સિક્કામાં ટ્યુશન ક્લાસ ચલાવતા બે શિક્ષક સામે ફરિયાદ

  • April 14, 2021 08:57 PM 

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરીને જાહેરનામાનો ભંગ કર્યો

જામનગર નજીક સિક્કા પંચવટી કોલોનીમા હાલમાં જાહેરનામું અમલમાં હોવા છતાં ટ્યુશન ક્લાસ ચલાવી માસ નહીં પહેરી તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરીને નિયમનો ભંગ કરવા સબબ બે શિક્ષક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સિક્કા ગામમાં દરગાહ પાછળ રહેતા શિક્ષક આશિષપુરી હંસરાજપુરી ગોસ્વામી અને સિક્કાની શ્રીજી સોસાયટી વિસ્તારમાં આવેલ તિરૂપતિ પાર્ક કોલોની પાસે રહેતા શિક્ષક મિલન ત્રિભુવનભાઈ ચૌહાણ આ બંને સિક્કાની પંચવટી કોલોની ભગવતી રોડ પર પોતાના ઓમ ક્લાસીસ નામનું ટ્યુશન ક્લાસ ચલાવીને વિદ્યાર્થીઓને બોલાવી અરસ-પરસ બેઠાડી મોઢે માસ બાંધ્યા વગર તેમજ કોરોના વાયરસનો ફેલાવો થઇ શકે તેવી બેદરકારી દાખવી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો તેમજ સક્ષમ અધિકારીની મંજૂરી વગર ખુલ્લું રાખીને જાહેરનામાનો ભંગ કર્યો હતો.

આથી સિક્કા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હરિહરભાઈ પાંડવ દ્વારા આશિષપુરી અને મિલન નામના બે શિક્ષકો વિરૂધ્ધ આઈપીસી કલમ 269, 188 તથા ધ એપિડેમિક ડિસીઝ એકટ 1897 ની કલમ તેમજ ગુજરાત એપિડેમિક રેગ્યુલેશન 2020 ની કલમ અનુસાર ફરિયાદ નોંધાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોનાના કેસ બેફામ રીતે વધ્યા છે અને સરકાર દ્વારા આ અંગેની ગાઈડલાઈન તેમજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અત્રે એ પણ નોંધનીય છે કે તાજેતરમાં જામનગર શહેરમાં બે ટ્યુશન ક્લાસ ચાલતા હોવાની વિગતો મળતા વિદ્યાર્થી સંગઠન દ્વારા આ અંગે સ્થળ પર જઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS