પશ્ચિમ રાજકોટમાં વોર્ડ નં.૮માં કાલાવડ રોડ ઉપર આવેલા કોટેચા નગરમાં ગત મંગળવારથી મતલબ કે લગાતાર છ દિવસથી દુર્ગંધયુક્ત દૂષિત પાણીનું વિતરણ થઇ રહ્યું છે તેમ છતાં મહાપાલિકા તંત્રના ઇજનેરોને ફોલ્ટ મળતો નથી. બીજી બાજુ પ્રદૂષિત પાણી અંગે રહીશોએ ફરિયાદ કર્યા બાદ મ્યુનિ.ટીમ ખાડો ખોદી પાણીના સેમ્પલ લઇને ગઇ ઇ ગઇ, પછી આજ દિવસ સુધી ફરકી નથી. બીજી બાજુ પ્રદૂષિત પાણીના કારણે અનેક નાના બાળકો તેમજ સિનિયર સિટિઝન્સની તબિયત બગડી હોવાનું જાણવા મળે છે.
કોટેચાનગરના રહીશોએ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોટેચા નગર શેરી નં.૬,૭ અને ૮માં ગત તા.૧૨-મે ૨૦૨૬ને મંગળવારના રોજ પહેલી વખત દુર્ગંધયુક્ત પ્રદુષિત પાણીનું આવ્યું હતું જેથી પીવાના પાણીની લાઇન સાથે ડ્રેનેજ લાઇનનું ગંદુ પાણી ભળી ગયું હોવાનું જણાતા મહાપાલિકામાં ફરિયાદ કરાઇ હતી, ફરિયાદ કર્યા બાદ બે દિવસ સુધી કોઇ આવ્યું ન હતું. અંતે ગુરૂવારે મ્યુનિ.ટીમ આવી હતી અને ખાડો ખોદીને મોટો ફોલ્ટ હોય તેવું લાગે છે શોધતા વાર લાગશે તેમ કહીને રવાના થઇ ગઇ હતી.
મ્યુનિ.ટીમ ફરિયાદ તો ઉકેલી શકી ન હતી પરંતુ ટીમ આવતા હવે વ્હેલો કે મોડો પ્રશ્ન ઉકેલાશે તેવી રહીશોને આશા બંધાઇ હતી, જો કે આ આશા ક્ષણભંગુર નિવડી હતી કારણ કે ઇચ્છાધારી ઇજનેરોને આજે છ-છે દિવસ વીતી જવા છતાં ફોલ્ટ મળ્યો નથી તેથી હજુ પણ રહીશો હેરાન પરેશાન થઇ રહ્યા છે. ઉપરોક્ત ત્રણ શેરીમાં ૩૦થી ૪૦ મકાનો આવેલા છે તેમાંથી અમુક પરિવારોએ તો હવે નળ ખોલવાનું જ બંધ કરી દીધું છે. બોર હોય તેવા રહીશો બોરનું પાણી વપરાશમાં લઇ રહ્યા છે અને બોર ડુકી ગયા હોય તેઓ વેંચાતા ટેન્કરનું પાણી ખરીદી રહ્યા છે. પીવું તો દૂર વપરાશમાં પણ ન લઇ શકાય તેવા દુર્ગંધયુક્ત પ્રદુષિત પાણીના વિતરણથી ત્રાહિમામ પોકારી ઉઠેલા રહીશો વહેલામાં વ્હેલી તકે આ પ્રશ્ન ઉકેલાઇ તેવી માંગ કરી રહ્યા છે.
મહાપાલિકાની વોટર વર્કસ, ડ્રેનેજ, હેલ્થ બ્રાન્ચ વચ્ચે સંકલનના અભાવે ઉપરોક્ત પ્રશ્ન ઉકેલાતો ન હોય તેમજ તાજેતરમાં ચૂંટાયેલા નવા કોર્પોરેટરોના મોબાઇલ નંબર કોટેચા નગરના રહીશો પાસે ન હોય જુના પૂર્વ કોર્પોરેટરોને ફરિયાદો કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.
ડો.રાજેન્દ્રકુમાર અને અનંદુ સુરેશ ગોવિંદ સુધી ફરિયાદ
કોટેચાનગરના અમુક જાગૃત નાગરિકોએ આ અંગે રાજકોટ મહાપાલિકાના એડમિનિસ્ટ્રેટર ડો.રાજેન્દ્રકુમાર અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર અનંદુ સુરેશ ગોવિંદ સુધી ફરિયાદ કરી વ્હેલી તકે આ પ્રશ્ન ઉકેલી પીવાલાયક શુધ્ધ પાણી પૂરું પાડવા માંગણી કરી હોવાનું જાણવા મળે છે.