BREAKING NEWS

રાજકોટ સહિત રાજ્યમાં આકરી ગરમી વચ્ચે સવારે આકાશમાં વાદળો દેખાયા

  • May 23, 2026 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઉનાળાએ આકરો મિજાજ ધારણ કર્યો છે. રાજકોટમાં આજે મહત્તમ તાપમાન 42.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે વહેલી સવારે લઘુતમ તાપમાન 27 ડિગ્રી નોંધાવા સાથે દિવસભર ગરમી અને ઉકળાટનો અનુભવ થયો હતો. આજે આકાશમાં વાદળોની હાજરી વચ્ચે સવારે 8:30 વાગ્યે તાપમાન 31.4 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 65 ટકા અને પવનની સરેરાશ ગતિ 12 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો પારો સતત ઉંચકાતો રહ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ 43.8 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. ત્યારબાદ અમદાવાદમાં 43.3, ગાંધીનગરમાં 43, રાજકોટમાં 42.9, અમરેલીમાં 42.3, ડીસામાં 41.6, વડોદરામાં 41.4, ભુજમાં 40.5, કંડલામાં 40 તથા ભાવનગરમાં 38.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 43 થી 45 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય અને લોકોને બપોરના સમયે બહાર નીકળતી વખતે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. સતત વધી રહેલી ગરમીને કારણે બપોરના સમયે રસ્તાઓ ઉપર અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application