યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના એક રિપોર્ટમાં ચીનની વધતી જતી લશ્કરી મહત્વાકાંક્ષાઓનો પર્દાફાશ થયો છે. ચીનની લશ્કરી મહત્વાકાંક્ષાઓને ગંભીર ગણાવતા આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બેઇજિંગને શસ્ત્ર નિયંત્રણ વાટાઘાટોમાં કોઈ રસ નથી. તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચીને સાયલો ફિલ્ડમાં 100થી વધુ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો (આઈસીબીએમ) તૈનાત કરી છે.
પેન્ટાગોને અગાઉ ચીનમાં નવા સાયલો ફિલ્ડનો ખુલાસો કર્યો હતો, પરંતુ મિસાઇલ તૈનાતી માટે કોઈ આંકડા આપ્યા ન હતા. તેના ડ્રાફ્ટ રિપોર્ટ મુજબ, આ મિસાઇલો મોંગોલિયન સરહદ નજીક ત્રણ નવા સાયલો ફિલ્ડમાં તૈનાત કરવામાં આવી છે. આ મિસાઇલો ઘન-ઇંધણવાળા ડીએફ-31 વર્ગની હોવાનું કહેવાય છે.
શિકાગો સ્થિત એનજીઓ બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સ અનુસાર, ચીન અન્ય પરમાણુ સશસ્ત્ર દેશોની તુલનામાં સૌથી ઝડપી દરે તેના શસ્ત્રાગારનું વિસ્તરણ અને આધુનિકીકરણ કરી રહ્યું છે. દરમિયાન, પેન્ટાગોનના તાજેતરના રિપોર્ટમાં જણાવાયું છે કે બેઇજિંગ પરમાણુ નિઃશસ્ત્રીકરણ અથવા શસ્ત્ર નિયંત્રણની વાટાઘાટોમાં કોઈ રસ દાખવતો નથી.
પેન્ટાગોનના રિપોર્ટમાં ચીન દ્વારા તૈનાત મિસાઇલોનો ઉલ્લેખ છે, જેમાં તેમના સ્થાનોનો પણ સમાવેશ થાય છે. જો કે, તેમાં લક્ષ્યનો ઉલ્લેખ નથી. આ રિપોર્ટ યુએસ કોંગ્રેસ સમક્ષ રજૂ કરવાનો છે. જોકે, આ એક ડ્રાફ્ટ રિપોર્ટ છે અને કોંગ્રેસ સમક્ષ રજૂ ન થાય ત્યાં સુધી તેમાં ફેરફાર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહી ચૂક્યા છે કે ચીન અને રશિયા સાથે પરમાણુ નિઃશસ્ત્રીકરણ તેમનું લક્ષ્ય છે. ચીને આ ડ્રાફ્ટ પેન્ટાગોન રિપોર્ટને ફગાવી દીધો છે. ચીને તેને ચીનને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે અને કહ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવા માટે જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા આ ડ્રાફ્ટ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ચીને વેનેઝુએલાના સમર્થનમાં નિવેદન જારી કર્યું છે.