BREAKING NEWS

ગોંડલમાં સોની વેપારી દોઢ તોલા સોનું ઓળવી ગયાની ફરિયાદ

  • October 04, 2025 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગોંડલની મોટી બજારમાં જવેલર્સ પેઢી ધરાવતા સોની વેપારીએ 17 ગ્રામ સોનાના ઘરેણાં ઓળવી ગયા અંગે ફરિયાદ નોંધવવામાં આવી છે. યુવાને હાથ ઉછીના લીધેલા નાણાંની સિક્યુરિટી પેટે મુકેલા ઘરેણાં પૈકી 17 ગ્રામના દાગીના પરત નહીં આપી છેતરપિંડી કરી હતી.


બનાવ અંગે ગોંડલના ભગવતપરામાં હરભોલે સોસાયટીમાં રહેતા સોહીલ ઇસ્માઇલભાઈ શેખ(ઉ.વ ૨૭) એ ગોંડલ સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલની મોટી બજાર ગોકુનંદ જવેલર્સ નામે પેઢી ધરાવતા તેજસ વેરૈયાનું નામ આપ્યું છુ. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે હાલમાં સ્પાર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરે છે. તેઓ છેલ્લા બે વર્ષથી ગોંડલની મોટી બજારમાં બાવાબારી શેરી સામે આવેલ ગૌકુનંદ જવેલર્સ નામથી આવેલ સોના-ચાંદીના દાગીનાની દુકાનના માલિક તેજસભાઈ વારૈયા પાસે સોના-ચાંદીના દાગીના લેતા હોય જેથી આ તેજસભાઈ સાથે રૂપીયાની લેતીદેતીનો પણ વ્યવહાર હતો.


યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ગત જાન્યુઆરી માસમાં તેના બનેવી મહંમદભાઇ ઠેબાએ મકાન ખરીદવા માટે મકાનની લોન થાય ત્યાં સુધી રૂપીયાની જરૂર હોય જેથી તેજસભાઈ વારૈયાને વાત કરી હતી. તેઓ પાસે રૂપીયા હોય અને તે હાથ ઉછીના રૂપીયા આપશે તેમ કહેતા તેજસભાઈ વારૈયા પાસેથી રૂ.5 લાખ હાથ ઉછીના લીધેલ હતા. ત્યારે ફરિયાદીએ તેજસભાઈને સીક્યુરીટી પેટે સોનાના ૭ તોલાના અલગ અલગ દાગીનાઓ જેમા ૨-જોડી કાનની બુટી, એક ગળામાં પહેરવાનો સેટ, એક ચેન, એક પેન્ડલ, એક જોડી બુટી, એક વીંટી સિક્યુરિટી પેટે આપ્યા હતા. બાદમાં ફરિયાદી પાસે રૂપીયાની સગવડ થતા માર્ચ મહિનામાં એક લાખ રૂપિયા અને ગઇ તા.૧૬/૦૫/૨૦૨૫ ના રોજ રૂ.૪ લાખ તેજસભાઇને પરત આપી દીધા હતા.


બાદમાં તેજસભાઈએ સોનાના દાગીનાઓ પૈકી બે જોડી એરીંગ, ગળામાં પહેરવાનો સેટ, પેન્ડલ મળી આશરે પાંચ તોલા (૫૨.૨ ગ્રામ) જેટલા સોનાના દાગીના પરત આપ્યા હતા અને બાકી રહેતા સોનાના ઘરેણાંઓ ચેન, બુટી, વીંટી એમ આશરે ૧૭ ગ્રામ જેટલા વજનના સોનાના દાગીના બીજે મુકેલ છે, હું તમને કાલ સાંજે બાકી સોનાના દાગીના આપી દઈશ તેમ કહ્યું હતું. બીજા દિવસે યુવાન સોનાના દાગીના લેવા જતા તેજસભાઈ હાજર ન હોય ફોનમાં તેના ભાઈ આશિષભાઈની દુકાને જવાનું કહ્યું હતું. ત્યાં જતાં થોડા દિવસમા બાકીના દાગીના પરત આપી દેશું તેમ તેજસભાઈએ જણાવ્યું હતું.


બાદ અવારનવાર સોનાના ઘરેણાં પરત માંગવા છતાં અલગ અલગ બહાના બતાવી તેજસ વારૈયાએ દાગીના પરત આપતો ન હોય અને છેલ્લા થોડા સમયથી તેજસ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હોય જેથી સોનાના દાગીના પરત નહીં આપી છેતરપીડી કર્યાની જાણ થતાં યુવકે ગોંડલ સીટી પોલીસ મથકમાં 17 ગ્રામ સોનાની ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી સોની વેપારીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application