ટ્રેકટર રેલી : ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, આંદોલનકારીઓએ તોડ્યા બેરીકેડ્સ, પોલીસનો લાઠીચાર્જ
ટ્રેકટર રેલી : ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, આંદોલનકારીઓએ તોડ્યા બેરીકેડ્સ, પોલીસનો લાઠીચાર્જ
January 26, 2021 11:27 AM
આજે દેશ 72મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. દિલ્હીના રાજપથ પર પરેડ ઉપરાંત આ વર્ષે લોકોની નજર દિલ્હીની સરહદે પણ છે. કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 2 મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતો આજે દિલ્હીની સરહદ આસપાસ ટ્રેકટર રેલી કરી રહ્યા છે. આ રેલીને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
કડક સુરક્ષા વ્યવસ્થા સાથે ખેડૂતોની ટ્રેકટર રેલીને પોલીસે મંજૂરી આપી હતી. પરંતુ તમામ તકેદારી રાખવા છતાં પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. ગાજીપુર બોર્ડર પર ખેડૂતોએ બેરીકેડ્સ તોડ્યા હતા ત્યારબાદ પોલીસે ટીયર ગેસ સેલ છોડવા પડ્યા હતા. આ સાથે જ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
અક્ષરધામથી પહેલા એનએચ 24 પર પોલીસે બેરીકેડ્સ મુક્યા હતા. પરંતુ કેટલાક ખેડૂતોના ટોળાએ ટ્રેકટરો સાથે બેરીકેડ્ય તોડી દિલ્હી તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ તેમને રોકવા માટે પોલીસે ટીયર ગેસ સેલ છોડ્યા હતા. પરંતુ આંદોલનકારીઓ કંટ્રોલમાં ન આવતા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ખેડૂતોને પરત ખદેડ્યા હતા.