દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 18થી 44 વર્ષના લોકો માટે રસીકરણનો પ્રારંભ

  • June 04, 2021 10:59 AM 

કોરોના સામેની લડત વધુ તેજ: જુદા જુદા આરોગ્ય કેન્દ્ર પર 18 વર્ષ ઉપરના લોકોને આપવામાં આવશે કોરોના વિરોધી રસી

કોરોના વાયરસ મહામારીની બીજી લહેર અનેક પરિવારો માટે ભારે ઘાતક સાબિત થઈ છે. આ વચ્ચે સરકાર દ્વારા વિવિધ પ્રકારના સાવચેતીના પગલાઓ સાથે લોકોને કોરોનાની રસી આપવા માટે સધન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આ અંતર્ગત સમગ્ર દેશ અને રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા ઘણા સમયથી લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. ગઈકાલ સુધી જિલ્લાના 45 વર્ષથી વધુની વયના લોકોને કોરોના વેકસીન આપવામાં આવતી હતી. પરંતુ ગત સાંજે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ અન્ય જિલ્લાઓ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ 18 થી 44 વર્ષના લોકોને પણ હવે કોરોના વેક્સિન આપવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વેક્સિનેશનનો મહત્તમ પ્રમાણમાં લોકોને લાભ મળે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા સાથે ખંભાળિયાના આરોગ્ય અધિકારી ડો. મેહુલ જેઠવા દ્વારા આ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

જેમાં આજરોજ શુક્રવારથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા નિયત કરવામાં આવેલા રસીકરણ કેન્દ્ર ખાતે 18 થી 44 વર્ષની વય જૂથના નાગરિકોને કોવિડ વેક્સિન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ઉપરોક્ત વયજૂથના નાગરિકોએ http://cowin.gov.in અથવા http://aarogyasetu.gov.in સાઈટ ઉપરથી પોતાના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ નિયત દિવસે પસંદગી મુજબના સેશનમાં અપોઈન્ટમેન્ટ લઈ અને લાભાર્થી પોતાના રજિસ્ટ્રેશનમાં દર્શાવાયેલા આઈ-કાર્ડ તથા મોબાઈલમાં આવેલા ઓટીપી નંબર સાથે રસી મુકાવી શકશે.

હાલ જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલી જિલ્લાની સિવિલ હોસ્પિટલ, નગર ગેઈટ વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર સહિતના જિલ્લામાં જુદા-જુદા નિયત કરાયેલા 15 સેન્ટર પર કોરોના વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ ત્રીજી લહેર વધુ ઘાતક સાબિત ન થાય તે માટે મહત્તમ સંખ્યામાં લોકોએ કોરોના વેક્સિન લઈ અને રક્ષિત બનવા આરોગ્યતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS