દ્વારકામાં શિવરાજપુર બિચની મુલાકાત લઈ, વિકાસ કાર્યોની સમીક્ષા કરતા મુખ્‍યમંત્રી

  • July 22, 2021 10:50 AM 

શિવરાજપુર બિચનું ઓગષ્‍ટ માસથી રૂા. 80 કરોડના ખર્ચે ફેઇઝ-2 નું કામ શરૂ કરાશે

    ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે બુધવારે દ્વારકા સુવિખ્યાત બનેલા શિવરાજપુર બિચની મુલાકાત લઇને ત્‍યાં થઇ રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરતા જણાવ્‍યું હતું કે રાજય સરકારે સમુદ્ર, વન, પહાડો, રણ તથા પવિત્ર દેવસ્‍થાનોનો સર્વાંગી વિકાસ કર્યો છે. જેના થકી પ્રવાસન ક્ષેત્રે ગુજરાત આજે હરણફાળ ભરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બ્‍લુ ફલેગનો દરજજો પામેલ શિવરાજપુર બિચનો અત્‍યાધુનિક સુવિધાઓ થકી વિકાસ કરવામાં આવશે. જે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બની રહેશે અને દ્વારકા મંદિરે દર્શનાર્થે આવતા લાખો શ્રધ્‍ધાળુઓને પણ આ બિચનો વિશેષ લાભ મળશે.

    મુખ્‍યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્‍યું હતું કે, રાજય સરકારે 1,600 કિ.મી.ના  વિશાળ દરીયાકાંઠા માંથી વિકાસ માટે શિવરાજપુર બિચની પસંદગી કરી છે. જેના 20 કરોડના ખર્ચે ફેઇઝ-1ના  વિકાસ કામો હાલ પ્રગતિ હેઠળ છે. તેમજ ટુંક સમયમાં ફેઇઝ-2 ના કામો રૂા. 80 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. જેની ટેન્‍ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફેઇઝ-1 ના કામો માર્ચ મહિનામાં પુર્ણ થશે. જયારે ફેઇઝ-2 ની આગામી ઓગષ્‍ટ માસથી અમલવારી શરૂ થશે. આ બિચ ખાતે વોક-થ્રુ, ચેન્‍જીગ રૂમ, પીવાના પાણીની વ્‍યવસ્‍થા, ખાણી-પીણીના સ્‍ટોલ, પ્રવાસીઓની સુરક્ષા માટેના વોચ ટાવર, એન્‍ટરન્‍સ પ્‍લાઝા સહિતની સુવિધાઓ સમગ્ર ત્રણ કિ.મી. ના બિચ પર ઉભી કરી બિચને અત્‍યાધૂનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. તેમજ જયાં ક્રીક છે ત્‍યાં બ્રિજની સુવિધા ઉભી કરાશે. ગોવા તથા આંતરરાષ્‍ટ્રીય કક્ષાના બની રહેલ આ બિચ પર દારૂબંધીની કડક અમલવારી કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

     અહીં બાળકોથી માંડીને વડિલો સુધીના તમામ લોકોને પુરતું મનોરંજન મળી રહે તેની રાજય સરકારે ખાસ તકેદારી લીધી છે. શિવરાજપુર બિચ તમામ પ્રકારના માપદંડો પુર્ણ કરે તે માટે આંતરરાષ્‍ટ્રીય સ્‍થળના બિચ તૈયાર કરવાનો અનુભવ ધરાવતી એજન્‍સીને બિચના વિકાસનું કામ સોંપવામાં આવ્‍યું છે. આવનારા દિવસોમાં સમગ્ર ઓખામંડળ એ દ્વારકા મંદિર, સિગ્‍નેચર બ્રિજ તથા  શિવરાજપુર બિચ થકી શોભી ઉઠશે. 

    શિવરાજપુર બિચ ખાતે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીને આઇ.એન.આઇ.ના આર્કિટેક હર્ષ ગોયલ દ્વારા પ્રેઝન્‍ટેશન મારફતે બિચ ખાતે થઇ રહેલા તમામ વિકાસ કામોથી માહિતગાર કરાયા હતા. જયાં મુખ્‍યમંત્રીએ નિર્માણાધિન અદ્યતન ભવનો, બ્રિજ, મુસાફરો માટેની સુવિધાઓ, પાર્કિંગ વ્‍યવસ્‍થા, લોકર રૂમ, ચેન્‍જ રૂમ, શાવર બ્‍લોક, કેન્‍ટીન, સ્‍કુબા ડ્રાઇવીંગ સહિતની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું અને આ તમામ વ્‍યવસ્‍થાઓ વાવાઝોડા જેવી આપદાઓ સામે પણ મજબુતીથી ટકી રહે તેવી બનાવવાનું સુચન કર્યું હતું.

   આ પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા, મ્‍યુનિસિપલ ફાઇનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શ્રીમતિ અંજલીબેન રૂપાણી, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા, પુર્વ ધારાસભ્‍ય પબુભા માણેક, જિલ્‍લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, નગરપાલિકા પ્રમુખ જયોતિબેન સામાણી, યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેકટર રમેશભાઇ હેરમા, દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ, દ્વારકા શહેર ભાજપ પ્રમુખ વિજય બુજડ, તાલુકા ભાજપ પ્રમુખ વરજાંગભા, જિલ્‍લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ કણઝારીયા, જિલ્‍લા કલેકટર એમ.એ. પંડયા, રેન્‍જ આઇ.જી. સંદિપસિંઘ, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, પોલીસ અધિક્ષક સુનિલ જોશી, નિવાસી અધિક કલેકટર કે.એમ. જાની, દ્વારકા પ્રાંત અધિકારી એન.ડી. ભેટારીયા સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS