જી.જી.હોસ્૫િટલની દવાબારી ઉપર કર્મચારીઓનું દર્દીઓ સાથે ઉઘ્ધત વર્તનની ફરિયાદ

  • February 08, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તબીબી અધિક્ષક ડો.તિવારીએ આ અંગે યોગ્ય તપાસ કરીને ગરીબ દર્દીઓના થતા વારંવાર અપમાન અંગે તપાસ કરાવવાની જરુર: દવા લેવા આવનારને કોઇ સમજણ અપાતી નથી અને કેટલીક વખત તેમની ઉપર દવાનો ઘા કરવામાં આવતી હોવાની રાવ

જામનગરની જી.જી.હોસ્પિટલ સૌરાષ્ટ્રની મોટામાં મોટી હોસ્પિટલ ગણાય છે ત્યારે આ હોસ્પિટલ અનેક વખત વિવાદના વમણમાં આવી જાય છે, છેલ્લા કેટલાય સમયથી જામનગરની જી.જી.હોસ્પિટલ વધુને વધુ વિવાદમાં સપડાતી જાય છે, ડોકટરે લખી આપેલી દવા બારી ઉપર લેવા જાય છે ત્યારે દર્દીઓનું અનેક વખત અપમાન થતું હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે આ અંગે જી.જી.હોસ્પિટલના અધિક્ષક ડો.તિવારીએ આ અંગે તપાસ કરવાની જરુર છે, અવારનવાર તોછડા વર્તનથી દર્દીઓ પણ ગભરાઇ જાય છે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં સગવડતા સારી છે, એકસ-રે અને સોનોગ્રાફી પણ વિનામૂલ્યે થાય છે અને મોટામાં મોટી સર્જરી પણ વિનામૂલ્યે થાય છે ત્યારે ગરીબ લોકો માટે આશિર્વાદ સમાન જી.જી.હોસ્પિટલની દવા બારી કહી શકાય, કારણ કે બ્લડ પ્રેશર, પેટના દુ:ખાવા, તાવ, શરદીની દવા લોકોને વિનામૂલ્યે મળે છે, પરંતુ અહીંયા એક મોટો પ્રોબ્લેમ એ છે કે, દવા બારી ઉપર કેટલાક કર્મચારીઓ એટલા બધા પેધી ગયા છે કે તેઓ અવારનવાર ગરીબ દર્દીઓનું સરેઆમ અપમાન કરે છે.
ગામડામાંથી આવતા દર્દીઓને ડોકટરોએ લખી દીધેલી દવા કેવી રીતે ખાવી તે અંગેની બહુ સમજણ હોતી નથી અને જો દર્દીઓ સાહેબ, સાહેબ કરીને એમ કહે કે આ દવા કેવી રીતે ખાવી તે કહો પરંતુ આ પેધી ગયેલા કર્મચારીઓ દવા બારીમાંથી દવાનો રિતસરનો ઘા કરે છે, એટલું જ નહીં એ એવી સલાહ આપે છે કે જે ડોકટરે તમને દવા લખી દીધી હોય ત્યાં જાવ, રુપિયા ન હોવાના કારણે દર્દીની પણ મજબુરી છે અને એ ડોકટર પાસે જાય છે ત્યાં પણ લાઇનમાં ઉભું રહેવું પડે છે, ડોકટર પાસેથી પાછા આવે ત્યાં પણ દવા બારી પર લાઇન હોય છે એટલે દર્દીની દોઢ થી બે કલાક બગડતી હોય છે.
ડોકટરો અને દવા આપનારને દર્દીઓ ભગવાન સમજતા હોય છે, કેટલીક ઉમરવાળી વ્યકિતઓ દવા બારી પર જાય છે ત્યારે દવા વિશે કંઇક પુછે તો તરત જ આ દર્દીને ઉઘ્ધતાઇથી રોકડુ પરખાવાતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. એક તરફ સરકાર આયુષ્યમાન કાર્ડમાં રુા.૧૦ લાખ સુધીની દવા અને ઓપરેશન વિનામૂલ્યે કરી આપે છે પરંતુ સારી સગવડો મળતી હોવા છતાં પણ કયારેક કેસ બારી તો કયારેક દવા બારી ઉપરથી જે રીતે દર્દીઓના અવારનવાર અપમાન થાય છે અને એવું પણ કહે છે કે તમારે દવા લેવી હોય તો લો નહીંતર સામેના સ્ટોરમાંથી દવા મળી જશે. જો દર્દી પાસે એટલા બધા રુપિયા હોય તો શા માટે તે જી.જી.હોસ્પિટલમાં દવા માટે આવે ? ખેર આવા કેટલાક પેધી ગયેલા કર્મચારીઓને હવે સબક શીખડાવાની જરુર છે તેવી દર્દીઓમાં બોલાઇ રહ્યું છે, આ પ્રશ્ર્નને ગંભીરતાપૂર્વક લઇને દવા બારી ઉપર ઓચીંતુ ચેકીંગ કરવામાં આવે તો દર્દીઓના થતાં અપમાન અંગે સતાધીશો જાણી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application