ગોપ પાટીયા પાસે સર્જાયેલા અકસ્માતમાં બસચાલક સામે ફરિયાદ

  • September 04, 2021 11:45 AM 

ચાલકની ધરપકડ માટે પોલીસ દ્વારા કરાતી કાર્યવાહી

લાલપુર ત્રણપાટીયા હાઈવે કરસનપર પાટીયાથી ગોપ પાટીયા વચ્ચે ખારી તળાવ સામેના રોડ પર ગઇકાલે બપોરના સુમારે ખાનગી બસ પલટી મારી જતા એક બાળકીનું મોત થયું હતું અને પંદર જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી હતી. આ બનાવમાં બસ ચાલક સામે ફરિયાદ કરવામાં આવી છે.

જામજોધપુરના ગોપ પાટિયા અને કરસનપર વચ્ચેના તળાવ સામેના રોડ પર ખાનગી બસ પલટી મારી જતાં દેકારો બોલી ગયો હતો આજુબાજુના લોકો અને પોલીસ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મદદમાં જોડાયો હતો. ઇજાગ્રસ્તોને તાબડતોબ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ક્રેનની મદદથી બસને ઉભી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરોક્ત બનાવ અંગે મધ્યપ્રદેશના કુકસી ગામના વતની અને હાલ ભાણવડના વેરાડ ગામ વાડીએ રહેતા ખેત મજુર રાજેશ ઠાકોરભાઈ ભુરીયા ઉંમર વર્ષ ૩૫ દ્વારા જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ખાનગી ટ્રાવેલ્સ બસ નંબર જીજે 03 બીવી 4567ના ચાલક સામે ફરિયાદ કરી હતી.

તેમાં જણાવ્યું હતું કે ખાનગી ટ્રાવેલ્સ સ્લીપર બસના ચાલકે પોતાની બસ પૂરઝડપે બેફિકરાઈથી ચલાવીને સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બસ પલટી મારી ગઇ હતી જેમાં ફરિયાદીની પાંચ વર્ષની પુત્રી સિયાબેન બસ નીચે દબાઇ જતા ગંભીર ઇજા થવાથી બાળાનું મૃત્યુ થયું હતું જ્યારે ફરિયાદી તથા બસમાં બેઠેલા મુસાફરોને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી અકસ્માત બાદ ચાલક બસ મૂકીને નાસી છૂટ્યો હતો. ફરિયાદના આધારે તપાસ જામજોધપુરના પીઆઇ એમ. આર. સવસેટા ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS