BREAKING NEWS

ઉત્તરાખંડમાં અને હિમાચલમાં વાદળ ફાટતા તબાહી: 9 લોકોનાં મોત, 100 રસ્તાઓ બંધ; અનેક ગામોનો સંપર્ક તૂટ્યો

  • July 03, 2026 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરાખંડમાં અને હિમાચલમાં ચોમાસાનું આગમન આફત સાથે થયું છે. શિમલા, કાંગડા, લાહૌલ-સ્પિતિ ચંબા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ, ભૂ સ્ખલન, પૂર, સહિતની વિવિધ ઘટનાઓમાં ૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રોહતાંગ, બરાલાચા અને શિંકુલા પાસ પર હળવી હિમવર્ષા થઈ, સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 100 રસ્તાઓ બંધ થઈ ગયા છે, જ્યારે 42 ખામીયુક્ત ટ્રાન્સફોર્મરને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

ઉત્તરાખંડમાં મુશ્કેલીનો માહોલ શરૂ થયો છે. વરસાદને કારણે રાજ્યના લગભગ સો રસ્તાઓ બંધ થઈ ગયા છે અને બે ઘરો ધરાશાયી થઈ ગયા છે. બદ્રીનાથ-કેદારનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કલાકો સુધી બંધ રહ્યો હતો, જેના કારણે હજારો લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સરહદી વિસ્તારોમાં ભૂસ્ખલન અને ખડકો પડવાના જોખમને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રાઓને આગામી સૂચના સુધી સ્થગિત કરી દીધી છે. પરિણામે, હાલ માટે ઇનર લાઇન પરમિટ જારી કરવામાં આવશે નહીં.


હવામાન કેન્દ્રે શુક્રવારે નૈનિતાલ અને બાગેશ્વરમાં ભારે વરસાદની આગાહી કરી છે. દહેરાદૂન, ટિહરી, પૌરી, ચમોલી, ઉત્તરકાશી અને રુદ્રપ્રયાગના અલગ અલગ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં બુધવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું સત્તાવાર આગમન થયું, પરંતુ ચોમાસાના પ્રથમ જ દિવસે અનેક વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટનાઓ અને અચાનક આવેલા પૂરના કારણે વ્યાપક નુકસાન સર્જાયું. ડોડા, કિશ્તવાડ, બાંદીપોરા, અનંતનાગ અને કારગિલ સહિત અડધા ડઝન જેટલા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું, જેના કારણે માર્ગો ધોવાઈ ગયા, અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો. સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ અનેક સ્થળોએ બચાવ અને રાહત કામગીરી ચાલુ રાખવામાં આવી છે.


જમ્મુ કાશ્મીરમાં ૨ જુલાઈ સુધીમાં ૧૧ લોકોના મોત

જમ્મુ કાશ્મીરમાં ૨ જુલાઈ સુધીમાં આપત્તિ સંબંધિત ઘટનાઓના પરિણામે ૧૧ લોકોના મોત નોંધાયા છે. આ જાનહાનિમાં કાંગડા જિલ્લામાં ચાર, શિમલામાં ત્રણ, મંડીમાં એક અને કુલ્લુ, ચંબા, લાહૌલ-સ્પિતિ અને હમીરપુરમાં એક-એક મૃત્યુનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મૃત્યુ ડૂબવાથી, વીજળી પડવાથી અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ વચ્ચે ખડકો અથવા ઝાડ પરથી અચાનક પડી જવાથી થયા છે.


અનેક સ્થળે ભૂસ્ખલન: પર્વત પરથી માટી અને પથ્થરો ધસી પડતાં હાલાકી

કઠુઆ જિલ્લામાં ભૂસ્ખલનની ઘટના પણ સામે આવી હતી. બાની-બાસોહલી માર્ગ પર ભારે વરસાદને કારણે પર્વત પરથી માટી અને પથ્થરો ધસી પડતાં રસ્તો લગભગ પાંચ કલાક સુધી બંધ રહ્યો હતો. ત્યારબાદ માર્ગ પરથી કાટમાળ દૂર કરીને વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application