ભારત પાઠ ભણવવાની તૈયારીમાં, ચીનનો પાકિસ્તાનને ટેકો

  • November 30, -0001 12:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાનને પાઠ ભણાવવાની જોરદાર તૈયારી કરી રહ્યું છે ત્યારે ચીને પાકિસ્તાનને ટેકો આપ્યો છે અને તેની સાર્વભૌમત્વ અને સુરક્ષા હિતોનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ તેમના પાકિસ્તાની સમકક્ષ ઇશાક ડાર સાથે ફોન પર વાત કરી અને ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવાની અપીલ કરી.

ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, વાંગે કહ્યું કે ચીન ઘટના બાદના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને "નિષ્પક્ષ તપાસ" ને સમર્થન આપે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ કોઈપણ પક્ષના હિતમાં નથી અને તે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને નુકસાન પહોંચાડી શકે છે.

વાંગે કહ્યું, "આ સંઘર્ષ ન તો ભારત કે પાકિસ્તાનના મૂળભૂત હિતમાં છે, ન તો તે દક્ષિણ એશિયાની સ્થિરતા માટે ફાયદાકારક છે. બંને દેશોએ સંયમ રાખવો જોઈએ અને પરિસ્થિતિને શાંત કરવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ.


હુમલાખોર આતંકીઓ ચાર વખત સ્પોટ થયા

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ નજીક થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓને મોતને ઘટ ઉતારનાર આતંકીઓના જૂથને સુરક્ષાદળોએ કાશ્મીરના પહાડી જંગલમાં ચાર સ્થળે ડ્રોન દ્વારા સ્પોટ કાર્ય હોવાની માહિતી સુત્રો દ્વારા મળી છે. જોકે આ વિસ્તારમાં સ્થાનિક ભરવાડો પોતાના પશુઓ ચરાવવા જતા હોવાથી આતંકીઓ પર ડ્રોન દ્વારા હુમલો થઇ શક્યો નહોતો.


ચીની હ્યુવેઇ સેટેલાઈટ ફોનનું ટ્રેકિંગ

પહેલગામ હુમલા દરમિયાન ચીની બનાવટના હ્યુવેઇ સેટેલાઈટ ફોનનો ઉપયોગ થયો હોવાનું સુરક્ષા દળોની તપાસમાં બહાર આવ્યું છે. હુમલાના દિવસે આ સેટેલાઈટ ફોન સક્રિય હતા એવું બહાર આવ્યું છે. અને આ સેટલાઇટ ફોનનું ટ્રેકિંગ કરાઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.


પાકિસ્તાને અણુબોમ્બ ફેંકી શકતી તોપ ઉતારી

ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાને પોતાના SH-15 હોવિત્ઝર સાથે પોતાની સેનાને એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા વીડિયોમાં, પાકિસ્તાની સેનાનો કાફલો SH-15 હોવિત્ઝર સાથે જોઈ શકાય છે. જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે પાકિસ્તાની સેનાએ SH-15 હોવિત્ઝર સાથે ભારતીય સરહદની કેટલી નજીક પોતાના સૈનિકો તૈનાત કર્યા છે. પાકિસ્તાને આ હોવિત્ઝર ચીન પાસેથી ખરીદ્યું હતું. તે એક સ્વ-સંચાલિત હોવિત્ઝર છે, જે પરમાણુ ગોળા પણ છોડવામાં સક્ષમ છે.


આંતરરાષ્ટ્રીય સમુદાય ભારતના સમર્થનમાં

દરમિયાન, વિદેશ મંત્રી એસ જયશંકરે બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે ફોન પર વાત કરી અને ભારતની "આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા" નીતિનો પુનરોચ્ચાર કર્યો.પ્રધાનમંત્રી મોદી અને જયશંકરે અમેરિકા, ફ્રાન્સ, ઈરાન અને યુકે સહિત અનેક વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત કરી છે. આ બધા દેશોએ આ હુમલાની નિંદા કરી છે અને ભારત સાથે એકતા વ્યક્ત કરી છે.


મોદીએ કહ્યું પીડિતોને ન્યાય મળશે

મન કી બાત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામ હુમલા પર કડક સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે, આ હુમલો આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓની હતાશા અને કાયરતા દર્શાવે છે.તેમણે કહ્યું કે જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, યુવાનોને તકો મળી રહી હતી, ત્યારે દેશના દુશ્મનોએ ફરીથી હિંસાનો માર્ગ પસંદ કર્યો છે. પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે પીડિતોને ન્યાય મળશે અને આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application