BREAKING NEWS

યુનિવર્સિટી કેમ્પસમાં સિટી બસે અકસ્માત સર્જી કોલેજિયન છાત્રાનો પગ કચડી નાખ્યો

  • April 30, 2026 09:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના રાજમાર્ગી પર ચાલતી સિટી બસના ચાલકો બેદરકારીપૂર્વક વાહન ચલાવતા હોવાની ફરિયાદો વારંવાર ઊઠતી રહે છે. ત્યારે સિટી બસના ચાલકે અકસ્માત સર્જયાની વધુ એક ઘટના સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સિટી બસના ચાલકે રોંગ સાઈડમાં બસ ચલાવી અકસ્માત સર્જ્યો હતો. જેમાં મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીના પગ પરથી બસનું ટાયર ફરી વળતા તેણીને પગમાં સર્જરી કરાવી પડી હતી. બનાવ અંગે વિદ્યાર્થિનીની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે સિટી બસના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, એરપોર્ટ ફાટકની બાજુમાં ચિંતામણી શ્રી સદગુરુ આશીર્વાદ પાર્ક બ્લોક નંબર ૨૦ માં રહેતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એ. સાઈકોલોજી સેમેસ્ટર ૨ માં અભ્યાસ કરનાર ઈશિતા કમલેશભાઈ ગઢેચા (ઉ.વ.૨૧) નામની વિદ્યાર્થિનીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે સીટી બસ રૂટ નંબર ૬૬-૧/ઈ. બસ નંબર જજે ૩ બીઝેડ ૪૦૭૧ ના ચાલકનું નામ આપ્યું છે. કોલેજીયન છાત્રાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા. ૬/૪ ના સાંજના પાંચ વાગ્યે તે તથા તેની સહેલી પ્રિયંકા બંને કલાસ પૂરો કરી પાર્કિંગમાં રાખેલું પોતાનું ઈ સ્કૂટર લઇ ઘરે જવા માટે નીકળ્યા હતા. અહીં પુનિવર્સિટી કેમ્પસમાં આંકડાશાસ્ત્ર ભવન ચાર રસ્તા પાસે પહોંચતા સિટી બસ રોંગ સાઈડમાં ઘસી આવી હતી જેવી વિદ્યાર્થિનીએ પોતાનું વાહન સાઈટમાં ઊભું રાખી દીધું હતું તેમ છતાં બસના ચાલકે અકસ્માત સર્જી વિદ્યાર્થિનીના પગ પરથી બસનું ટાયર ચડાવી દીધું હતું. બાદમાં ૧૦૮ મારફત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માતની આ ઘટનામાં યુવતીને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હોય અને સર્જરી કરાવી પડી હતી તેમજ તેને એક મહિના માટે બેડ રેસ્ટ કરવો પડયો હતો. તબિયતમાં સુધાર થયા બાદ તેણે આ અંગે સિટી બસના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application