હરિહર ચોક પાસે મનપાની જગ્યા પરથી ઘોડા હટાવવાનું કહેતા કોન્ટ્રાકટરને મારમાર્યો

  • May 05, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હરિહર ચોકમાં વોંકળાનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હોય દરમિયાન અહીં આરએમસીની જગ્યામાં વાડો બનાવી ઘોડા બાંધનાર શખસને કોન્ટ્રાક્ટરે થોડા દિવસ વાડો ખાલી કરી અહીંથી ઘોડા અન્ય જગ્યાએ લઈ જવાનું કહ્યું હતું. જેથી આ શખસે ઉશ્કેરાય કોન્ટ્રાક્ટરને લાકડી વડે મારમાર્યો હતો. સાથોસાથ ધમકી આપી હતી કે, હવે ફરીવાર મને ઘોડાનો વાડો ખાલી કરાવવાનું કીધું તો છરીના ઘા મારી દઈશ. જેથી આ અંગે કોન્ટ્રાક્ટર દ્વારા એડમિશન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પુનિતનગર શેરી નંબર 11 બ્લોક નંબર 108 માં રહેતા હાર્દિકભાઈ મગનભાઈ પિત્રોડા (ઉ.વ 38) દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે હરિહર ચોક દાતાર બાપુના તકિયા પાસે રહેતા સમીર દિલાવરભાઇ લીંબડીયાનું નામ આપ્યું છે. હાર્દિકભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને હાલમાં હરિહર ચોકમાં આવેલા વોકળાના રિનોવેશનના કામનો કોન્ટ્રાક્ટ તેમણે રાખ્યો છે.


ગઇ તા.2/5 ના રોજ સવારના અહીં હરિહર ચોકમાં દાતાર બાપુના તકિયાવાળી શેરીમાં ખુલી જગ્યા આવેલી હોય જે ઘોડા બાંધવાનો વાડો બનાવેલો છે તે જગ્યા આર.એમ.સી. ની હોય જેથી અહીં કોન્ટ્રાક્ટરને પોતાના મજુર રાખવા હોય અને સામાન રાખવો હોય જેથી આ બાબતે અહીં કેબિન ધરાવનાર વ્યક્તિને કહેતા તેણે કહ્યું હતું કે, મને કંઈ ખબર નથી હું તો મહેમાન છું. બાદમાં અહીં શેરીમાં એક મહિલાને કહેતા તેણે કહ્યું હતું કે, સમીર જામનગર ગયો છે તે આવે એટલે હું તેમને ઘોડા ફેરવી લેવાનું કહીશ.


દરમિયાન 11:00 વાગ્યા આસપાસ સમીર અહીં આવ્યો હતો અને કહ્યું હતું કે, મારા ઘર પાસે આવી ઘોડા ફેરવાનું કેમ કીધું? તારું નામ શું છે અને તારી પાસે મને વાડો ખાલી કરાવવાની ઓથોરિટી કે કોઈ લેટર છે? તેમ કહી ગાળો દેવા લાગ્યો હતો જેથી હાર્દિકભાઈએ કહ્યું હતું કે અહીં આરએમસીના વોકળાના રિનોવેશનનું કામ ચાલુ છે તેનો કોન્ટ્રાક્ટ મેં રાખ્યો છે તું ઘોડા બાંધે છે તે જગ્યા આરએમસીની છે. હું આરએમસીના સાહેબ સાથે વાત કરીશ. આ સાંભળી સમીર એકદમ ઉશ્કેરાય જઇ ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો તેમજ અહીં પડેલા સેન્ટ્રીંગના સામાનમાંથી લાકડી લઈ મારમાર્યો હતો. દરમિયાન અન્ય મજૂરોએ આવી હાર્દિકભાઈને વધુ મારામાંથી બચાવ્યા હતા. જતા જતા સમીરે ધમકી આપી હતી કે, ફરીવાર મને ઘોડાનો વાડો ખાલી કરાવવાનું કીધું તો છરીના ઘા મારી દઈશ. હુમલામાં ઘવાયેલા હાર્દિકભાઈને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેણે આ મામલે સમીર દિલાવર લિંગડીયા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application