આગામી સમયમાં સીએનજીમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ ફરજીયાત થશેઃ ડો. મીનેશ શાહ

  • March 04, 2025 10:10 AM 

પર્યાવરણની જાળવણી તરફ માહી ડેરીનું વધુ એક પગલું: ભાવનગરથી સુરત સમુદ્રી માર્ગે કાચુ દૂધ મોકલવાના ઐતિહાસિક કાર્યનો પ્રારંભ


પેટ્રોલમાં જેવી રીતે ઇથેનોલ ફરજિયાત કરવામાં આવ્યું છે તેવી રીતે આગામી સમયમાં સીએનજીમાં કમ્પ્રેસ બાયોગેસ એટલે કે સીબીજી ફરજિયાત થશે. તેમ ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે માહી ડેરીના કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાના ક્રાંતિકારી કાર્યનો પ્રારંભ કરતા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન ડો. મીનેશ શાહે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું.


દૂધ ઉત્પાદકોની સંસ્થા માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્રના દૂધને સમુદ્રી માર્ગે દક્ષિણ ગુજરાત પહોંચાડવાનું શરૂ કરાતા દૂધ પરિવહન ક્ષેત્રે ઇતિહાસ રચાયો છે. આ ઐતિહાસિક કાર્યથી સમયમાં બચત અને પરિવહન ખર્ચમાં તો ઘટાડો થશે જ પરંતુ તેની સાથે સાથે કાર્બન ઉત્સર્જન ઘટતા પર્યાવરણનું પણ રક્ષણ થઇ શકશે. આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા એન.ડી.ડી.બી.ના ચેરમેન ડો. મીનેશ શાહે પર્યાવરણને થતું નુકસાન અટકાવવાના માહી ડેરીના પ્રયાસોને બિરદાવી ચાલુ વર્ષે કાર્બન ન્યૂટ્રલ થવા માટેના એન.ડી.ડી.બી. દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે, રાશન બેલેન્સિંગ પ્રોજેકટ અંતર્ગત પશુઓને પૂરતી માત્રામાં ફેટ અને એનજી< મળતા ૧૫ ટકા મીથેન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડી શકાયું છે.


દેશમાં ૩૦ હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે અને દર વર્ષે નવા ૧૦થી ૧૫ હજાર પ્લાન્ટોની સ્થાપના કરવા માટે કમર કસી છે તેમ જણાવી ડો. મીનેશ શાહે માહી ડેરી દ્વારા ભાવનગરથી સુરત સમુદ્રી માર્ગે કાચુ દૂધ પહોંચાડવાના નવા સોપાનને બિરદાવ્યું હતું તેમણે આ નિર્ણયથી કાર્બન ઉત્સર્જન ઘટાડી અને પરિવહન ખર્ચમાં બચત કરી શકાશે તેમ જણાવી દૂધ ઝડપથી પહોંચતા તેની ગુણવત્તા વધુ સારી રાખી શકાશે તેમ પણ જણાવ્યું હતું.


આત્મનિર્ભરતા અને ડિજિટલાઇઝેશન ક્ષેત્રે ઊંચી ઉડાન ભરીને માહી ડેરીએ અન્યો માટે રાહ ચિંધ્યો છે. સમયાંતરે માહીએ નવા નવા ક્ષેત્રે પગરણ માંડી, ડેરી સેકટરમાં સરળતા અને સુગમતા ઉભી કરવા અનેક કાર્યો હાથ ધર્યા છે ત્યારે હવે દૂધ પરિવહન ક્ષેત્રે પણ માહી ડેરીએ નવો ઇતિહાસ રચ્યો છે. ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાના ક્રાંતિકારી કાર્યનો એન.ડી.ડી.બી.ના ચેરમેન શ્રી ડો. મીનેશ શાહના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. દૂધને જળમાર્ગે સુરત પહોંચાડવાના આ કાર્ય અંતર્ગત સમયની બચત સાથે દૂધ ઝડપથી પહોંચતા તેની ગુણવત્તા પણ વધુ સારી રાખી શકાશે.

આ પ્રસંગે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન ડો. મીનેશ શાહ, એકિઝકયુટિવ ડિરેકટર એસ. રાજીવ, એસ. રઘુપતિ, એનડીડીબી ડેરી સર્વિસીસના મેનેજીંગ ડિરેકટર ડો. સી.પી. દેવાનંદ, એકિઝકયુટિવ ડિરેકટર રઘુ માલેગૌડા, એન.ડી.ડી.બી.ના એડવાઇઝર કે.એમ.ઝાલા, માહી ડેરીના ચેરમેન વિજયભાઇ ઓડેદરા, ચીફ એકિઝકયુટિવ આલોક કુમાર ગુપ્તા સહિત ડેરી ક્ષેત્રના તજજ્ઞો, ડી.જી. સી કનેકટના વરુણભાઇ કોન્ટ્રાકટર, હિરલ દેસાઇ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application