દ્વારકામાં વૃદ્ધ ઉપર હુમલો કરવા સબબ મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ

  • May 25, 2024 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડમાં સંયુક્ત ભાગની જમીન બાબતે બે મહિલાઓ વચ્ચે મારામારી: ખંભાળિયા પંથકમાં જુગાર રમતા ચાર મહિલાઓ ઝડપાયા

દ્વારકામાં ગુજરાતી ધર્મશાળાની સામે રહેતા વિનોદભાઈ નંદલાલ મોદી નામના 60 વર્ષના વૃદ્ધ તેમના ઘરની ડેલી પાસે કુતરાઓને જમવાનું નાખતા આનાથી ઉશ્કેરાયેલા બટુકભાઈ નાથાલાલ વિઠલાણીએ તેમને બિભત્સ ગાળો કાઢી, કુતરા ઉપર પથ્થરના ઘા કરવા લાગતા ફરિયાદી વિનોદભાઈ તેમને સમજાવવા જતાં આરોપી બટુકભાઈ સાથે હિરેન નાથાલાલ વિઠલાણી અને ગીતાબેન બટુકભાઈ વિઠલાણી દ્વારા બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી, લોખંડના પાઈપ વડે ફરીયાદી વિનોદભાઈ તેમજ તેમના પત્ની હર્ષાબેન ઉપર હુમલો કરી, ઈજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 323, 504, 506 (2 ), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.


જયારે ભાણવડ તાલુકાના શેઢા ખાઈ ગામે રહેતા શાંતિબેન જગદીશભાઈ મારખીભાઈ નંદાણીયા નામના 30 વર્ષના આહિર મહિલા તેમજ મોતીબેન માલદેભાઈ નંદાણીયાની ખેતીની જમીન સંયુક્ત ખાતે આવેલ હોય અને જમીનના ભાગ બાબતે બંને વચ્ચે વાંધો ચાલ્યો આવતો હોવાથી આ અંગેનો ખાર રાખી, ફરિયાદી શાંતિબેનને આરોપી મોતીબેન દ્વારા લાકડાના ધોકા વડે માર મારી, બિભત્સ ગાળો કાઢી, મૂઢ ઇજાઓ કરવા સબબ ભાણવડ પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.


તેમજ ખંભાળિયા તાલુકાના મોટા આંબલા ગામે પોલીસે જુગાર દરોડો પાડીને જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા મરીયમબેન બચુભાઈ ગજણ, હસીનાબેન રફીકભાઈ ગજણ, અમીનાબેન યુસુફભાઈ જોખીયા અને કુલસુમબેન અલીભાઈ ઘાવડાને ઝડપી લઈ, રૂ. 2,010 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે વાડીનાર મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application