દ્વારકાના નજીકના દરિયા કાંઠેથી કરોડો રૂપિયાનો ચરસનો જથ્થો ઝડપાયો

  • June 08, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૂપેણ બંદર વિસ્તારમાં પોલીસ તપાસનો ધમધમાટ: બે માસ પહેલા પણ ડ્રગ્સ ઝડપાયું હતું



દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપક પ્રમાણમાં ઝડપાયેલા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોએ વ્યાપક ચર્ચાઓ જગાવી છે. ત્યારે ગત મોડી રાત્રે દ્વારકા નજીકના રૂપેણ બંદર તથા વરવાળા વિસ્તારના દરિયાકાંઠેથી આશરે બે ડઝન જેટલા ચરસના પેકેટનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. જે અંગે પોલીસ દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે.


આ સમગ્ર પ્રકરણ અંગે બિન આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકા નજીક મીઠાપુર માર્ગ પર આવેલા રૂપેણ બંદર તથા વરવાળા ગામ વચ્ચેના દરિયાકાંઠા વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ મનાતા પેકેટ પડ્યા હોવા અંગેની જાણ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને એના ઈન્ચાર્જ એસ.પી. હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા રાત્રીના સમયે જ આ સ્થળે દોડી જઈ અને અહીં રહેલા પેકેટને કબજામાં લીધા હતા.


વધુમાં જાણવા મળતી વિગત મુજબ આશરે 20 થી 25 જેટલા આ પેકેટમાં રહેલો આ પદાર્થ ચરસ જેવું નશાકારક પદાર્થ હોવાનું કહેવાય છે. ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમત ધરાવતા આ નશાકારક પદાર્થ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આટલું જ નહીં, બિન વારસુ મળી આવેલા કરોડો રૂપિયાની કિંમતના આ ડ્રગ્સ (ચરસ) સંદર્ભે રાત્રે જ પોલીસ દ્વારા કોમ્બિંગ તેમજ વ્યાપક ચેકિંગ કામગીરીની જવાબદારી એસ.ઓ.જી. પોલીસને સોંપવામાં આવી હતી.


આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે સઘન કાર્યવાહી કરી અને આ ડ્રગ્સની ગુણવત્તા, કિંમત, સર્ચ ઓપરેશન સહિતની બાબતે કામગીરી કરી હતી. જો કે આ લખાય છે ત્યારે આ અંગેની કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.


બે માસ પહેલા પણ ડ્રગ્સ ઝડપાયું હતું

ગતરાત્રિના ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થાના આ બનાવ વચ્ચે આજથી આશરે બે માસ પહેલા પણ દ્વારકા વિસ્તારમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે ગતરાત્રે પણ ઝડપાયેલા આ નશાકારક પદાર્થોએ અનેક સવાલો ખડા કર્યા છે. દ્વારકા નજીકના દરિયા વિસ્તારમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સની વ્યાપક હેરાફેરી થતી હોવાના જોવા મળતા ચિત્ર વચ્ચે પોલીસ પાસે આવતા આ થોડા ડ્રગ્સના જથ્થા વચ્ચે મોટો જથ્થો પગ કરી જતો હોય તો નવાઈ નહીં તે બાબતની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.


તો કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સને બિનવારસુ હાલતમાં છોડી દેવા પાછળ ક્યું આયોજન કે રમત છે તેવા પણ પ્રશ્નો લોકોમાં પુછાય રહ્યા છે. વિદેશમાંથી દ્વારકાના દરિયા સુધી પહોંચતા કરોડો રૂપિયાના ડ્રગ્સ વચ્ચે બીજો કેટલો જથ્થો ક્યાં હશે તે બાબત પણ લોકો માટે જાણકારીનો વિષય છે. અગાઉ પોલીસ તપાસમાં અખાતના દેશોમાંથી ખંભાળિયા, સલાયા અને દ્વારકા પંથકમાં ડ્રગ્સ ઉતારીને અહીંથી મુંબઈ સહિતના સ્થળોએ સપ્લાય થતી હોવાનું ખુલ્યું હતું.


અગાઉ તત્કાલીન એસ.પી. સુનિલ જોશીએ અહીંથી ડ્રગ્સનું મોટું રેકેટ પકડી પાડી અને નાઈઝેરીયન શખ્સ તથા મુસ્લિમ શખ્સોને કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તે પછી પણ ડ્રગ્સની હેરાફેરી અવિરત રીતે ચાલી રહી હોવાનું આ ઝડપાયેલા આ ચરસના તથા પરથી ફલિત થાય છે.


દાયકાઓ અગાઉ અહીંના સલાયા પંથકમાં સોના તેમજ ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓની હેરાફેરી થતી. પરંતુ હવે ડ્રગ્સની વધતી જતી માંગ તેમજ અન્ય પરિબળોએ ડ્રગ્સના જથ્થાને સાંતળવો સહેલો પડતો હોય અને વહાણવટીઓ પણ આ બાબતથી પૈસા કમાવવાના શોર્ટકટમાં ડ્રગ્સની હેરાફેરીનો ધંધો વ્યાપક બન્યો હોવાનું કહેવાય છે. ત્યારે બિન વારસુ ઝડપાયેલા આ જથ્થા સંદર્ભે જિલ્લા પોલીસ દ્વારા ઊંડી તપાસ પણ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News