ઉતરાયણ પુર્વે પતંગના કારણે અકસ્માતના બનાવો સામે આવી રહયા છે, તાજેતરમાં જ પતંગના કારણે વિજશોક લાગવાથી તરૂણના મૃત્યુનો બનાવ સામે આવ્યો હતો દરમ્યાનમાં પડાણા પાટીયા વિસ્તારમાં વિજ વાયરમાં ફસાયેલ પતંગના કારણે કરન્ટ લાગવાથી પરપ્રાંતીય ૧૦ વર્ષના માસુમનો ભોગ લેવાતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. ઉપરાંત જામનગરમાં પતંગની દોરી એક બાઇક ચાલક યુવાનના ગળાના ભાગે લાગતા લોહીલુહાણ થઇ જતા તેને તાત્કાલિક અસરથી જી.જી. હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો.
લાલપુરના પડાણા પાટીયા પાસે રહેતા મુળ એમપીના વતની મજુરીકામ કરા કમજીભાઇ અદુભાઇ બારીયાનો ૧૦ વર્ષનો પુત્ર રોહીત તા. ૧ના રોજ સવારના અરસામાં પડાણા પાટીયા પાસે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાડી રહયો હતો, જમીન ભીની હતી ખુલ્લા પગે હતો દરમ્યાનમાં પતંગ ઉપરથી પસાર થઇ રહેલી વિજલાઇનમાં ફસાઇ જતા અને અચાનક વિજ કરન્ટ લાગવાથી બેભાન થઇ ગયો હતો, આથી બાળકને સારવાર અર્થે સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ બનાવ અંગે બાળકના પિતા કમજીભાઇ દ્વારા મેઘપર પોલીસમાં જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બીજા બનાવમાં જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતો સમીરભાઇ નામનો યુવાન શનિવારે પોતાનું બાઈક લઈને દિગજામ સર્કલ થઈને આંબેડકર બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન એકાએક પતંગની દોરી તેના ગળામાં વીંટળાઈ ગઈ હતી, ગળાના ભાગે ઇજા થતા લોહીલુહાળ હાલતમાં ૧૦૮ મારફત તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, ત્યાં તબીબો દ્વારા તેની તાકીદની સારવાર કરવામાં આવી હતી.