જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા યુવાને પોતાના ઘરની બહાર સીસીટીવી કેમેરા લગાવતાં પાડોશી વીફર્યા

  • March 18, 2024 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાડોશી મકાન માલિક અને તેના સાગરીતે હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યા ની પોલીસ ફરિયાદ
જામનગર માં મયુર નગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે સીસીટીવી કેમેરા લગાવવા બાબતે તકરાર થઈ હતી, અને એક પાડોશી ઉપર બે શખ્સો એ હુમલો કરી ફેક્ચર કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા નિખિલ હરેશભાઈ સવનિયા નામના ૩૨ વર્ષના પ્રજાપતિ યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ફેક્ચર કરી નાખવા અંગે પાડોશમાં રહેતા જયેન્દ્રસિંહ તેમજ તેના સાગરીગ ભીખુભાઈ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મકાનમાલિક નિખિલભાઇ કે જાણે પોતાના મકાનની આજુબાજુની દેખરેખ થઈ શકે તેના અનુસંધાને પોતાના મકાનની બહાર સીસીટીવી કેમેરા લગાવ્યા હતા, જે પડોશી આરોપીને પસંદ નહીં પડતાં ઉશ્કેરાઈ જઇ આ હુમલો કર્યાની અને ફ્રેકચર કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
***
ખંભાળિયામાં વીજ કંપનીનું કામ અટકાવતા પિતા-પુત્રો સામે ફરિયાદ: ફરજમાં રુકાવટ અંગેનો ગુનો નોંધાયો
ખંભાળિયા તાલુકાના કોલવા ગામના વાડી વિસ્તારમાં ચાલી રહેલી ૪૦૦ કે.વી. વિજ લાઈનની કામગીરી દરમિયાન કોલવા ગામના ખીમા પીઠા નંદાણીયા અને તેના બે પુત્રો ભરત અને મનીષ દ્વારા આ સરકારી કામગીરીમાં રૂકાવટ ઊભી કરી અને ફરજ પર રહેલા કર્મચારી એવા જામનગર તાલુકાના ગોકુલધામ સોસાયટી વિસ્તારમાં રહેતા પંકજભાઈ દલવીરસિંહ ચૌહાણ (ઉ.વ. ૨૭, મુળ રહે. હરિયાણા) ને બિભત્સ ગાળો કાઢી, ફડાકા ઝીંકી લીધા હતા.
આમ, સરકારી કામગીરીમાં ફરજમાં રૂકાવટ કરવા સબબ ખંભાળિયા પોલીસે પંકજભાઈ ચૌહાણની ફરિયાદ પરથી પિતા-પુત્રો સામે આઈપીસી કલમ ૩૩૨, ૧૮૬, ૧૫૩, ૩૨૩ તથા ૫૦૪ મુજબ ગુનો નોંધી, પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે.
***
ખંભાળિયાના પીર લાખાસરનો શખ્સ દેશી બંદૂક સાથે ઝડપાયો
ખંભાળિયામાં નવનિયુક્ત પી.આઈ. બી.જે. સરવૈયાની સૂચના મુજબ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ નટુભા જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામના પાટીયા પાસે આવેલા પાણીના ટાંકા પાસેથી પોલીસે રૂપિયા ૧,૦૦૦ ની કિંમતના દેશી હાથ બનાવટના કટ્ટા (અગ્નિ શસ્ત્ર) સાથે સુલેમાન ઉર્ફે વડો ઉઢાભાઈ દેથા નામના ૪૭ વર્ષના શખ્સને ઝડપી લઇ, તેની સામે આર્મ્સ એક્ટ એક હેઠળ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application