દ્વારકાપીઠના જગત ગુરુ શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજીના જન્મોત્સવનો પ્રારંભ

  • September 01, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાદૂકા પૂજન, શાસ્ત્રોક્ત વિધિ સહિતના ધાર્મિક કાર્યક્રમ: દેશભરમાંથી સાધુ-સંતોની ઉપસ્થિતિ: અનેક કાર્યક્રમોનું આયોજન

દ્વારકા પીઠના શંકરાચાર્યજી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ જગત ગુરુ શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજીનો આજે જન્મદિવસ છે ત્યારે આ પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો આજ સવારથી જ શરુ થઈ ગયાં હતાં.
જગત ગુરુ શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજીના જન્મોત્સવ પ્રસંગે ભગવાન દ્વારકાધીશજીને ધ્વજા રોહણ, પાદૂકા પૂજન અને શાસ્ત્રોક્ત વિધિ પણ કરવામાં આવી હતી અને શારદાપીઠને અનેરા વાઘા પહેરાવવામાં આવ્યા હતાં. આ સમયે બહોળી સંખ્યામાં ભકતજનો જોડાયા હતાં. ઉપરાંત ભાવિકો માટે ભોજન-પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજ સવારના ૮:૩૦ વાગ્યાથી શારદાપીઠમાં સંતોનો જમાવડો થયો હતો, અનેક ગામોમાંથી સાધુ-સંતોનું આગમન થયું હતું અને આખો દિવસ કાર્યક્રમ ચાલશે. બપોર બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવનાર છે ત્યારે તેમનું પ્રવચન અને શંકરાચાર્યજીની આશીર્વચન પણ અપાશે. તેમની વાણીને સાંભળવા માટે ગુજરાતભરમાંથી અનેક લોકો એકઠાં થયાં છે.
પૂ. સદાનંદ સરસ્વતીજી મહારાજના સાનિધ્યમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શંકરાચાર્યજીના નજીકના એવા બ્રહ્મચારીજી મહારાજ, કૅબિનેટ મંત્રી મુળૂભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, રિલાયન્સના અને દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણી, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા સહિતના અગ્રણીઓ તેમજ અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહે તેવું જાણવા મળે છે.
શંકરાચાર્યજીના જન્મોત્સવને ધ્યાને લઈ રિલાયન્સ દ્વારા પરિમલભાઈ નથવાણી અને ધનરાજભાઈ નથવાણીના સહયોગથી સમગ્ર શારદા પીઠ પરિસરને લાઈટીંગથી શણગારવામાં આવ્યું હતું સાંસદ બાબુભાઈ દેસાઈ શંકરાચાર્યજીના દર્શન કરશે અને પૂજન વિધિનો કાર્યક્રમ યોજાયા હતાં.
બપોરે ૪ વાગ્યા બાદ શ્રી સનાતન સેવા મંડળના પંડાલમાં પૂ.મહારાજનું સ્વાગત, વંદન, અભિનંદન સમારોહ યોજાશે તેમજ પૂ. મહારાજશ્રીના આશીર્વચન તેમજ દેશ-વિદેશથી આવેલા ગુરુભકતો અને સંતો-મહંતોનું સ્વાગત કરાશે, અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. યજમાન બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા કલેકટર અશોક શાહ, એસડીએમ પાર્થ તલસાણિયા, પાર્થ કોટડિયા સહિતના અધિકારીઓ પણ સાથે રહ્યાં છે. મુખ્યમંત્રી આવનાર હોય ડીઆઈજી અશોક યાદવ, જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડેય, ડીવાયએસપી સમીર સારડા સહિતના અધિકારીઓ પણ પોલીસ બંદોબસ્ત જાળવી રહ્યાં છે. આમ શંકરાચાર્યજીના જન્મદિવસ નિમિત્તે દ્વારકામાં હરખની હેલી ઉમટી પડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application