BREAKING NEWS

સરદાનગર મેઇન રોડ પર એપલની ડુપ્લીકેટ એસેસરીઝ વેચતા પાંચ વેપારી સામે ફરિયાદ

  • December 24, 2025 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના સરદારનગર મેઈન રોડ પર આવેલી મોબાઇલની દુકાનોમાં એપલ કંપનીના લોગોવાળી ડુપ્લીકેટ ચાર્જર, કેબલ, મોબાઈલ કવર, ઈયર બર્ડ્સનો રૂ., 5.05 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. આ અંગે અલગ અલગ પાંચ દુકાનના માલિકો વિરુદ્ધ કોપીરાઈટ એક્ટની કલમો હેઠળ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



અમદાવાદના મણીનગર વિસ્તારમાં મધુકુંજ સોસાયટીમાં રહેતા વિશાલસિંહ હિરાસિંહ જાડેજા દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગ્રીફિન ઇન્ટલએકચ્યુઅલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં છેલ્લા પાંચ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે.જેમાં અલગ અલગ બ્રાન્ડેડ કંપનીઓના ટ્રેડમાર્ક અને કોપીરાઈટના હકોનું રક્ષણ કરવા માટે ફરિયાદ કરવાનું કામ કરે છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, અમે અમારી ફરજના ભાગરૂપે અમારા હસ્તકની અલગ- અલગ કંપનીના કોપીરાઈટના હકો ભંગ કરતા વેપારીઓ બાબતે રાજકોટ શહેરમાં તપાસમાં હતા. દરમિયાન જય બાલાજી મોબાઇલ એસેસરીઝ, મહાદેવ મોબાઇલ કવર હાઉસ, કવર ઝોન, ટફન ઝોન અને ટફનવાલા મોબાઇલ એસેસરીઝ નામની દુકાનોમાં એપલ કંપનીના સિમ્બોલ વાળી ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી મળી હતી.



જેથી ફરિયાદીએ એ ડિવિઝન પોલીસનો સંપર્ક કરી પ્રથમ સરદારનગર મેઇન રોડ ઉપર આવેલી જય બાલાજી મોબાઇલ એસેસરીઝ નામની દુકાનમાં તપાસ કરતા અહીંથી એપલ કંપનીના સિમ્બોલવાળા 94 હજારની કિંમતના 128 મોબાઈલ કવર, રૂ. 40 હજારની કિંમતના આઠ એરપોર્ડ મળી આવ્યા હતા. બાદમાં મહાદેવ મોબાઈલ કવર નામની દુકાનમાંથી એપલ કંપનીની સિમ્બોલવાળા રૂ. 91,500 ની કિંમતના 183 મોબાઈલ કવર, રૂ.12 હજારની કિંમતના 12 એડેપ્ટર, રૂ. 30 હજારની કિંમતના છ એરપોડ સહીત કુલ રૂ. 1.54 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ત્યારબાદ કવર ઝોન નામની દુકાનમાંથી રૂ.1 લાખની કિંમતના 200 મોબાઇલ કવર, કેબલ, એરપોર્ડ, પાવર બેંક મળી રૂ.1,09,500 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. બાદ ટફનઝોન નામની દુકાનમાંથી રૂ.57,500 ની કિંમતના 115 મોબાઈલ કવર સહીત રૂ. 61,500 નો મુદ્દામાલ અને ટફન વાલા મોબાઇલ દુકાનમાંથી કવર સહીત રૂ.46,500 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે એપલ કંપનીના ડુપ્લીકેટ એસેસરીઝનો રૂ. 5,05,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.



એ ડીવિઝન પોલીસની ટીમેં ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતા જય બાલાજી મોબાઇલ એસેસરીઝના સંચાલક આકાશ રામભાઈ તલરેજ (ઉવ 34 રહે સાધુવાસવાણી કુંજ રોડ, શિવમ પાર્ક શેરી નં.-1, રાજકોટ), મહાદેવ મોબાઇલ કવર હાઉસના સંચાલક ભાવારામ ખુમારામ ચૌધરી (ઉવ 33 હાલ રહે. શેરી નંબર 21, કરણપરા મેન રોડ, રાજકોટ), કવર ઝોનના સંચાલક પ્રેમલ કિશોરભાઈ રાચ્છ (ઉવ 41 રહે. લક્ષ્મીવાડી શેરી નં.- 19, મિલપરા રોડ,રાજકોટ), ટફન ઝોનના સંચાલક રામભાઈ રણછોડભાઈ ડાંગર (ઉવ 37 રહે. ગોપાલ ચોક, પટેલ પાર્ક, મકાન નં.- 13, રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે, રાજકોટ) અને ટફન વાલા મોબાઇલ એસેસરીઝના સંચાલક હર્ષભાઈ અજયભાઈ કિલજી (ઉવ 24 રહે. સ્વાતિ પાર્ક, કોઠારીયા રોડ, રાજકોટ) વિરુદ્ધ કોપીરાઇટ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ઝડપાયેલ પાંચેય વેપારીઓએ આ તમામ ડુપ્લીકેટ માલ દિલ્હી અને મુંબઈથી મંગાવ્યાનું જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application