રાજકોટમાં ફ્ક્ત સ્ટેટ કે નેશનલ પ્લેયર નહીં પરંતુ ઓલમ્પિક્સ અને કોમનવેલ્થ જેવી ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ માટેના પ્લેયર્સને તાલિમ મળી રહે તે માટે દક્ષિણ રાજકોટમાં વોર્ડ નં.૧૭ના જૂના પારડી રોડ ( બોલબાલા માર્ગ) ઉપર રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ નજીકના પ્લોટમાં વિશાળ આંતરરાષ્ટ્રીય કક્ષાની ડિઝાઇન સાથેના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સની ડિઝાઇન પણ રમત ગમત ક્ષેત્રે જોડાયેલા ૨૧ અનુભવી ખેલાડીઓ સાથે વિસ્તૃત ચર્ચા બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાની તૈયાર કરવામાં આવી છે. મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ તાજેતરમાં પોતાના આ ડ્રીમ પ્રોજેક્ટની સાઇટ વિઝિટ કરી હતી અને નિર્માણકાર્યમાં કોઇ પણ કચાશ ન રહે તે જોવા ઇજનેરો અને એજન્સીને આદેશ કર્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારના શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫–૨૬ અન્વયે વોર્ડ નં.૧૭ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો આત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નિર્માણ પામી રહ્યો છે. ઓલમ્પિક્સ તથા કોમનવેલ્થ ગેમ્સમાં ભારત વધુ મેડલ્સ જીતે છે તેવી રમતોને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની ડિઝાઇન અને સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. રમતગમત ક્ષેત્રે જોડાયેલા ૨૧ અનુભવી ખેલાડીઓ તથા પ્રતિભાઓ સાથે વિસ્તૃત ચર્ચા બાદ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની આંતરરાષ્ટ્રીય કક્ષાની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
આ કોમ્પ્લેક્ષ પૂર્ણ થયા બાદ રાજકોટ સહીત સૌરાષ્ટ્રના ખેલાડીઓને ઉચ્ચ કક્ષાની તાલીમ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પર્ધાત્મક વાતાવરણ ઉપલબ્ધ થશે, જેના પરિણામે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નવી રમતગમત પ્રતિભાઓ વિકસવા માટે સકારાત્મક માહોલ સર્જાશે. આ ઉપરાંત રાજકોટ શહેરના વોર્ડ નં. ૧૩, ૧૪, ૧૬, ૧૭ અને ૧૮ સહિત આસપાસના વિસ્તારમાં વસતા અંદાજે ૩.૫ થી ૪ લાખ નાગરિકોને રમતગમતની સુવિધાનો સીધો લાભ મળશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દ્વારા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં રમતગમત સંસ્કૃતિને વેગ મળશે તેમજ યુવાનોને આરોગ્યપ્રદ અને સક્રિય જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહન મળશે.
બાંધકામની પ્રગતિ અને ગુણવત્તા અંગે મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું, સમીક્ષા મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ કમિશનર સાથે સંબંધિત વિભાગોના અધિકારીઓ, ઇજનેરો તેમજ પ્રોજેક્ટ અમલવારી કરતી એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનરએ એજન્સીના પ્રતિનિધિ પાસેથી બાંધકામની હાલની સ્થિતિ, તબક્કાવાર કામગીરી, ટેકનિકલ પાસાં, બાંધકામ સામગ્રી, ગુણવત્તા નિયંત્રણ પ્રક્રિયા તથા આગામી કાર્યયોજનાની વિસ્તૃત માહિતી મેળવી હતી. કમિશનરએ ગુણવત્તા બાબતે કોઈપણ પ્રકારની બાંધછોડ ન થાય તે હેતુસર સ્ટ્રક્ચરલ મજબૂતી, કૉંક્રીટ તથા અન્ય બાંધકામ સામગ્રીની ગુણવત્તા, સુરક્ષા વ્યવસ્થાઓ અંગે રૂબરૂ નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ અને એજન્સીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
નિર્માણાધિન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની વિશેષતાઓ
· મિનિ ફૂટબોલ, હેન્ડ બોલ અને નેટ બોલ માટે ૩૨૦૧ ચો.મી. વિસ્તારનું કોર્ટ
· ગ્રાઉન્ડ ફ્લોર પર ૪૦૫૧ સ્ક્વે. મી. વિસ્તારમાં કબડ્ડી, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન માટે ઓલમ્પિક કક્ષાના કોર્ટ
· આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ ૬ બેડમિન્ટન કોર્ટ અને ૬ ટેબલ ટેનિસ કોર્ટ
· સૌરાષ્ટ્રનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્તરનો સ્કેટિંગ ટ્રેક
· ખેલાડીઓ માટે ખાસ જિમ, ફિઝિયોથેરપી ફેસિલિટી, ગાર્ડન અને યોગા કેન્દ્ર
· ચેન્જિંગ રૂમ, વોર્મ-અપ જિમ અને લોકર સુવિધાઓ – ડિજિટલ એક્સેસ ટેકનોલોજીનો ઉપયોગ
· પ્રથમ માળ પર સૌરાષ્ટ્રમાં પ્રથમવાર કોમ્બેટ સ્પોર્ટ્સ માટે વિશેષ એરેના
o બોક્સિંગ, જુડો, ટેકવાન્ડો, રેસ્લિંગ સહિતની રમતો માટે
o ૪૦૫૧ સ્ક્વે. મી. વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની રિંગ