BREAKING NEWS

જસદણમાં ૭૫ વર્ષીય વૃદ્ધાને પાડોશી મહિલાએ પછાડી દઇ પગ ભાંગી નાંખ્યો

  • May 20, 2026 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણમાં વાજસુરપરામાં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધા સાથે પાડોશી મહિલાએ ઝઘડો કરી તેમને ધક્કો મારી પછાડી દઇ પગમાં ફ્રેકચર કરી દીધું હતું. પાડોશીની ગટરનું પાણી ઘરમાં આવતુ હોય જેથી આ બાબતે ટપારતા ઉશ્કેરાઇ હુમલો કર્યો હતો. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણમાં વાજસુરપરા શેરી નં.૧૬ માં રહેતા શાંતાબેન જીવણભાઇ ડાભી(ઉ.વ. ૭૫) નામના વૃદ્ધાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતી મહિલા રાધાબેન ઘનશ્યામભાઇ બાવળીયાનું નામ આપ્યું છે. વૃદ્ધાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે હાલ નિવૃત જીવન ગાળે છે, સંતાનમાં એક દીકરો હિંમત છેે. ગઇ તા. ૧૪/૫ ના બપોરના બારેક વાગ્યાના અરસામાં વૃદ્ધા ઘરની બહાર બેઠા હતા દરમિયાન બાજુમાં રહેતા રાધાબેનના ઘરનું ગટરનું પાણી ફરિયાદીના ઘર તરફ આવતું હોય જેથી તેમણે રાધાબેનને ગટરનું કામ સરખી રીતે કરાવવા કહ્યું હતું. આ સાંભળી રાધાબેને ઉશ્કેરાઇ કહ્યું હતું કે, ગટર સરખી નહીં થાય તારાથી થાય તે કરી લે તેમ કહી ગાળો આપવા લાગી હતી. વૃદ્ધાએ ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાઇ ઘરની બહાર ચોકડીમાં વૃધ્ધાને ધક્કો મારી દેતા તેઓ નીચે પટકાયા હતાં. જેથી તેમને ઇજા પહોંચતા ૧૦૮ મારફત પ્રથમ જસદણ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. વૃધ્ધાને પડી જવાથી પગના થાપાનાભાગે ફ્રેકચર થયું હોવાનું અહીં નીદાન થયું હતું. બાદમાં તેમણે આ અંગે પાડોશી મહિલા વિરૂધ્ધ આ ફરિયાદ નોંધાવતા જસદણ પોલીસે મહિલા સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application