દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોર્ડની રીપીટર પરીક્ષાનો પ્રારંભ: શિક્ષણતંત્ર દ્વારા સઘન પગલાં લેવાયા

  • July 15, 2021 10:34 AM 

સી.સી. ટીવી સજ્જ તમામ પરીક્ષા કેન્દ્રો અને સેનેટાઈઝડ કરાયા

    રાજ્યમાં તારીખ 15 થી તારીખ 28મી જુલાઈ સુધી બોર્ડની શરૂ થતી રીપીટર પરીક્ષાઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આજરોજ ગુરૂવારથી શરૂ થઈ છે. આ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ તંત્ર તમામ તૈયારીઓ સાથે સજ્જ બન્યું છે.

    ધોરણ 10 તથા ધોરણ 12 ની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે રીપીટર પરીક્ષા તારીખ 15 થી તારીખ 28 જુલાઈ સુધી યોજાઈ છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 10 માટે 3,500 તથા ધોરણ 12 માટે 1,200 રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ માટે જિલ્લાના જુદા જુદા તાલુકા મથક તેમજ અને પરીક્ષા કેન્દ્રોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે શિક્ષણ તંત્ર દ્વારા સઘન પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રોને આજરોજ સેનેટાઈઝડ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

      જિલ્લામાં ધોરણ 12 ની રીપીટર પરીક્ષામાં સામાન્ય પ્રવાહ માટે આઠ તથા વિજ્ઞાન પ્રવાહ માટે એક મળી ખંભાળિયા તાલુકામાં કુલ નવ કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. આ જ રીતે ધો. 10 ની પરીક્ષા માટે ખંભાળિયામાં 7 , ભાણવડમાં 4, દ્વારકામાં 2, મીઠાપુર અને ભાટીયામાં 3, કલ્યાણપુરમાં 2 અને વાડીનારમાં એક મળી કુલ 22 કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે.

    આ તમામ પરીક્ષા કેન્દ્રોનું સીસીટીવી કેમેરા મારફતે મોનીટરીંગ કરવામાં આવશે. આટલું જ નહીં, દરેક કેન્દ્ર પર વર્ગ-એક તથા બે ના અધિકારીઓને ખાસ ફરજ સોંપવામાં આવનાર હોવાનું પણ જાણવા મળેલ છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રના સ્થળે પરીક્ષા દરમિયાન વીજ વિક્ષેપ ન સર્જાય તે માટે પીજીવીસીએલ સત્તાવાળાઓને પણ ખાસ તાકીદ કરવામાં આવી છે.

     અહીંના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એચ. વાઢેરના માર્ગદર્શન હેઠળ રીપીટર પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે યોજાય અને ગેરરીતિ ન થાય તે માટે ખાસ તકેદારી રાખી, કોરોનાની ગાઈડ લાઈનનો પણ ચુસ્ત રીતે પાલન કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS