દ્વારકામાં નાતાલ વેકેશનમાં યાત્રીકોનો અવિરત પ્રવાહ, હોટલો ફુલ

  • December 27, 2023 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છ દિવસમાં છ લાખ લોકોએ દર્શન કર્યા: હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યુ

દ્વારકામાં કાળીયા ઠાકોરના દર્શન કરવા દર પૂનમે હજારો ભક્તો સમગ્ર દેશમાંથી દર્શનાર્થે આવતા હોય છે, માગસર સુદ પુનમનું મહત્વ ધર્મગ્રંથોમાં ખૂબ જ આંકવામાં આવ્યું છે, આ પૂનમના દિવસે નાતાલની રજાઓ હોવાથી સમગ્ર દેવભૂમિ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. શિવરાજપુર બીચ, મોમાઇ બીચ, બેટ દ્વારકા, હર્ષદ સહિતના ફરવાના સ્થળોએ સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.
હાલમાં ચાલી રહેલા ક્રિસમસના વેકેશનમાં યાત્રાધામ દ્વારકા સહેલાણીઓની પ્રથમ પસંદ બની રહયુ છે. ખાસ કરીને ગુજરાતીઓ માનીતા પ્રવાસન સ્થળ તરીકે દ્વારકાધીશન દર્શનની સાથોસાથ શીવરાજપુર બીચનો લુત્ફ ઉઠાવવા દ્વારકા પ્રવાસને પ્રાધાન્ય આપી રહ્યા છે, દ્વારકામાં છેલ્લાં છ દિવસમાં જ આશરે છ લાખ જેટલા દર્શનાર્થીઓ તથા સહેલાણીઓએ યાત્રાધામમાં દર્શન તથા પ્રવાસનનો લાભ લીધો છે. હોટલ ગેસ્ટહાઉસમાં હાઉસ ફુલના બોર્ડ જોવા મળી રહયા છે તો બજારોમાં પ્રવાસીઓની ભીડ જોતા રોનક છવાઈ હોય વેપારીઓમાં ખુશીની લહેર વ્યાપી છે.
દ્વારકા યાત્રાધામમાં કાલે માગસર પૂર્ણિમાએ ઠાકોરજીના દર્શન કરવા હજારો ભાવિકો ઉમટયા હતા. પૂનમના પાવન અવસરે હજારો ભાવિકોએ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં પાવનકારી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.વહેલી સવારથી જ છપ્પન સીડીએ સ્વર્ગ દ્વાર તેમજ મોક્ષ દ્વારથી જગતમંદિર પ્રવેશી કાળિયા ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતા. પૂનમના પવિત્ર ગોમતી સ્નાન બાદ ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળવાની પરંપરા અનુસાર વહેલી સવારથી જ હજારો ભાવિકો મંગલા દર્શને ઉમટયા હતા. સવારે શૃંગાર આરતીએ ઠાકોરજીને પીળા વાઘા અને દિવ્ય અલંકાર સાથેના વિશિષ્ટ શૃંગાર વારાદાર પુજારી પરિવાર દ્વારા કરાયા હતા જે દિવ્ય દર્શનનો લાભ હજારો ભાવિકોને પ્રાપ્ત થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, હિન્દુ ધર્મમાં પૂનમ તિથિ સુદપક્ષની ૧૫મી તિથિ હોય છે. સુદ પક્ષનો છેલ્લો દિવસ. આ દિવસે ચંદ્ર પોતાની ૧૬ કળાઓથી પૂર્ણ હોય છે. આ તિથિને ધર્મગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. તીર્થ અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતાં દાન અને ઉપવાસથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે.
સૂર્યથી ચંદ્રનું અંતર જ્યારે ૧૬૯ થી ૧૮૦ સુધી હોય છે, ત્યારે પૂર્ણિમા તિથિ આવે છે. જેના સ્વામી સ્વયં ચંદ્રદેવ જ છે. પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્ર એકદમ સામ-સામે હોય છે. આ બંને ગ્રહોની સ્થિતિથી સમસપ્તક યોગ બને છે. પૂર્ણિમાનું વિશેષ નામ સૌમ્યા છે. પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા શુભ કામનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ ગ્રંથોમાં પૂર્ણિમા તિથિની દિશા વાયવ્ય જણાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application