રોડ ઉપરના દબાણો કોઈપણ સંજોગોમાં ચાલે નહિ, આવા દબાણો દૂર થવા જોઈએ

  • March 27, 2025 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં શાસ્ત્રીનગરમાં આવેલ રપ ફુટના રોડ ઉપર બેલાનું ચણતર કરી રોડ બંધ કરી દેવાયા બાબતે દબાણ દૂર કરવા રાજકોટ મહાનગરપાલીકા સામેનો દાવો સિવિલ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે.


આ કેસની હકીકત મુજબ, સંજયભાઈ હમીરભાઈ મૈયડ અને તેના ભાઈ પંકજભાઈ તથા પિતા હમીરભાઈએ રૈયાના રે.સ.નં. હેઠળના શાસ્ત્રીનગરમાં વર્ષ ૨૦૧૮માં રજિસ્ટર દસ્તાવેજથી અજય બટુક ગોહેલ પાસેથી પ્લોટ ખરીદ કર્યા બાદ તેના ઉપરનું બાંધકામ મહાનગરપાલિકા પાસેથી પરવાનગી લઈ દૂર કર્યું હતું. ત્યાર બાદ આ મિલકતની પશ્ચિમે આવેલ કંપાઉન્ડ વોલ જે વર્ષો જુની હતી, તે પડી જતાં ફરીથી રિસ્ટોર કરેલ હતી. 


દરમિયાન તેમને મહાનગરપાલિકા તરફથી બીપીએમસી એક્ટની કલમ 260 (1) હેઠળ તારીખ 1/ 11/ 2018ના રોજ નોટિસ ઉપરાંત બાંધકામ ગેરકાયદેસર હોવાની નોટિસ આપવામાં આવી હતી. આથી આ કંપાઉન્ડ વોલ તોડવામાં ન આવે તેવા મનાઈ હુકમની માંગણી કરતો દાવો અદાલત સમક્ષ દાખલ કર્યો હતો. જેની સામે રાજકોટ મહાનગરપાલિકાના ધારાશાસ્ત્રી અર્જુન પટેલ દ્વારા દાવાનો જવાબ તૈયાર કરી આ દાવો આગળ ચલાવવામાં આવેલ. 

બંને પક્ષકારના પુરાવા બાદ અદાલતે વાદીનો આ દાવો રદ કરતા ઠરાવેલ છે કે, પુરાવાના કાયદાની કલમ-૧૦૧ જે સાબિતીના બોજા અંગેની છે તેની કાનુની ચર્ચા કરી અદાલતે ઠરાવેલ કે કલમ-૨૬૦ (૧) અને ૨૬૭ હેઠળ ઇસ્યુ કરવામાં આવેલ નોટિસ ગેરકાયદેસર છે અને રાજકોટ મહાનગરપાલીકાને આવી નોટિસ ઇસ્યુ કરી વાદીએ કરેલ બાંધકામમાં દખલગીરી કરવા અધિકાર નથી, તેવું વાદીએ સાબીત કરવું જોઈએ. પરંતુ પડેલ પુરાવા ઉપરથી સ્પષ્ટપણે જણાઇ આવે છે કે દિવાલની આડમાં આ વાદીએ નવું બાંધકામ કોઈ પણ જાતની મંજુરી મેળવ્યા સિવાય કરેલ છે, જે કાયદાની દ્રષ્ટીએ ગેરકાયદેસર છે. 


આવા ગેરકાયદેસરના બાંધકામ તોડી પાડવા અને દૂર કરવા કાયદાએ ઓથોરિટીને સત્તા આપેલ છે. અદાલતે ચુકાદામાં ટકોર કરતાં એવું પણ જણાવેલ છે કે, આ વાદીએ બાંધકામ કરવા માટે કોઈ પરવાનગી રાજકોટ મહાનગરપાલિકા પાસેથી મેળવેલ નથી. તેમ છતાં તેણે કંપાઉન્ડ વોલનું બાંધકામ કરેલ છે જે ગેરકાયદેસર છે અને આવા ગેરકાયદેસર બાંધકામને અદાલતો રક્ષણ આપી શકે નહીં, રોડ ઉપરના દબાણો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને આવા દબાણો દૂર કરવા જ જોઈએ, તેમ ઠરાવી સિવિલ કોર્ટે મહાનગરપાલિકા સામે મનાઈહુકમ માગતો દાવો રદ કર્યો છે. આ કામમાં પ્રતિવાદી વિદ્વાન ધારાશાસ્ત્રી અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી, ભાર્ગવ એ.પાનસુરીયા અને આકાંક્ષા એચ. રાજદેવ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application