જામનગર જિલ્લાના નાગરિકો ભારતીય હવામાન વિભાગ દ્વારા નિર્મિત એપ્લિકેશનનો ઉપયોગ કરીને હવામાનને લગતી તમામ જાણકારી મેળવી શકશે

  • April 25, 2024 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના નાગરિકો ભારતીય હવામાન વિભાગ દ્વારા નિર્મિત એપ્લિકેશનનો ઉપયોગ કરીને હવામાનને લગતી તમામ જાણકારી મેળવી શકશે

હીટવેવ, વીજળી, વાવઝોડા, અતિવૃષ્ટિ વગેરે કુદરતી આપત્તિ વિષે જાણકારી ઉપલબ્ધ બનશે   

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મૌસમ એપ, દામિની એપ, મેઘદૂત એગ્રો એપ અને પબ્લિક ઓબઝર્વેશન એપ જેવા હવામાન ચેતવણી અંગેની એપ્લિકેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સમગ્ર જામનગર જિલ્લાના નાગરિકો આ પ્લેટફોર્મનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ કરે તે હેતુથી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. 

(1) મૌસમ એપ:- ભારતીય હવામાન વિભાગ અને મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ દ્વારા મોબાઈલ એપ્લિકેશન આધારિત સેવાઓ માટે અત્યાધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ મૌસમ એપનુંં નિર્માણ કરવામાંં આવ્યુંં છે. આ મોબાઈલ એપ્લિકેશન્સ ગુગલ પ્લેસ્ટોર અને એપલ એપસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. યુઝર્સ વેધર ચેંજ, ફોરકાસ્ટ, રડાર દ્વારા અપલોડ કરાયેલી તસવીરો અને અગમચેતીના સંદેશા આ એપમાંથી મેળવી શકશે. મૌસમ એપ ડાઉનલોડ કરવા માટે https://play.google.com/store/apps/details?id=com.imd.masuam&hl=en&gl=US  આ લિંક પરથી ક્લિક કરીને મેળવી શકાશે. આ મોબાઇલ એપમાં 5 જેટલા ફિચર્સ સામેલ છે. 

(i) કરન્ટ વેધર:- મૌસમ એપમાંં 200 જેટલા શહેરોને આવરી લેવામાંં આવ્યા છે. જેમાં વર્તમાન તાપમાન, ભેજનુંં પ્રમાણ, પવનની ગતિ અને દિશા, સુર્યોદય- સુર્યાસ્ત અને ચંદ્રોદય અને ચંદ્રાસ્તને દિવસમાંં 8 વખત અપડેટ કરવામાં આવે છે.


(ii) નાઉકાસ્ટ:- મૌસમ એપમાંં 800 જેટલા સ્ટેશનને આવરી લેવામાંં આવ્યા છે. જેમાં રાજ્ય હવામાન વિભાગના માર્ગદર્શન હેઠળ સ્થાનિક હવામાનની જાણકારી દર ત્રણ કલાકે મળી રહે છે. 

(iii) સિટી ફોરકાસ્ટ:- આ ફિચર્સ વડે સમગ્ર ભારતના 450 જેટલા શહેરોના છેલ્લા 24 કલાક અને 7-દિવસ દરમિયાન હવામાનની આગાહી અને તેનો રેકોર્ડ તપાસી શકાય છે. 

(iv) વોર્નિંગ્સ:- હાલમાંં સમગ્ર દેશમાંં હીટવેવનો ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે મૌસમ એપ દ્વારા આગામી 5 દિવસ માટે તમામ જિલ્લાઓમાં દિવસમાં 2 વખત ચેતવણીઓ જારી કરવામાં આવે છે. નાગરિકોને સચેત કરવા માટે રેડ, ઓરેંજ અને યેલ્લો એમ 3 કલર કોડ દ્વારા મેસેજ પહોંચાડવામાંં આવે છે. રેડ ઝોન એ સૌથી ગંભીર કેટેગરી છે. જેમાંં અસરગ્રસ્ત લોકોએ તાત્કાલિક ધોરણે સારવાર મેળવવી જોઈએ. ઓરેન્જ ઝોન દરમિયાન નાગરિકોએ હીટવેવથી બચવા માટેની માર્ગદર્શિકાનુંં પાલન કરવાનુંં હોય છે. યેલ્લો ઝોન દરમિયાન નાગરિકોને હીટવેવથી બચવા માટેના મેસેજ પહોંચાડવામાંં આવે છે. 

(v) રડાર પ્રોડક્ટસ:- મૌસમ એપમાંં લેટેસ્ટ સ્ટેશન મુજબ દર 10 મિનિટે રડાર ડેટા અપડેટ કરવામાંં આવે છે.  

મૌસમ મોબાઇલ એપ્લિકેશનમાંં યુઝર ફ્રેન્ડલી ઈન્ટરફેસનો ઉપયોગ કરવામાંં આવ્યો છે. આ મોબાઈલ એપનું નિર્માણ ICRISAT ની ડિજિટલ એગ્રીકલ્ચર એન્ડ યુથ (DAY) ટીમ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજી (ITM) પૂણે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાંં આવ્યુંં છે.  

(2) દામિની એપ:- ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજી, પુણે અને મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ દ્વારા સમગ્ર દેશના વિવિધ ભાગોમાં લગભગ 48 સેન્સર સાથે લાઈટનિંગ લોકેશન નેટવર્કનું નિર્માણ કર્યું છે. જે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજી, પુણે ખાતે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સાથે જોડાયેલા છે. આ નેટવર્ક વીજળી પડવાની સંભાવના વિશે ચોક્કસ માહિતી પ્રદાન કરે છે. તેમજ થંડરસ્ટ્રોમ મૂવમેન્ટ પાથ  એટલે કે વાવાઝોડા વિષે સચોટ માહિતી આપે છે. આ એપ વીજળી/ લાઈટનિંગ સ્ટ્રાઈકનું ચોક્કસ સ્થાન, 40 ચોરસ કિલોમીટરના વિસ્તારની આસપાસ તોળાઈ રહેલી વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલ અને દિશાની માહિતી આપે છે. આ ઉપરાંત જયારે વાવાઝોડું આવે અને વીજળી પડે ત્યારે સાવચેતીના પગલાં અને અન્ય જરૂરી માહિતી પણ પુરી પાડે છે. 

દામિની એપ ડાઉનલોડ કરવા માટે https://play.google.com/store/apps/details?id=com.lightening.live.damini&hl=en&gl=US આ લિંક પરથી ક્લિક કરીને મેળવી શકાશે. 

(3) મેઘદૂત એગ્રો એપ:- મેઘદૂત મોબાઈ લ એપ્લિકેશન ખેડૂતોને હવામાનની માહિતીના આધારે પાકની સલાહ આપે છે. આ એપનું નિર્માણ ભારતીય હવામાન વિભાગ (IMD), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજી (ITM) પૂણે અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા કરવામાં આવ્યું છે. 

આ એપ્લિકેશનમાં ખેડૂતો માટે એડવાઈઝરી અંગ્રેજી અને સ્થાનિક એમ બંને ભાષાઓમાં માહિતી ઉપલબ્ધ છે. મેઘદૂત એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ ખેડૂતે તેમનો મોબાઇલ નંબર અને તેમની પસંદગીની ભાષાનો ઓપશન સિલેક્ટ કરીને સાઈન ઈન કરવાનું રહેશે. આ એપ્લિકેશનમાં એગ્રો મેટ ફિલ્ડ યુનિટ્સ (AMFU) દ્વારા દર મંગળવારે અને શુક્રવારે પાકની માહિતી, પશુધન વ્યવસ્થાપન અંગે પ્રતિ જિલ્લાવાર માહિતી આપવામાં આવે છે. તેમજ હવામાન માહિતી, પાકની વાવણી, જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ, ઈન્જેશન શેડ્યુલિંગ અને પ્રાણીઓ માટે રસીકરણ જેવી તમામ માહિતી ઉપલબ્ધ છે. 

આ ઉપરાંત મેઘદૂત એપ્લિકેશનમાં વરસાદ, તાપમાન, ભેજનું પ્રમાણ, પવનની ગતિ અને દિશાને લગતી પાંચ દિવસની માહિતી આપવામાં આવે છે. મેઘદૂત એપ https://play.google.com/store/apps/details?id=com.aas.meghdoot&hl=en&gl=US આ લિંક પરથી ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે. મેઘદૂત એપ ગુગલ પ્લેસ્ટોર અને એપલ એપસ્ટોર પર ઉપલબ્ધ છે.  

(4) પબ્લિક ઓબઝર્વેશન એપ:‌- આ એપ્લિકેશન યુઝર્સને તેમના લોકેશન મુજબ હવામાનની માહિતી પૂરી પાડે છે. યૂઝર્સ આ એપ પર પોતાનો ફીડબેક પણ આપી શકે છે. આ એપ્લિકેશન ડ્યુઅલ મોડ ધરાવે છે. પબ્લિક ઓબઝર્વેશન એપ https://play.google.com/store/apps/details?id=com.mausam.crowdsource&hl=en_IN&gl=US  આ લિંક પરથી ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે. 

જામનગર જિલ્લાના તમામ નાગરિકો આ તમામ એપ્લિકેશનનો મહત્તમ ઉપયોગ કરીને હવામાન સંબંધિત તમામ જાણકારીઓ મેળવી શકશે. તેમ મામલતદારશ્રી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.....

​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application