જામનગર સહિત સમગ્ર હાલારમાં ઠંડીએ જોર પકડયું છે અને સમગ્ર હાલાર કોલ્ડવેવમાં ફેરવાઇ ગયું છે, જયાં જુઓ ત્યાં ટાઢ હી ટાઢ જોવા મળે છે, ખાસ કરીને ગામડાનું જીવન અસ્ત-વ્યસ્ત બની ગયું છે, જામનગરનું તાપમાન ૧૦.૨ ડીગ્રીએ પહોંચી ગયું છે, ગઇકાલે હવામાનમાં થોડો પલ્ટો આવ્યો હતો અને ૩૦ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા હાલારમાં ટાઢોડાનો માહોલ થઇ ગયો હતો અને ગામડાઓમાં પણ બજારો વ્હેલી બંધ થઇ ગઇ હતી. ગીરનાર અને નલીયામાં ગઇકાલે ૬ ડીગ્રીએ પહોંચી ગયું હતું. પશુ-પંખીઓને પણ ઠંડી લાગી છે ત્યારે મકરસંક્રાંતિના આગલા દિવસે આટલી ઠંડી પડતી નથી.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૦.૨ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૩૦ કિ.મીની ઝડપે રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ ગઇ હતી, વાહન વ્યવહારને પણ ભારે અસર પડી છે, જનજીવન જાણે કે ઠપ્પ થઇ ગયું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું છે, કાતીલ ઠંડીને કારણે જામનગર સહિત ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શરૂ થયા છે.
આજે સવારે ૩૦ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો, જેને કારણે જનજીવન પર ભારે અસર થઇ હતી, બસ અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટી હતી, ગામડામાં ટાઢોડાને કારણે જનજીવન પર ભારે અસર થઇ છે, રોગચાળો પણ ધીરે-ધીરે વધતો જાય છે, આગામી દિવસોમાં પણ ઠંડી હાલારમાં અડીંગો જમાવશે.
જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા અઠવાડીયાથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, ચારેકોર ટાઢ હી ટાઢ જોવા મળે છે, બપોરના ભાગમાં પણ ઠંડી જોવા મળે છે ત્યારે જનજીવન પર ભારે અસર થઇ છે, બહારગામથી જામનગર હટાણુ કરવા આવતા લોકોની સંખ્યા પણ ઘટી ગઇ છે, વ્હેલી સવારના એસ.ટી. અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટી છે. રાજસ્થાન તેમજ જમ્મુ-કાશ્મીર, હીમાચલ પ્રદેશમાં બરફની વર્ષા થઇ રહી છે તેની અસર ગુજરાત ઉપર જોવા મળી છે.
ગામડાઓમાં છેલ્લા એક અઠવાડીયાથી ઠંડીની ભારે અસર પડી છે અને લોકો ગરમ કપડામાં જોવા મળ્યા હતાં ત્યારે આવનારા દિવસોમાં વધુ ઠંડી પડવાને કારણે શિયાળુ પાકમાં પણ સારી એવી અસર થશે તેવું લાગી રહ્યું છે. ખરેખર તો આ વખતે ખાસ કોઇ ઠંડી પડી નથી, સામાન્ય રીતે ૧૪ જાન્યુઆરી બાદ ઠંડી ઘટતી જાય છે પણ હવામાન ખાતુ કહે છે કે, તા.૨૪ સુધી ઠંડી રહેશે અને વચ્ચે એકાદ-બે દિવસ તાપમાનમાં એક-બે ડીગ્રીનો વધારો થશે.