાની ચૂંટણી પણ યોજાશે. આવા સમયે સંભવત વધુ અધિકારીની જરૂર ઉભી થશે. અત્યારે બે જગ્યા ખાલી પડીને સિંગલ ઓર્ડર થયો છે. જેઓને મધલાળ અટકી હશે તેઓને આપણો પણ હવે ઓર્ડર થશે તેવી રાહ હશે? અન્ય ત્રણ જગ્યા પર ત્રણેય પીઆઈ મુકાશે કે એકથી જ ચાલશે? અથવા તો હજી ટેકામાં બીજા પીઆઈ મુકાશે? જેઓ હજી ત્યાં જવાની કે પોસ્ટિંગની રાહમાં હશે એ તેમની રીતે કયાંકને કયાંક છેડો લગાવી રહ્યા હશે? કે પછી ન વાદ ન વિવાદ એકલાહાથે એક પીઆઈથી ક્રાઈમ બ્રાંચને ચલાવાશે? આવું જો અને તો જેવું ચર્ચાનું ચકડોળ ફરતું થયું છે. બાકી કોને કયાં મુકવા? ન મુકવા? કેટલા મુકવા એ તો જે–તે વહીવટી પ્રક્રિયા છે. બાકી બધુ ચર્ચારૂપ જ માની શકાય.


એક સમયના સસ્પેન્ડેડ પીઆઈ ગોંડલિયાને ક્રાઈમ બ્રાંચ? ભારે ચર્ચા

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ કોઈને કોઈ વિવાદોના ઘેરામાં સમયાંતરે ગાજતી જ રહે છે. હવે વધુ એક વિવાદીત કે અગાઉ સસ્પેન્શન પિરિયડ કાપી ચૂકેલા પીઆઈ એમ.આર.ગોંડલિયાનો ક્રાઈમ બ્રાંચમાં ઓર્ડ થતાં ચર્ચાનો ચકરાવો ચાલુ થયો છે. ક્રાઈમ બ્રાંચ પીઆઈની સીટ લાંબા સમયથી વિવાદિત કે કાંટાળા તાજ જેવી સાબિત થતી રહે છે. કોઈને કોઈ કારણોસર અધિકારીને અચાનક જ આંચકો આપનારી આ સીટ હોવાની અફવારૂપ પણ વાતો છે. ક્રાઈમ બ્રાંચના પીઆઈ તરીકે મુકાયેલા મેહત્પલ આર.ગોંડલિયાની સર્વિસ બુકમાં સસ્પેન્શનનું એક મતુ લાગેલું છે. તેઓ જામનગર સિટી સી ડિવિઝનમાં હતા એ સમયે કોલસાકાંડ થયું હતું. એ કાંડમાં તપાસના મુદે કે બેદરકારી આવા કોઈ કારણોસર તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાનું જાણવા મળે છે. સસ્પેન્શન બાદ તેઓને પુન: ફરજ પર લેવાયા હતા. રાજકોટ શહેર પોલીસમાં તેમનો ઓર્ડર થયો હતો. તેઓના રાજકોટ ઓર્ડરમાં બિન સંવેદનશિલ જગ્યા પર મુકવાનો જે–તે સમયે ઉલ્લ ેખ હતો. રાજકોટમાં હાજર થતાં તાલુકા પોલીસ મથકમાં મુકાયા હતા. તેમના ત્યાંના કાર્યકાળ દરમિયાન તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી જુગાર કલબ કે આવી બદીઓ પકડાઈ ચૂકી હતી. જે–તે સમયે સસ્પેન્શનમાં પીઆઈ ગોંડલિયા દોષિત હતા, ન્હોતા, નીચલા અધિકારી સ્ટાફના વિશ્ર્વાસે રહ્યાને તેમના પર જવાબદારી આવી પડી હતી અને થાણા અધિકારી તરીકે જવાબદાર ઠેરવીને સસ્પેન્ડ કરાયા હતા? જે હોય તે પણ હાલતો ફરી વધુ એક સસ્પેન્ડેડ પીઆઈનો ક્રાઈમ બ્રાંચમાં ઓર્ડર થયાનો મુદો ગાજવા લાગ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application