રેલવે સ્ટેશને પ્લેટફોર્મ-1 ઉપરથી ટ્રેનો ઉપડવાનું સદંતર બંધ: યાત્રીઓને હાલાકી

  • September 24, 2024 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને રેલવે ડબલ ટ્રેકની અને ઈલેક્ટ્રીક ટ્રેનની સુવિધાને એકથી દોઢ વર્ષ થઈ ગયું છતાં રેલવે સ્ટેશન ઉપર યાત્રિકોની મુશ્કેલીનો અંત આવતો નથી, બીજો રેલવે ટ્રેક ચાલુ થઈ ગયા બાદ અમદાવાદ સહિત દેશભરમાં જવા માટે ઉપડતી તમામ અપ ટ્રેનો ફરજિયાત પ્લેટફોર્મ નંબર 3 અને 4 ઉપરથી જ ઉપાડવાની મુશ્કેલી રેલવે તંત્ર ઓછી કરી શકયું નથી, બીજી તરફ પ્લેટફોર્મ નંબર 3, 4 ઉપર કવર સેડ (છાપરૂં) સહિત અનેક ઉતારૂલક્ષી સુવિધાના અભાવે યાત્રિક પરિવારો ખૂબ જ મુશ્કેલી વેઠી રહ્યા છે.
રાજકોટ - સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેક શરૂ થઇ જતાં છેલ્લા દોઢેક વર્ષ જેટલા સમયથી અમદાવાદ કે દેશના અન્ય ભાગોમાં જતી તમામ અપ ટ્રેનો પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી ઉપડવાનું બંધ થઈ ગયું છે. બધી અપ ટ્રેનો માત્ર અને માત્ર પ્લેટફોર્મ નંબર 3, 4 અને 5 ઉપરથી જ રવાના થાય છે. પ્લેટફોર્મ નંબર 1 માત્ર ડાઉન ટ્રેનો માટે જ રાખી દેવાયું છે. આથી અમદાવાદ સહિત દેશભરમાં જવા માટેની ઉપડતી દરેક ટ્રેનોમાં બેસવા માગતા ઉતારું પરિવારોએ એસ્કેલેટર કે ફૂટ ઓવરબ્રિજ મારફત પ્લેટફોર્મ નંબર 3, 4 અને પ ઉપર પહોંચવું પડે છે.
આટલું જ પૂરતું નથી, પ્લેટફોર્મ નંબર 4 અને 5 ઉપર બેસવા માટે પૂરતા બાંકડા સહિતની ઉતારુલક્ષી સુવિધા નથી, એસ્કેલેટર નથી, ફૂટ ઓવરબ્રિજ આગળ અને પાછળ એમ બે હોવા જોઈએ તેના બદલે માત્ર પાછળ એકજ ફૂટ ઓવરબ્રિજ છે. આવા સંજોગોમાં એન્જિન સાઈડના કોચ સુધી પહોંચવા માટે બાળકો, વૃદ્ધો સહિતના ઉતારુઓને તેમના કોચ સુધી પહોંચવા કાયમી રીતે દોડધામ થઈ જાય છે. આવી પરિસ્થિતિ છેલ્લા દોઢેક વર્ષ કરતા વધુ સમયથી ઉતારુઓ વેઠી રહ્યા છે.
આ ઉપરાંત શહેરના ભારે ટ્રાફિક વચ્ચેથી રેલવે સ્ટેશને પહોંચતા યાત્રી પરિવારોને પ્લેટફોર્મ નંબર 3, 4 અને 5 સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે, એટલું જ નહીં ઘણી વખત ટ્રેન મિસ થઈ જાય છે. તેમાં પણ વંદે ભારત, વડોદરા ઇન્ટરસિટી સહિતની ઓખા, પોરબંદર, વેરાવળ, જામનગર, હાપા તરફથી મહત્વની અનેક ટ્રેનો પ્લેટફોર્મ નંબર 4 અને 5 ઉપર ઉભી રહીને માત્ર પાંચ મિનિટના હોલ્ટ બાદ રવાના થઈ જતી હોય છે, આવા સંજોગોમાં માત્ર પાછળ જ બનાવેલા ઓવરબ્રીજ ઉપરથી ઉતરીને એન્જિન સુધીના કોચ સુધી પહોંચવું મુશ્કેલ બને છે, આ કારણે ટ્રેન મિસ થઈ જવાના પણ બનાવો બને છે. યાત્રિકોએ આ પ્રકારની પુષ્કળ પ્રમાણમાં હેરાનગતિનો સામનો કરવો પડે છે. આટલું અધૂરું હોય તેમ પ્લેટફોર્મ નંબર 3 અને 4 ઉપર છેલ્લા દોઢ વર્ષથી છાપરૂં અથવા કવર શેડ પણ નથી, સ્ટેશન ઉપર થોડા વહેલા પહોંચનાર ઉતારું પરિવારોએ હાલ ચોમાસામાં વરસતા વરસાદમાં પલળીને પ્લેટફોર્મ ઉપર ગાડીનો ઇંતેજાર કરવો પડે છે, માલ સામાન પલળી જાય છે. તેમાં પણ જો ટ્રેન વહેલી મોડી હોય ત્યારે આવા ઉતારુઓની અને યાતના ખૂબ જ વધી જતી હોય છે.
રેલવેના અમદાવાદ, સુરત, વડોદરા સહિતના સ્ટેશનો ઉપર પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવતી અને જતી તમામ ટ્રેનો પસાર થતી હોય છે, ત્યારે રાજકોટ જંકશન ઉપર ઉપડતી ટ્રેનો માત્ર પ્લેટફોર્મ નંબર 3, 4 અને 5 ઉપરથી ઉપાડવાનું ઉતારુઓ માટે અસહ્ય બની ગયું છે. ઉતારૂઓની આ ગંભીર સમસ્યા ઓછી કરવા લોકપ્રિય ટ્રેનો જેવી કે વહેલી સવારે અમદાવાદ તરફ જતી લોકપ્રિય ટ્રેનો વડોદરા ઇન્ટરસિટી, ઓખા- અમદાવાદ વંદે ભારત, બપોરની સૌરાષ્ટ્ર જનતા, સૌરાષ્ટ્ર મેલ, જબલપુર, રાતની ડુરાંટો, હમસફર એક્સપ્રેસ વગેરે અપ ટ્રેનો પ્લેટફોર્મ નંબર એક ઉપરથી જ ઉપડે તેવી વ્યવસ્થા થવી જોઈએ તેવી માંગણી ઉઠી છે.


સૌરાષ્ટ્ર મેલનો સમય બપોરનો કરાતા હાલાકી
રેલવેના કોરોના લોકડાઉન બાદ પુન: શરૂ થયેલી ટ્રેનોમાંઓખા- મુંબઈ સૌરાષ્ટ્ર મેલનો સમય સાંજે 17:45નો બદલીને બપોરે 15:35નો કરાતા આ ટ્રેન હવે મુંબઈ વહેલી પરોઢે સાડા ત્રણ વાગ્યે પહોંચી જાય છે, આટલા વહેલા હોવાને કારણે મુંબઈમાં જે તે સ્થળે પહોંચવામાં મુશ્કેલી સર્જાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે વેરાવળ- બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા અને સૌરાષ્ટ્ર મેલ ટ્રેન ઉપડવાના સમયમાં માત્ર 20 મિનિટનો તફાવત છે. આથી મુંબઈ જતી બંને ટ્રેનો સમાંતર દોડે છે. બીજી તરફ રાજકોટથી બપોરે 15:35 પછી છેક ડુરાન્ટો એક્સપ્રેસ સુધી મુંબઈની સુવિધાનો શૂન્યાવકાશ સર્જાય છે. આથી રાજકોટથી સૌરાષ્ટ્ર મેલનો સમય હાલ બપોરનો થયો છે તે બદલીને ફરીથી સાંજે ઉપડવાનો કરવો જોઈએ, તેવી ઉતારું જનતાની માગણી છે.


જૂન માસમાં મહત્વની ટ્રેનો પ્લેટફોર્મ-1 પરથી ઉપાડવાનું કહેનાર ડીઆરએમનો ફોન નો-રિપ્લાય
ડી.આર.એમ. અશ્વની કુમારે 13મી જૂન 2024ના ’આજકાલ’ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મહત્વપૂર્ણ ટ્રેનો પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી ઉપડતી થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી કામગીરી માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, નજીકના ભવિષ્યમાં ઉતારુઓની સારામાં સારી સુવિધા પ્લેટફોર્મ નંબર 3 અને 4 ઉપર પણ મળે તે માટે પણ કામગીરી ચાલી રહી છે આવું કહેનારા ડીઆરએમના ફોન સતત નો-રિપ્લાય થાય છે. આમ ડીઆરએમ દ્વારા અપાયેલી ખાતરીનો ઓપરેટિંગ સહિતના સંબંધિત વિભાગો દ્વારા અમલવારી થતી નથી. માત્ર પાંચ છ દિવસ બે-ચાર અપ ટ્રેનો પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી ઉપડ્યા બાદ તમામ અપ ટ્રેનો પ્લેટફોર્મ 3,4,5 ઉપરથી દોડાવવામાં આવી રહી છે.


પ્લેટફોર્મ 4, 5 ઉપર લિફ્ટના અભાવે વૃદ્ધો માટે ડોળી ચાલુ કરવી પડે તેવી સ્થિતિ
પ્લેટફોર્મ નંબર 4, 5 દોઢ વર્ષથી અનેક પ્રાથમિક સુવિધાઓ ન હોવા છતાં ચાલુ કરી દેવાયા છે. આ પ્લેટફોર્મ ઉપર પાછળના ભાગે માત્ર એક ફૂટ ઓવરબ્રિજ સીડી અને ગણ્યા ગાંઠ્યા બાંકડા સિવાય કોઈ સુવિધા નથી, આવા સંજોગોમાં એસ્કેલેટર મારફત ફૂટ ઓવર બ્રિજ ઉપર આવી ગયેલા બાળકો અને વૃદ્ધોને પુષ્કળ પગથિયાવાળો દાદરો ઉતરવો પડે છે, ઉતયર્િ પછી પણ રિઝર્વેશનના કોચ સુધી લઈ જવામાં ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. આથી ગિરનાર, કેદારનાથ વગેરે તીર્થ સ્થળોમાં જેમ વૃદ્ધો માટે ડોળીવાળાની મદદ લેવાય છે તેવી રીતે રાજકોટ રેલ્વે સ્ટેશનમાં પણ વૃધ્ધો માટે ડોળી પ્રથા ચાલુ કરવી પડે તેવી હાલત છે.


જુલાઈમાં દેખાવ પૂરતી બે-ચાર ટ્રેનો પ્લેટફોર્મ-1 પરથી ચાલુ કરીને બંધ કરી દેવાઇ
મુસાફરોની મુશ્કેલી અંગેની ફરિયાદોને ’આજકાલ’ દ્વારા વાચા આપવામાં આવતા જુલાઈ માસમાં કેટલીક અપ ટ્રેનો પ્લેટફોર્મ નંબર એક પરથી ઉપાડવાનું શરૂ કરાયું હતું, પાંચ છ દિવસમાં જ બંધ કરી દેવાયું હોવાનું જાણવા મળે છે. તે વખતે ડેઇલી અપ ટ્રેનો 22950 સોમનાથ ગાંધીનગર, 19120 સોમનાથ ગાંધીનગર, 19218 સૌરાષ્ટ્ર જનતા, સોમનાથ જબલપુર વગેરે ઉપરાંત વેરાવળ ઇન્દોર મહામના એક્સપ્રેસ, વેરાવળ ત્રિવેન્દ્રમ, પોરબંદર સિકંદરાબાદ અને વેરાવળ પુણેની સાપ્તાહિક અપ ટ્રેનો પ્લેટફોર્મ નંબર એક ઉપરથી ઉપાડવાનું ઓપરેટિંગ વિભાગ દ્વારા નક્કી કરીને આ મુજબનો રિપોર્ટ પણ હેડ ઓફિસને મોકલી આપાયો હતો. પરંતુ આમાંથી એક પણ અપ ટ્રેન હાલ પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી ઉપડતી નથી.


ટેકનિકલ ક્ષતિ સુધારવામાં વિલંબ શા માટે?

લાંબા સમયથી રાજકોટ સુધીનો ડબલ ટ્રેક શરૂ થઈ ગયો છે, તે અંગે ટેકનિકલી જાણકાર ઉતારુના જણાવ્યા મુજબ અમદાવાદ તરફથી આવતી ટ્રેનો માત્ર પ્લેટફોર્મ નંબર 1 અને 2 ઉપર જ આવી શકે છે, જેમાં આવતી તમામ ટ્રેનો માટે બીજો કોઈ વિકલ્પ નથી, આ ઉપરાંત રોજ 10 જેટલી ડાઉન ગૂડઝ ટ્રેનો પણ બાયપાસ થવાની હોય કે રાજકોટ સુધી આવવાની હોય તમામે પ્લેટફોર્મ નંબર 1 કે 2 ઉપરથી પસાર થવાનું હોય છે. આથી અમદાવાદ કે દેશના અન્ય ભાગોમાં જતી અપ ટ્રેનોને પ્લેટફોર્મ નંબર 1 ઉપર જગ્યા આપી શકાતી નથી તેવું ટેકનિકલ કારણ હોવાનું જણાવાયું છે. તેમાં અમદાવાદથી આવતી તમામ ટ્રેનો ટ્રેક બદલીને પ્લેટફોર્મ નંબર પાંચ સુધી પહોંચી શકે તે માટેની ટેકનિકલ વ્યવસ્થા ગોઠવી મહત્વપૂર્ણ અપ ટ્રેનો પ્લેટફોર્મ નંબર એક ઉપરથી ઉપડે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ તેવી માંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application